
Dev Deepavali: આપણા દેશમાં પ્રાચીન ધાર્મિક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે ત્યારે આજે દેવ દિવાળી છે જે કારતક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. ઉદયાતિથિ અને પ્રદોષ કાળના મુહૂર્ત મુજબ આ પવિત્ર તહેવાર આજે તા. 5 નવેમ્બર, 2025ના રોજ ઉજવવામાં આવશે.
દેવ દિવાળીને દેવ દીપાવલી, ત્રિપુરારી પૂર્ણિમા અને કારતક પૂર્ણિમાથી પણ ઓળખવામાં આવે છે. આજના પાવન દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે,હરી અને હરની એકસાથે પૂજા કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
આજના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરીને દેવતાઓને તેના ભયમાંથી મુક્ત કર્યા હતા જે વિજયની ખુશીમાં દેવતાઓએ દિવાળીની જેમ આજે દેવ દિવાળીની દીવા પ્રગટાવીને ઉજવણી કરી હતી. જેથી કાશી (વારાણસી)માં ગંગાના ઘાટ પર હજારો દીવાઓનો પ્રકાશ કરવામાં આવે છે.
આ પવિત્ર તિથિએ ગંગામાં સ્નાન કરવું, દીવા દાન કરવું અને ભગવાન શિવની પૂજા કરવાથી શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસને પૂર્વજોના આત્માની શાંતિ, મુક્તિની પ્રાપ્તિ, ધન અને સમૃદ્ધિ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા કાર્યો સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધારે ફળ આપે છે.
દિવાળીના બરાબર 15 દિવસ બાદ દેવ દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે,માન્યતા છે કે આજેપણ દેવી-દેવતાઓ પ્રાચીન નગરી કાશીમાં અદ્રશ્ય રૂપે આવે છે અને દિવાળી ઉજવી આર્શીવાદ આપે છે તેથી આજના દિવસે વારાણસીના બધા ઘાટો ઉપર દીવાડાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે, ગંગાના કિનારે દીવા પ્રગટાવવાનું અત્યંત શુભ અને પુણ્યશાળી માનવામાં આવે છે.
આ તહેવાર હિન્દુ ધર્મની ખાસ તિથિઓમાંની એક છે, જે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભક્તિભાવ સાથે ઉજવાય છે. આ વર્ષે કાર્તિક પૂર્ણિમા તિથિ તા. 4 નવેમ્બર, મંગળવારના રોજ રાત્રે 10:36 વાગ્યે શરૂ થઈને બીજા દિવસે આજે તા.5 નવેમ્બર, બુધવારના રોજ સાંજે 6:48 વાગ્યે સમાપ્ત થશે.
પંચાંગ મુજબ, હિંદુ ધર્મમાં તહેવારો ઉદયાતિથિ અનુસાર ઉજવવામાં આવતા હોવાથી, દેવ દિવાળીનો મહાપર્વ આજે તા.5 નવેમ્બર, બુધવારના રોજ ઉજવવામાં આવશે. દેવ દિવાળી દરમિયાન પૂજા અને દીવા પ્રગટાવવા માટે પ્રદોષ કાળ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે દેવ દીપાવલીના પ્રદોષ સમયગાળા દરમિયાન પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
આ દિવસે સાંજે 5:15 થી 7:50 વાગ્યા સુધી પૂજા કરવાથી લાભથઈ શકે છે.
આપને જણાવી દઈએ કે દિવાળી અને દેવ દિવાળી પર્વ વચ્ચે શુ તફાવત છે? દિવાળી કાર્તિક અમાવસ્યા પર ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને અયોધ્યા પાછા ફર્યા તે દિવસથી ઉજવાય છે. જ્યારે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો જે વિજયની ખુશીમાં દેવોએ ઉજવણી કરી હતી એટલે દેવોએ દિવાળી ઉજવી તેથી દેવ દિવાળી નામ પડ્યું જે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે.
દિવાળી પર લક્ષ્મી પૂજાનું મહત્વ છે. દેવ દિવાળી પર ભગવાન શિવની પૂજા અને ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
આ પણ વાંચો:
UP: અયોધ્યામાં દિવાળી પછી ગરીબોના જીવનમાં ઘેરાયેલું અંધકાર ઉજાગર થયું, જુઓ










