
ફરીએકવાર ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ મચાવતો વિડિયો વાઈરલ થયો છે. છોટાઉદેપુરના કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના એક ડોક્ટરનો નશાની હાલતમાં વિડિયો વાઇરલ થયો છે. દર્દીના સગાને ડોક્ટરનું વર્તન શંકાસ્પદ લાગતાં તેમણે વિડિયો બનાવી વાઇરલ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડોક્ટરે સરખો જવાબ ન આપ્યો
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગઈકાલે થડગામના એક યુવક સગાને લઇને સારવાર માટે ગયો હતો. ત્યાં ફરજ પર હાજર કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.અનિલ જાદવનું વર્તન જોઈ નશાની હાલતમાં હોવાનું માલૂમ પડ્યું હતુ. જે બાદ દર્દીને જે રીપોર્ટ કરાવવાના હતા તે અંગે અનિલ જાદવે સરખો જવાબ આપી રહ્યો ન હતો. જેને લઇને દર્દીના સગાને શંકા ગઇ હતી કે, આ ડોક્ટર નશાની હાલતમાં છે. તેમ છતાં સગાએ દર્દીની સારવાર કરાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. જોકે ડોક્ટનું વર્તન ન સુધરતાં અંતે યુવકે નશાની હાલતમાં રહેલા ડોક્ટરનો વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
CDHOએ શું કહ્યું?
હાલ આ મામલે છોટાઉદેપુરના ચીફ ડીસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડૉ.ભરત ચૌહાણે વિડિયો જોઈ કહ્યું છે કે પ્રાથમિકમાં દૃષ્ટિએ તો જણાઈ આવે છે કે ડોક્ટર નશામાં હોય, પરંતુ હાજર સ્ટાફના નિવેદનો લઇને વિભાગીય કક્ષાએ અહેવાલ મોકલી આપીશું. ત્યાર બાદ આરોપી ડોક્ટર વિરુધ્ધ કાર્યવાહી તેજ કરાશે.