
Dahod: દાહોદની લુખડીયા ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે જેમાં શાળામાં ભોજન લીધા બાદ 56 વિદ્યાર્થિનીઓની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામા આવી છે.
દાહોદમાં 56 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ
મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના લુખડીયા ગામ સ્થિત ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ (હાલ લીમખેડાની મોર્ડન સ્કૂલમાં સંચાલિત)માં સાંજના ભોજન બાદ 56 વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક બગડી હતી. ભોજન લીધા પછી વિદ્યાર્થિનીઓને ઉલ્ટી અને ગભરામણ જેવી ફરિયાદો શરૂ થઈ, જેના કારણે તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના ફૂડ પોઈઝનિંગની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.
તમામ વિદ્યાર્થિનીઓની હાલત સ્થિર
હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, સમયસર સારવાર મળવાથી તમામ વિદ્યાર્થિનીઓની હાલત સ્થિર છે, અને કોઈ ગંભીર સ્થિતિ નથી.
ભોજનની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
બીજી તરફ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા માટે સ્કૂલના ભોજનના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટનાથી લુખડીયા અને આજુબાજુના વિસ્તારોમાં ચિંતાનો માહોલ છવાયો છે. વિદ્યાર્થિનીઓના વાલીઓએ સ્કૂલના ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સ્કૂલ તંત્ર અને સ્થાનિક વહીવટ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.