
Dharma: સત્યુગમાં તપ, ત્રેતામાં જ્ઞાન, દ્વાપરમાં યજ્ઞ અને કળિયુગમાં એકમાત્ર દાન જ મનુષ્યના કલ્યાણનું સાધન છે. આપણે ત્યાં કહેવાય છે કે ‘જમણા હાથે દાન કરો તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ.’ આ ઉક્તિ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દાન ગુપ્ત હોવું જોઈએ. અત્યારના સમયમાં અનેક દાનવીરો છૂટ્ટા હાથે દાન કરતા હોય છે પણ કેટલાક દાનની જાહેરાત કરતા હોય છે. શાસ્ત્રોમાં દાનનું જેટલું મહત્ત્વ દર્શાવાયું છે, એટલું જ દાનની ગુપ્તતાનું માહાત્મ્ય પણ વર્ણવાયું છે.
દાનનો મહિમા
જે મનુષ્ય સ્વનું કલ્યાણ કરે તેનું જીવન સફળ કહેવાય છે. મનુષ્યો ભૌતિક દૃષ્ટિએ જીવનમાં સાંસારિક સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિને જ કલ્યાણ માને છે પણ સાચું કલ્યાણ તો સદાસર્વદા માટે જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થવામાં, એટલે કે ભગવત્પ્રાપ્તિ કરવામાં છે. શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ દરેક યુગમાં સ્વકલ્યાણના ઉપાય દર્શાવ્યા છે. સત્યુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કળિયુગ, એમ ચારેય યુગમાં જુદા જુદા પ્રકાર વર્ણવ્યા છે. સફળ માનવજીવનના લક્ષ્યની પ્રાપ્તિ માટે માનવ ધર્મશાસ્ત્રના ઉદ્ભાવક રાજર્ષિ મનુએ ચારેય યુગનાં ચાર સાધન (ઉપાય) બતાવ્યા છે :
तप: परं कृतयुगे त्रेतायां ज्ञानमुच्यते ।
द्वारे यज्ञमेवाहुर्दानमेकं कलौ युगे ।।
અર્થાત, સત્યુગમાં તપ, ત્રેતામાં જ્ઞાન, દ્વાપરમાં યજ્ઞ અને કળિયુગમાં એકમાત્ર દાન જ મનુષ્યના કલ્યાણનું સાધન છે.
તૈતરીય ઉપનિષદમાં પણ દાન વિશેનું વર્ણન છે,
श्रद्धया देयम्। अश्रद्धयादेयम्। श्रिया देयम्। ह्रिया देयम्। भिया देयम्। संविदा देयम्।
અર્થાત્ દાન શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ, અશ્રદ્ધાથી ક્યારેય દાન ન કરવું જોઈએ. (श्रद्धया देयम्। अश्रद्धयादेयम्). ક્ષમતા પ્રમાણે ઉદારતાપૂર્વક (श्रिया देयम्) અને નમ્રતાપૂર્વક (ह्रिया देयम्) દાન કરવું જોઈએ. દાન નહીં કરું તો પરલોકમાં સ્થાન નહીં મળે, એવા ભયથી (भिया देयम्) અથવા ઈશ્વરે મને આપવાયોગ્ય બનાવ્યો છે અને હું બીજાને નહીં આપું તો ઈશ્વરને કેવી રીતે મોં બતાવીશ, (संविदा देयम्) એ વિચારીને દાન કરવું જોઈએ. દાન આપવામાં આળસ, ભય અને ઉપેક્ષાના ભાવ ન રાખવા જોઈએ પણ જ્ઞાનપૂર્વક, વિધિપૂર્વક, આદરપૂર્વક અને ઉદારતાપૂર્વક નિ:સ્વાર્થ ભાવે આપવું જોઈએ. માનવજાતિના કલ્યાણ માટે દાન પરમ આવશ્યક છે. દાન વિના માનવની ઉન્નતિ અવરોધાય છે.
તૈતરીય ઉપનિષદના આ જ્ઞાનને ગોસ્વામી સુલસીદાસજીએ પણ ટાંક્યું છે,
प्रगट चारि पद धर्म के कलि महुँ एक प्रधान ।
जेन केन बिधि दीन्हें दान करई कल्यान ।।
બૃહદારણ્યક ઉપનિષદમાં દાનનો મહિમા વર્ણવતી એક કથા છે.
એક સમયની વાત છે; દેવતા, મનુષ્ય અને અસુર, ત્રણેયની ઉન્નતિમાં અવરોધ આવી ગયો હતો. આથી ત્રણેય પિતામહ પ્રજાપતિ બ્રહ્માજી પાસે પહોંચ્યા અને દુ:ખ દૂર કરવા માટે પ્રાર્થના કરી. પ્રજાપતિ બ્રહ્માજીએ ત્રણેયને માત્ર એક અક્ષરનો ઉપદેશ આપ્યો, ‘દ’. સ્વર્ગમાં ભોગવિલાસનાં અગણિત સાધનોને કારણે ભોગવિલાસને જ દેવલોકનું સુખ માની લેવામાં આવ્યું છે. એટલે દેવગણ ક્યારેય વૃદ્ધ થતા નથી અને હંમેશાં ઇન્દ્રિયભોગમાં રત રહેવા લાગ્યા છે. દેવોની આ અવસ્થાને કારણે પ્રજાપતિ બ્રહ્માજીએ દેવતાઓને ‘દ’ થકી ઇન્દ્રીય દમનનો ઉપદેશ આપ્યો. બ્રહ્માજીના આ ઉપદેશ પથી દેવો કૃતજ્ઞ થઈ પ્રણામ કર્યા અને જતા રહ્યા.
અસુરોનો સ્વભાવ હિંસાવૃત્તિ હોય છે. અસુરો નિત્ય ક્રોધ અને હિંસા જ કરતા હોય છે. આથી પ્રજાપતિ બ્રહ્માજીએ એમના આ દુષ્કર્મથી મુક્ત થવા માટે ‘દ’ થકી જીવમાત્ર પર દયા કરવાનો ઉપદેશ આપ્યો. અસુરો પણ બ્રહ્માજીની આજ્ઞા માથે ચડાવીને જતા રહ્યા.
એ પછી વારો આવ્યો મનુષ્યોનો. મનુષ્યો કર્મયોગી હોવાથી હંમેશાં લોભને વશ થઈને કર્મ કરતા હોય છે અને ધનઉપાર્જનમાં રત રહેતા હોય છે. એટલે પ્રજાપતિ બ્રહ્માજીએ મનુષ્યને ‘દ’ થકી સ્વકલ્યાણ માટે દાન કરવાનો ઉપદેશ આપ્યો. મનુષ્યગણ પણ પ્રજાપતિ બ્રહ્માજીને વંદન કરી જતા રહ્યા.
विभवो दानशक्तिश्च महतां तपसां फलम्
અર્થાત્ વિભવ અને દાન આપવાનું સામર્થ્ય એટલે કે માનસિક ઉદારતા, આ બંને મહાન તપનાં ફળ છે. વિભવ થવું એ સામાન્ય વાત છે. પણ બીજાને માટે વિભવ આપવું એ મનની ઉદારતા પર નિર્ભર હોય છે. જન્મજન્માંતરનાં પુણ્યથી પ્રાપ્ત થનારી દાનશક્તિ આ જ છે.
(આવતી કાલે વાંચો, દાન માટે સ્થળ, કાળ અને યોગ્ય પાત્ર વિશે)
