
Dharma: મા દુર્ગાની પરમ કૃપા મેળવવા માટે અનેક સ્તુતિ-સ્તોત્રો લખાયાં છે અને એનું પઠન, ગાયન અને શ્રવણ મનને શક્તિ આપે છે પરંતુ દુર્ગા સપ્તશતી એ સૌમાં સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ ફળદાયી અને અસરકારક છે. સાચા હૃદયથી માની ભક્તિ કરવાથી અવશ્યપણે માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગઈ કાલે દુર્ગા સપ્તશતીના 1થી 5 અધ્યાય વિશે જાણ્યું. આજે 6થી 13 અધ્યાય વિશેની માહિતી અહીં પ્રસ્તુત છે.
દુર્ગા સપ્તશતી અધ્યાય – 6
કોઈ પણ પ્રકારની તંત્રબાધા દૂર કરવા માટે આ અધ્યાયનો પાઠ કરવામાં આવે છે. એ સિવાય કોઈએ જાદુ-ટોના કર્યું હોય, મેલી વિદ્યાથી પરિવારને બાંધી દીધો હોય કે પછી રાહુ અને કેતુથી તમે પીડિત હો તો છઠ્ઠા અધ્યાયનો પાઠ આ તમામ કષ્ટમાંથી મુક્તિ અપાવે છે.
અધ્યાય – 7
કોઈ વિશિષ્ટ ઇચ્છા પૂરી કરવા માટે દુર્ગા સપ્તશતીનો સાતમો અધ્યાય સર્વોત્તમ છે. સાચા અને નિર્મણ હૃદયથી મા મહિષાસુરમર્દિનીની પૂજા કરવામાં આવે અને સાથેસાથ્ આ સાતમા અધ્યાયનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિની ઇચ્છા અવશ્ય પૂરી થાય છે.
અધ્યાય – 8
કોઈ પ્રિયજન સાથેનો વિયોગ હોય, કોઈ ખોવાઈ ગયું હોય અને ભાળ ન મળતી હોય. અનેક પ્રયત્નો છતાં એ સ્વજન મળતું ન હોય ત્યારે વિખૂટા પડી ગયેલા અને વિયોગી સ્વજન સાથે મેળાપ કરાવવામાં દુર્ગા સપ્તશતીનો આઠમો અધ્યાય ચમત્કારિક પરિણામ આપે છે. આ સિવાય વશીકરણ માટે પણ આ અધ્યાયનો પાઠ કરવામાં આવે છે પરંતુ વશીકરણ યોગ્ય વ્યક્તિ માટે કરવામાં આવવું જોઈએ અને સદ્ઇચ્છા માટે કરવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીંતર લાભને બદલે હાનિ થઈ શકે છે. એ સિવાય ધનલાભ માટે, ધનની પ્રાપ્તિ માટે પણ આઠમા અધ્યાયનો પાઠ કરવાનું ઘણું શુભ માનવામાં આવે છે.
અધ્યાય – 9
નવમા અધ્યાયનો પાઠ સંતાનપ્રાપ્તિ માટે કરવામાં આવે છે. પુત્રપ્રાપ્તિ માટે કે સંતાન સંબંધી કોઈ પણ સમસ્યાના નિવારણ માટે દુર્ગા સપ્તશતીના નવમા અધ્યાયનો પાઠ કરવામાં આવે છે. આ સિવાય સંતાનની ઉન્નતિ-પ્રગતિ માટે તથા કોઈ પણ પ્રકારની ખોવાઈ ગયેલી અમૂલ્ય-કીમતી વસ્તુની પ્રાપ્તિ માટે પણ નવમા અધ્યાયનો પાઠ કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ અધ્યાય મનુષ્યની સર્વ પ્રકારની ઇચ્છાની પૂર્તિ માટે સહાયક બને છે.
અધ્યાય – 10
સંતાન ખોટી સંગતમાં ફસાયું હોય કે ખોટા રસ્તે હોય ત્યારે આવાં ભટકી ગયેલા સંતાનને સાચા માર્ગે લાવવા, સારી સંગતમાં લાવવા માટે દસમો અધ્યાય સર્વશ્રેષ્ઠ છે. સારા અને યોગ્ય પુત્રની ઇચ્છા સાથે દસમા અધ્યાયનો પાઠ કરવામાં આવે તો યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત સંતાન સાચા માર્ગે ચાલે છે.
અધ્યાય – 11
વેપારમાં હાનિ હોય અને અકારણ પૈસા વેડફાઈ રહ્યા હોય, કોઈ પણ પ્રકારે ધનહાનિ થતી હોય ત્યારે આ અધ્યાયનો પાઠ કરવાથી ઉત્તમ ફળ મળે છે. એના પ્રભાવથી મનુષ્યને અકારણ ખર્ચા બંધ થઈ જાય છે અને ઘરમાં સુખશાંતિનો વાસ થાય છે.
અધ્યાય – 12
આ અધ્યાયના પાઠ કરવાથી વ્યક્તિના માન—ન્માનની પ્રાપ્તિ થાય છે. એ સિવાય જે વ્યક્તિ સામે ખોટી રીતે દોષારોપણ કરાયું હોય અને એના સન્માનની હાનિ થતી હોય ત્યારે એવી સ્થિતિથી બચવા માટે દુર્ગા સપ્તશતીના બારમા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. એ સિવાય રોગમુક્તિ માટે પણ 12મા અધ્યાયનો પાઠ કરવાથી લાભ થાય છે. કોઈ પણ અસાધ્ય રોગ હોય અને સારવાર કે દવાની કોઈ અસર ન થતી હોય ત્યારે 12મા અધ્યાયનો પાઠ કરવાથી ઉત્તમ પરિણામ મળે છે.
અધ્યાય – 13
દુર્ગા સપ્તશતીનો તેરમો પાઠ મા ભગવતીની ભક્તિ આપે છે. કોઈ પણ સાધના પછી મા દુર્ગાની પૂર્ણ ભક્તિ માટે આ અધ્યાયનો પાઠ બહુ જ મહત્ત્વનો હોય છે. કોઈ વિશિષ્ટ ઇછ્ચા પૂરી કરવા માટે કે કોઈ પણ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે આ અધ્યાયનો પાઠ બહુ જ પ્રભાવશાળી મનાયો છે.
