
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં મણિપુરની સ્થિતિ વિશે વાત કરી અને આશા વ્યક્ત કરી કે વર્ષ 2025ના આગમન સાથે પરિસ્થિતિમાં સુધારો થશે. આ સાથે જ વર્ષ 2024માં થયેલી ભંયકર હિંસાને લઈને રાજ્યની જનતાની માફી માંગી છે. તો બીજી તરફ આપણા બધાને સેવક તરીકે પોતાની ઓળખ આપનારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી એકપણ વખત મણિપુરનો ઉલ્લેખ પણ કર્યો નથી. તેઓ મણિપુરનો ‘મ’ પણ બોલવા માટે પણ તૈયાર નથી. તેઓ વર્તમાન સમયમાં વધી રહેલી મોંઘવારીનો ‘મ’ બોલી લે તો પણ દેશના લોકોના દિલને ઠંડક થઈ શકે છે. ખેર, તે બીજી વાત છે કે, તેઓ મોંઘવારી ઓછી કરી શકવાના નથી કે, જેવી રીતે તેઓ અત્યાર સુધી મણિપુરની હિંસા બંધ કરાવી શક્યા નથી.
મણિપુરની હિંસાને લઈને રાજ્યના સીએમ વિરેન સિંહે કહ્યું, “આખું વર્ષ ખૂબ જ કમનસીબ રહ્યું. “ગત 3 મેથી આજ સુધી જે કંઈ પણ થઈ રહ્યું છે તેના પર મને ખેદ છે અને હું રાજ્યની જનતાની માફી માંગવા માંગુ છું. તેમણે કહ્યું, “ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા, ઘણા લોકોએ તેમના ઘર છોડી દીધા. પરંતુ હવે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સ્થપાયેલી શાંતિને જોતા મને આશા છે કે નવા વર્ષના આગમન સાથે રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.
મુખ્યમંત્રીએ તમામ સમુદાયોને ભૂતકાળની ભૂલો ભૂલી એકબીજાને માફ કરી ફરીથી સાથે રહેવા અને નવા જીવનની શરૂઆત કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું, “એક શાંતિપૂર્ણ અને સુખી મણિપુર, જ્યાં 34-35 જાતિઓ સાથે રહેતા હતા, આપણે ભવિષ્યમાં પણ સાથે રહેવું જોઈએ. મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. એટલું જ નહીં, મેઇતેઇ અને કુકી બે સમુદાયો વચ્ચે અવિશ્વાસનું અંતર વધુ ઊંડું થતું જોવા મળી રહ્યું છે.
વિરેન સિંહે તો રાજ્યના લોકોને એકસાથે રહેવાની અપિલ કરી દીધી છે પરંતુ બીજી તરફ તેમની જ પાર્ટી દેશમાં નફરત ફેલાય તેવા નિવેદનો આપવામાં જરાપણ ખચકાટ રાખી રહી નથી. તે બીજી વાત છે કે, તેમણે હિન્દુ-મુસ્લિમોને ઉશ્કેરીને પોતાની રાજકીય રોટલીઓ શેકવામાં વધારે રસ છે.