
વારંવાર ગુજરાત શહેર અને ગામડાંઓમાં નકલી ડક્ટરો ઝડપાઈ છે. ત્યારે રાજકોટના ખોરાણા ગામેથી એક માત્ર 12 નકલી ડોક્ટર દર્દીઓની સારવાર કરતાં ઝડપાઈ ગયો હતો. છે. રાજકોટ SOG ટીમે શનિવારે સાંજે ખોરાણામાંથી પોલીસે ધોરણ 12 સુધી અભ્યાસ કરનાર નકલી ડોક્ટરને ઝડપી લઇ ક્લિનિકમાંથી દવા અને બાટલા સહિત 20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
રાજકોટ SOG પોલીસને બાતમળી મળી હતી કે ખોરાણા ગામની ભાગોળે કુવાડવા નજીકના ખોરાણામાં રામજી મંદિરની બાજુમાં આવેલી ધ્વનિ ક્લિનિકમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે, તે વ્યક્તિ પાસે તબીબીની કોઇપણ ડિગ્રી નથી અને તે નકલી ડોક્ટર છે. આ બાતમી આધારે SOGના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ અને નારણભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ પહોંચી ત્યારે ધ્વનિ ક્લિનિકમાં ખુરશી પર એક વ્યક્તિ બેઠો હતો અને તેના ટેબલ પર સ્ટેથોસ્કોપ હતું, બાજુમાં દવાનો જથ્થો હતો, આ વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ હિરેન મહેશ કાનાબાર (ઉ.વ.36) હોવાનું કહ્યું હતું. પોલીસે અભ્યાસ અંગે પૂછતાં હિરેને પોતે ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યાની અને તબીબી કોઇપણ ડિગ્રી નહીં હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની કબૂલાત આપી હતી.
પોલીસે દવાખાનામાંથી દવા, બાટલા અને સિરિન્જ સહિત કુલ રૂ.20,510નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હિરેન કાનાબારે ખોરાણામાં ડોક્ટર તરીકે પોતાની ઓળખ ઊભી કરી હતી. આ શખ્સ વિરુધ્ધ એક વર્ષ પહેલાં પણ બોગસ તબીબ હોવા અંગે ગુનો નોંધાયો હતો. જો કે પોલીસે તે સમયે શું કાર્યવાહી કરી હશે કે તેણે નકલી ડોક્ટર બની બીજીવાર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનું શરુ કર્યું હતુ. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.