
Durga Saptashati : દુર્ગા સપ્તશતીનું માહાત્મ્ય ભાગ – 1 : દુર્ગા સપ્તશતી એક વરદાન છે, એક પ્રસાદ છે. એ પ્રસાદ, એ વરદાન ગ્રહણ કરનારા મનુષ્યો ધન્ય થઈ જાય છે. માછલીનું જીવન જે રીતે પાણીમાં હોય છે, જે રીતે વૃક્ષનું જીવન બીજમાં હોય છે એ જ રીતે મા દુર્ગાના ભક્તોનું જીવન, પ્રાણશક્તિ આ દુર્ગા સપ્તશતીમાં સ્થિત હોય છે. સપ્તશતીના પ્રત્યેક અધ્યાયમાં એક વિશિષ્ટ અને અલાયદો ઉદ્દેશ્ય ગણાવ્યો છે અને એ દેવીની વિવિધ શક્તિઓ જાગ્રત કરવા માટેનાં 13 બ્રહ્માસ્ત્ર ગણાય છે.
દુર્ગા સપ્તશતીના પાઠનું મહત્ત્વ
1. માર્કેણ્ડેય પુરાણમાં વર્ણિત ચમત્કારિક દેવી માહાત્મ્યમાં મા દુર્ગાનાં વિવિધ સ્વરૂપોનું વર્ણન છે.
2. મનુષ્યોની રક્ષા માટે સપ્તશતીને સ્વયમ્ બ્રહ્માજીએ અત્યંત ગુપ્ત અને પરમ ઉપયોગી અને મનુષ્ય માટે કલ્યાણકારી ગણાવાયું છે. સ્વયમ્ બ્રહ્મદેવે કહ્યું છે કે જે મનુષ્ય દુર્ગા સપ્તશતીનો પાઠ કરશે, એ પરમ સુખ ભોગવશે.
3. આ દુર્ગા સપ્તશતીને શત ચંડી, નવચંડી અથવા ચંડીપાઠ પણ કહેવાય છે.
4. આ એક જાગ્રત તંત્ર વિજ્ઞાન છે, નિશ્ચિતપણે દુર્ગા સપ્તશતી પાઠના શ્લોકોની અસર થાય છે. અને તીવ્ર ગતિથી એનો પ્રભાવ પડે છે. એમાં બ્રહ્માંડની તીવ્ર શક્તિઓનું જ્ઞાન છુપાયેલું છે.
5. મનુષ્ય યોગ્ય રીતે અને સાચી વિધિથી પાઠનું વાંચન કરે તો મનુષ્યના જીવનની સર્વ મુશ્કેલીનો નિશ્ચિતપણે અંત થઈ જાય છે.
દુર્ગા સપ્તશતી પાઠનું ફળ
અધ્યાય – 1
કોઈ પણ પ્રકારની ચિંતા હોય, કોઈ પણ પ્રકારનો માનસિક વિકાર એટલે કે માનસિક કષ્ટ હોય ત્યારે દુર્ગા સપ્તશતીના પ્રથમ અધ્યાયનો પાઠ કરવાથી સર્વ માનસિક વિચારો અને અકારણ ચિંતાથી મુક્તિ મળે છે. મનુષ્યની ચેતના જાગ્રત થાય છે અને વિચારોને યોગ્ય દિશા મળે છે. કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર તમારા પર હાવી થઈ શકતા નથી. આમ, દુર્ગા સપ્તશતીના પ્રથમ અધ્યાયથી મનુષ્યની સર્વ પ્રકારની ચિંતાઓમાંથી મુક્તિ મળે છે.
અધ્યાય – 2
દુર્ગા સપ્તશતીના બીજા અધ્યાયનો પાઠ કરવાથી કોર્ટ-કચેરીના કેસમાં વિજય મળે છે. કોઈ પણ પ્રકારનો ઝઘડો હોય, વાદવિવાદ હોય તો એ શાંત થઈ જાય છે. સાથેસાથે મનુષ્યના માન-સન્માનનું રક્ષણ થાય છે. બીજો પાઠ વિજય મેળવવા માટે પણ હોય છે પણ મનુષ્યનો ઉદ્દેશ્ય, મનુષ્યની ઇચ્છા સારી હોય તો આ પાઠનું પણ વિશિષ્ટ ફળ મળે છે. કોઈ મનુષ્ય ખોટા કે અયોગ્ય હેતુ માટે બીજા અધ્યાયનો પાઠ કરે અને મા દુર્ગા મદદ કરે એવી ઇચ્છા રાખે તો એ મનુષ્યની મોટી ભૂલ છે.
અધ્યાય – 3
શત્રુઓથી મુક્તિ મેળવવા માટે ત્રીજા અધ્યાયનો પાઠ કરવાનો મહિમા છે. મનુષ્યના જીવનમાં પીડાનું સૌથી મોટું કારણ મિત્રો, શત્રુઓનો ભય હોય છે. કારણ કે કોઈ મનુષ્ય ભલે સુખસુવિધામાં રાચતો હોય પણ એને કોઈ ભય હોય તો એ ક્યારેય સુખી થઈ શકતો નથી. આથી આ અધ્યાયનો પાઠ કરવાથી આંતરિક અને બાહ્ય, બંને પ્રકારના ભય નાશ પામે છે. મનુષ્યનો કોઈ ગુપ્ત શત્રુ હોય અને એ જ ગુપ્ત શત્રુ સૌથી વધુ નુકસાન કરનારો હોય તો આવા શત્રુઓથી મુક્તિ મેળવવા માટે ત્રીજા અધ્યાયનો પાઠ કરવાથી ઉત્તમ ફળ મળે છે.
અધ્યાય – 4
દુર્ગા સપ્તશતીનો ચોથો અધ્યાય માની ભક્તિ પ્રાપ્ત કરવા માટે એમની શક્તિ, એમની ઊર્જા પ્રાપ્ત કરવા માટે અને એમનાં દર્શન માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આમ તો આ ગ્રંથના પ્રત્યેક અધ્યાયના પ્રત્યેક શબ્દમાં મા દુર્ગાની ઊર્જા સમાયેલી છે. આમ છતાં માની નિષ્કામ ભક્તિની અનુભૂતિ કરવા માટે અને દર્શનો માટે ચોથો અધ્યાય સૌથી શ્રેષ્ઠ મનાય છે.
અધ્યાય – 5
પાંચમા અધ્યાયના પ્રભાવથી સર્વ પ્રકારના ભયનો નાશ થાય છે. ભૂતપ્રેતની બાધા હોય, દુઃસ્વપ્નો હેરાન કરતાં હોય તો પાંચમા અધ્યાયનો પાઠ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ઉપરાંત મનુષ્ય સર્વપ્રકારે ત્રસ્ત હોય તોપણ પાંચમા અધ્યાયનો પાઠ મુક્તિ અપાવે છે.(આવતી કાલે વાંચો આગળના અધ્યાય વિશે…)
