
Dahod: દાહોદ જિલ્લાના બહુચર્ચિત મનરેગા કૌભાંડના પગલે રાજ્ય સરકારે વિશાળ સ્તરે તપાસના દોરા શરૂ કર્યા છે. સરકારે 12 જિલ્લામાંથી 30થી વધુ અધિકારીઓની 10 તપાસ ટીમો દાહોદ મોકલી છે, જે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના વિવિધ ગામોમાં થયેલા કુલ 2282 કામોની વિસ્તૃત તપાસ કરશે.
મનરેગા કૌભાંડની તપાસ માટે 10 ટીમો મેદાનમાં
આ તપાસ હેઠળ આવતા કામોમાં માટી મેટલ રોડ, સીસી રોડ, સ્ટોન બંધ, ચેકડેમ, પેવર બ્લોક, એમડીએમ હોલ, બાઉન્ડ્રી વોલ, પ્રોટેક્શન વોલ અને પ્લેગ્રાઉન્ડ સહિતના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. કેટલીક જગ્યાએ કામ પૂર્ણ થઈ ગયાનું બતાવાયું છે જ્યારે ક્યાંક હજી કામ ચાલુ હોવાનું જણાવાયું છે.
31થી વધુ એજન્સીઓ સામે તપાસ
મહત્વનું છે કે, દાહોદના સીમામોઈ ગામે રૂ.71 કરોડના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો, સાથે ધાનપુરના ભાણપુરમાં રૂ.33 લાખ અને દેવગઢ બારિયાના લવારીયામાં રૂ.18.41 લાખના કામમાં પણ કૌભાંડ નોંધાયું હતું. આ મામલે અત્યાર સુધીમાં 12 સરકારી કર્મચારીઓ સહિત મંત્રીપુત્ર અને ચાર એજન્સી માલિકોની ધરપકડ થઈ છે. સાથે 31થી વધુ એજન્સીઓ સામે તપાસ ચાલી રહી છે.
ગેરરીતિ સામે કડક કાર્યવાહી થવાની શકયતા
દાહોદ જિલ્લાના 80 ગામોમાં ચાલી રહેલા મનરેગાના કામોની હકીકત બહાર લાવવા માટે 282 સ્થાનિક કર્મચારીઓ તલાટી, ટેકનિકલ આસિસ્ટન્ટ અને ગ્રામ રોજગાર સેવક તરીકે તપાસ ટીમને મદદરૂપ બનશે. રાજ્ય સરકાર તરફથી ઠોસ તપાસ પછી તમામ કામોની અંતિમ હકીકતલક્ષી રિપોર્ટ સરકારને સુપરત કરાશે. મનરેગા કામોમાં થયેલી ગેરરીતિ સામે કડક કાર્યવાહી થવાની શકયતા છે.
અહેવાલ: ઉમેશ રોહિત






