
ગઈકાલે નવા વર્ષના આરંભે જ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. બનાસકાંઠાના બે ભાગ કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. આ જાહેરાત બાદ કેટલાંક લોકોમાં ખુશી તો કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી છે. આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
થરાદમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ધાનેરા અને કાંકરેજના શિહોરીમાં નારાજગી જોવા મળી રહી છે. બંને તાલુકાવાસીઓ બનાસકાંઠામાં રહેવા માંગે છે. સરહદી વિસ્તાર તરીકે ઓળખાતા બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લાની જાહેરાત સાથે વિરોધના સૂર ઉઠ્યો છે. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે મામલતદારને લેખિતમાં રજૂઆત કરાઈ છે. શિહોરીએ કાંકરેજ તાલુકાનું મુખ્ય મથકે છે.
આજે શિહોરીમાં બંધ
વાવ-થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરવામાં આવતાં શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે ગુરૂવારે વહેલી સવારથી જ શિહોરની બજારોમાં સ્વયંભૂ બંધ રાખવામાં આવતાં બજાર સૂમસામ બન્યું છે. શિહોરીવાસીઓની માંગ છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે.
કાંકરેજના ધારાસભ્ય શું કહે છે?
https://x.com/AmrutThakorINC/status/1874486105812455746
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે બનાસકાંઠાના બે ભાગ કરતાં નારાજ છે. તેમણે સરકારના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. સરકારે કોઇપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ નિર્ણય લીધો છે. કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઇએ.
ધાનેરાને પણ રહેવું છે બનાસકાંઠામાં
ધાનેરાનો પણ વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ કર્યો છે. કહ્યું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પણ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઉભી રહેશે.
બનસાસકાંઠાના સાંસદ ગેનીબેને શું કહ્યું?
બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, 14 જેટલાં તાલુકા અને એનો વિસ્તાર લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠાના લોકોની માંગણી હતી જિલ્લાના વિભાજન માટે દિયોદર થરાદ અને રાધનપુરની માંગણી હતી. અત્યારે જે જિલ્લો અલગ કરાયો છે. જેમાં નવા જિલ્લામાં 8 તાલુકા અને જુનામાં 6 તાલુકા આ રીતે તેનું વિભાજન પ્રાથમિક તબ્બકે કરવામાં આવ્યું છે. આમારી એક જ માંગણી હતી. આ જાહેરાત બાદ આનંદ બધાને હોય, અમને પણ આનંદ છે. પંચાયતમાં વિભાજન કરવું હોય તો ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે, નવો તાલુકો બનાવવાનો હોય જે સમય અનેક સૂચનો લીધેલા હોય છે આ વખતે સરપંચો હોય કે ધારાસભ્યો હોય કે પછી ચૂંટાયેલા પદ અધિકારીઓ હોય તેમનો કોઈનો અભિપ્રાય લીધેલો નથી એક તરફી જિલ્લાનું વિભાજન છે તે કરવામાં આવ્યું છે જે વિભાજન જિલ્લો કરવામાં આવ્યો છે તે ક્યાંક લોકોને ફાયદો થશે.







