
Chhotaudepur: ગુજરાત સરકારના “ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત”ના નારા વચ્ચે, છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા કુકરદા ગામની એક કરુણ હકીકત સામે આવી છે. અહીંના બાળકો શાળાએ જવા માટે કાદવ અને કીચડથી ભરેલા રસ્તાઓમાંથી પસાર થવા મજબૂર છે, જે શિક્ષણના મૂળભૂત અધિકારને પણ પડકારે છે. કુકરદા ગામમાં પાકા રસ્તાઓનો અભાવ છે, અને ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે રસ્તાઓ કાદવના ડીંગળા બની જાય છે. બાળકો ચપ્પલ હાથમાં લઈ, કપડાં અને પુસ્તકો બગડવાના ડર સાથે શાળા જવા નીકળે છે. ઘણી વખત આવી મુશ્કેલ પરિસ્થિતિને કારણે તેઓ શાળાએ પહોંચી શકતા નથી, જેની સીધી અસર તેમના શિક્ષણ પર પડે છે.
છોટા ઉદેપુરમાં વિકાસના નામે મીંડું
મળતી માહિતી મુજબ સ્થાનિક ગ્રામજનો લાંબા સમયથી પાકા રસ્તાઓની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે સમસ્યા જેમની તેમ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બાળકોની આ દયનીય સ્થિતિ સ્પષ્ટ દેખાય છે
આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ પણ નહીં
કુકરદા ગામની આ સમસ્યા એ માત્ર એક ગામની વાત નથી, પરંતુ ગુજરાતના ઘણા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ અને મૂળભૂત સુવિધાઓની અછત છે. ગામની આ સમસ્યા શિક્ષણ સુધી સીમિત નથી અહીં આરોગ્ય સેવાઓ પણ પ્રભાવિત થાય છે. સરકારે આવા વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓને સુલભ બનાવવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની જરૂર છે, જેથી “ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત” નો નારો વાસ્તવિક રીતે સાકાર થઈ શકે.
પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઉંચકીને લઈ જવાના કિસ્સા
છોટાઉદેપુરમાં રસ્તાની દયનીય હાલતોના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવી પડતી હોય. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પરંતુ તંત્રને તો જાણે કોઈ ફરક જ ન પડતો હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું છે.
છોટાઉદેપુરમાં ક્યારે સુધરશે હાલત ?
આ વિસ્તારના બાળકો શિક્ષણ મેળવવા ઇચ્છે છે પણ રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે તેઓ શાળાએ જઈ શકતા નથી. આવા ગામોમાં પાકા રસ્તાઓ, શાળાઓની સુવિધા અને આરોગ્ય સેવાઓની સુવિધાઓ વધારવાથી જ ગુજરાતના વિકાસનો નારો સાચા અર્થમાં સાકાર થઈ શકે. સરકારે આ મુદ્દે તાત્કાલિક પગલાં લઈ, કુકરદા જેવા ગામોના બાળકોના શિક્ષણ અને ભવિષ્યને સુરક્ષિત કરવું જોઈએ. આદિવાસી વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓનો જેમ કે, શિક્ષણ, આરોગ્ય અને આર્થિક વિકાસનો અભાવ જોવા મળે છે.








