Gujarat: ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા

દિલીપ પટેલ
અમદાવાદ, 2 એપ્રિલ 2025

Gujarat:  15 એપ્રિલ, 1948ના રોજ વિધિવત્ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ. સરદાર પટેલે જામનગરના જામ સાહેબ દિગ્વિજયને રાજપ્રમુખ અને ઉછંગરાય ઢેબરને મુખ્ય મંત્રી તરીકે ઘોષિત કર્યા. ભારત આઝાદ થયા પછી સરદાર પટેલ અને ગાંધીજી સૌરાષ્ટ્ર અલગ સ્ટેટ બને તેવું ઇચ્છતા હતા. ભાવનગરના મહારાજા અને જામનગરના જામસાહેબ સૌરાષ્ટ્રનું એક જ એકમ બને તે માટે રાજી થયા અને યુનાઇટેડ સ્ટેટ ઑફ કાઠિયાવાડ બને તે માટે સંમતિ સધાઈ.

75 વર્ષ પછી જે માટે જમીનો આપી હતી તેનો હેતુ સદંતર બદલાય ગયો છે. ખેતીની જમીન બિનખેતીમાં ફેરવાઈ રહી છે. ખેતીની જમીન બિનખેતી થતાં વર્ષે 500 કરોડ કિલો ઘઉં ગુમાવવા પડે છે

ગુજરાતમાં ખેડૂતો પોતાની જમીન વેચીને શહેરમાં હિજરત કરી રહ્યા છે. નાના ટુકડા થઈ ગયા હોય એ ખેડૂતો પોતાની જમીન વેચીને ગામમાં ખેત મજૂરી કરતા થયા છે. ગામ ખાલી થઈ રહ્યા છે અને શહેરો મોટા થઈ રહ્યા છે. 8 મહાનગરો હતા અને હવે આ વર્ષથી 9 બીજા નવા મહાનગરો જાહેર કરાયા છે. એક હજાર ગામ આ શહેરમાં ભળી ગયા છે કે હવે ભળી જવાના છે.

ખેડૂતોએ પોતાનો ઈતિહાસ સમજવા અને ખેતીનું મૂલ્ય સમજવા માટે 75 વર્ષ પહેલાં જવું પડે તેમ છે.

આઝાદી પછી જમીન માલિકી વગર ખેતી ખેડૂતો ખેતર ખેડતા હતા. ખેડે તેની જમીનના કાયદાથી ગણોતિયાથી જમીન માલિક બન્યા હતા. ખેતમજૂરો ખેતમાલિકો થયા હતા. હવે 75 વર્ષે ફરી જમીન વિહોણા બની રહ્યા છે. ગણોતિયા હવે ગુણવાન ખેતી છોડીને ખેતર વેચી રહ્યા છે.

સરકારોએ જે હેતુથી જમીનો આપી હતી તે હેતુ બદલાય ગયો છે. જમીનનો વેપાર વધતા ખેડૂતો જમીન ગુમાવી રહ્યા છે.

ખેડૂતોને જે હેતુથી આ જમીનો આપવામાં આવી હતી તે હેતુ મરી પરવાર્યો છે. જમીનોનો કારોબાર થઈ રહ્યો છે. નવી શરતોમાં પરિવર્તન કરેલા કાયદાને કારણે સરકારી ઢીલી નીતિનો લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે. ગણોતિયાઓ હતા તે ગરાસદારો બની ગયા છે. આજે કયા સમૃદ્ધ ખેડૂતો ખેતી કરે છે?

પહેલા જે ખેતપેદાશોના દામ મળતા હતા તે પ્રમાણમાં આજે નથી મળી રહ્યા. આજે નેગેટિવ ખેતી થઈ રહી છે. ઉપજનું યોગ્ય મૂલ્ય મળતું નથી. જેને કારણે જ ખેતીનો મોટો સમુહ એવા પટેલોએ એક સમયે અનામત માગવા આંદોલન ચલાવવું પડ્યું હતું.

હવે પાટીદારો અને ઉજળીયાત ખેડૂતો જમીનો વેચી રહ્યા છે. તેમની જમીનો મોટા પાયે બીન ખેતી થઈ રહી છે.

1970-71ની ખેતી ગણતરીની વિગતો આપતાં કૃષિ ભવનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 1971માં ખેડૂતો પાસે 99 લાખ 99 હજાર 638 હેક્ટર જમીન હતી.

2010-11માં 98.98 લાખ હેક્ટર જમીન ખેતીની હતી. જે 2005-06માં 102.69 લાખ હેક્ટર હતી, જેમાં 3.61 ટકાનો ઘટાડો 2010-11માં જોવા મળ્યો હતો. આ ઘટતી ટકાવારી કૃષિ જમીનને બિન-કૃષિ જમીનમાં રૂપાંતરિત કરવાને કારણે હોઈ શકે છે, એવું ત્યારે કૃષિ વિભાગે જાહેર કર્યું હતું.

ત્યાર પછી ખેતીની જમીન દર 10 વર્ષે 5 ટકાના દરે ઘટી રહી છે. હવે 2020 પછી ખેતરો ઝડપથી ઘટી રહ્યાં છે. દર વર્ષે 1 ટકા ખેતર પર ઉદ્યોગો કે માનવ વસાહતો બની રહી છે.

1970માં 5થી 10 હેક્ટર જમીન હોય એવા 24 લાખ 32 હજાર ખેડૂતો હતા. 30 લાખ હેક્ટર જમીન 4 લાખ 24 હજાર ખેડૂતો પાસે હતી. હવે ખેડૂતો વધી રહ્યાં છે અને જમીન ઓછી થઈ રહી છે. ખેડવા લાયક જમીનો હતી તે મોટા ભાગે રહી નથી. તેથી જંગલો અને સૌચર તથા સરકારની જમીન પર દબાણ વધી રહ્યા છે.

2023-24માં ખેતરોમાંથી 15 લાખ 72 હજાર 577 હેક્ટર જમીન બીન ખેતી બની ગઈ છે.

2024-25ની ગણતરી કરવામાં આવે તો 16 લાખ 75 હજાર હેક્ટર જમીન બીન ખેતી થઈ ગઈ હોવાની શક્યતા ગણી શકાય.

7 વર્ષમાં થઈ 1 લાખ 96 હજાર 587 હેક્ટર જમીન બીન ખેતી થઈ છે.

દર વર્ષે સરેરાશ 28,083 હેક્ટર જમીન બીન ખેતી થઈ રહી છે.

1 હેક્ટરે 10 હજાર ચોરસ મીટર જમીન થાય છે તે હિસાબે 1572 કરોડ 58 લાખ ચોરસ ફુટ જમીન બીન ખેતી બની ગઈ છે. તેની જો ગણતરી કરવામાં આવે તો કૃષિ ઉત્પાદન ઘણું ગુમાવવાનું થાય છે. તેથી હવે પછીની પેઢી માટે ખેતીની જમીન સાચવવી અત્યંત જરૂરી છે. 1572577 હેક્ટર બીન ખેતી થઈ છે.

જો તમામ જમીન પર એક જ પાક થતો હોય તો તે હિસાબે 7 કરોડની વસતી ગણતાં ગુજરાતમાં માથાદીઠ કેટલું ઉત્પાદન દર વર્ષે ગુમાવવું પડે છે તેની વિગતો.

વ્યક્તિ દીઠ નુકસાન
54 કિલો ચોખા,
72 કિલો ઘઉં,
22 કિલો કઠોળ
60 કિલો મગફળી,
710 કિલો બટાકા,
674 કિલો કાંદા,
1,606 શેરડી.

હેક્ટર દીઠ ઉત્પાદન – ગુમાવવું પડતું ઉત્પાદન કિલો

ચોખા 2400 કિલો – 377 કરોડ કિલો
ઘઉં 3200 કિલો – 503 કરોડ કિલો
જુવાર 1350 કિલો – 212 કરોડ કિલો
બાજરો 1845 કિલો – 290 કરોડ કિલો
મકાઈ 1475 કિલો – 232 કરોડ કિલો
રાગી 835 કિલો – 131 કરોડ કિલો

કઠોળ 985 કિલો – 155 કરોડ કિલો
મગફળી 2660 કિલો – 418 કરોડ કિલો
તેલીબીયા 2425 કિલો – 381 કરોડ કિલો
બટાકા 31600 કિલો – 4970 કરોડ કિલો
કાંદા 30,000 કિલો – 4718 કરોડ કિલો
શેરડી 71,500 કિલો – 11243 કરોડ કિલો
કપાસ 506 કિલો (કપાસીયાની બી કાઢી લીધા પછી)

સિંચાઈ હોય તો એક વર્ષમાં 2થી 3 પાક લેવાય છે. તેથી કોઈ પણ બે પાક લેવાથી જમીન બીન ખેતી થવાથી કેટલું આપણને વ્યક્તિગત નુકસાન છે તેનો ખ્યાલ આવે છે.

જે જમીન બીન ખેતી થઈ છે તેનું બજાર મૂલ્ય ગણતા ખેડૂતોને ખ્યાલ આવી જશે કે તેમની જમીન સસ્તામાં જઈ રહી છે. વેપારીઓ પાસે તે જમીન જતા રૂ. 1 લાખની જમીન 25 વર્ષ પછી 1 કરોડમાં વેચાય છે. હાલની બિનખેતી થયેલી જમીનનું 3,93,14,425 કરોડ રૂપિયાનું મૂલ્ય હાલ થાય છે. (400 લાખ કરોડ રૂપિયાની જમીન ગણી શકાય, એક ચોરસ મીટરનો સરેરાશ રૂ. 25 હજાર ગણીએ તો)

શહેરીકરણ જમીન ભરખી રહ્યું છે

31 શહેરોનો 3,191 ચોરસ કિલોમીટર વિસ્તાર છે.
સૌથી મોટા 30 શહેરનો ચોરસ કિલોમીટર વિસ્તાર
અમદાવાદ – 505.00
સુરત – 461.60
વડોદરા – 454.33
ગાંધીનગર – 326.00
રાજકોટ – 170.00
જૂનાગઢ – 160.00
જામનગર – 125.67
ભાવનગર – 108.27
ગોંડલ – 74.48
અમરેલી – 65.00
ગાંધીધામ – 63.49
સુરેન્દ્રનગર – 58.60
ભુજ – 56.00
આણંદ – 47.89
મોરબી – 46.58
નડિયાદ – 45.16
ભરૂચ – 43.80
નવસારી – 43.71
પાલનપુર – 39.50
વેરાવળ – 39.95
પોરબંદર – 38.43
જેતપુર – 36.00
મહેસાણા – 31.76
કલોલ – 25.42
વલસાડ – 24.10
વાપી – 22.44
ડીસા – 20.81
ગોધરા – 20.16
દાહોદ – 14.00
પાટણ – 12.84
બોટાદ – 10.36, જેમાં દર વર્ષે 10 ટકાનો વધારો થઈ રહ્યો છે.

2020ના વર્ષમાં 111 ડી.પી.- ટી.પી.ને મંજૂરી આપીને સતત ત્રીજા વર્ષે 100 ટી.પીની મંજૂરી અપાતી હતી. એક ટીપી સ્કીમ બને એટલે શહેરમાં ખેડૂતીની 50 ટકા જમીન માર્ગો અને જાહેર સુવિધા માટે લઈ લેવામાં આવે છે. એક ટીપી સ્કીમ માટે 100 હેક્ટર વિસ્તારમાં જાહેર સુવિધા, 18 હજાર ચો.મીટર બાગ-બગીચા બને છે. રમત-ગમતના મેદાન માટે 2500 ચો.મીટર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકના રહેઠાણ માટે 35 હજાર ચો.મીટર જમીન અપાઈ છે.

શહેરીકરણના કારણે 200થી 1 હજાર કિલોમીટર દૂરથી પાણી લાવવામાં આવી રહ્યું છે. જે ખરેખર તો ખેતરો માટે હતું જે હવે બાથરૂમ માટે વપરાય રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારો પણ બહારથી પાણી મેળવે છે.

2031 સુધીમાં શહેરની પાણીની માંગ દરરોજ 4000 મિલિયન લીટર થશે. 2050માં 2031 કરતાં બે ગણું પાણી જોઈશે. આ પાણી ક્યાંથી આવશે? સરકાર નર્મદાના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવાના બદલે શહેરોના લોકો માટે તે પાણી વધારે વાપરશે. શહેરોમાંથી ગ્રામ્ય વિસ્તારો તરફ લોકો 2031 પછી જવા લાગશે ત્યારે ખેતીનું મૂલ્ય અનેક ગણું વધશે.

આઝાદી પછી શું થયું?

સ્વરાજ પહેલાં સૌરાષ્ટ્ર 25 હજાર ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલો હતો.

સૌરાષ્ટ્રમાં એ વખતે 4415 ગામ-શહેર હતા. તેની જમીન પર 222 રાજાઓનો કબજો હતો. આ રાજ્યો જ્યારે સૌરાષ્ટ્રમાં વિલીન થયા ત્યારે તેમની જમીન સૌરાષ્ટ્ર રાજ્યને મળી. પણ તેમાં 51,700 ગરાસદારોનો કબજો પણ હતો. સૌરાષ્ટ્રમાં ત્રીજા ભાગની જમીન આ ગરાસદારો પાસે હતી.

રાજવી પરિવારો પાસે ઘણી જમીન હતી અને તેથી તેમણે આ જમીન તેમના મહત્વના દરબારીઓને કે વ્યક્તિને આપી હતી. તેઓ આ જમીનોના માલિક બની બેઠા હતા જે ગરાસદાર બન્યા.

આઝાદી પહેલાં લગભગ 222 રજવાડા ધરાવતા સૌરાષ્ટ્રમાં જમીન રાજ્યની માલિકીની ગણાતી હતી. રાજા ઇચ્છે તો ગમે ત્યારે ગણોતિયા જેવા ખેડૂત પાસેથી જમીન છીનવી શકતા હતા. ભોગવટાની દૃષ્ટિએ જમીન ત્રણ ભાગમાં વહેંચાતી હતી. ખાલસા, ગરાસદારી અને બારખલી. તે વખતે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરની ઇચ્છા હતી કે જે જમીન ખેડતા હોય તેને જ તેનો હક મળવો જોઈએ. ગરાસદારોને સમજાવીને તેમણે ગણોત પ્રવૃત્તિ નાબૂદ કરી અને ખેડૂતોને ખેતર ખેડવાનો અધિકાર મળ્યો.

સૌરાષ્ટ્રમાં ત્રણ કાયદા ઘડાયા. એક કાયદો ત્યાંના ગરાસદારી પ્રકાર માટે સૌરાષ્ટ્ર લૅન્ડ રીએન્ફૉર્સમૅન્ટ ઍક્ટ(1951) ઘડાયો અને બીજો કાયદો બારખલી સત્તા પ્રકાર ધરાવતા બારખલીદારો માટે બારખલી એબોલીશન એક્ટ(1951) ઘડાયો.

બંને કાયદામાં ખેતીની જમીન પરત્વે હક આપવાની બાબત હતી. જ્યારે ત્રીજો કાયદો ગરાસદારો તથા બારખલીદારોની બિનખેતીની બાબતો સંપ્રાપ્ત કરવા માટે સૌરાષ્ટ્ર જાગીર ઉપાર્જન કાયદો ઘડાયો.

1952ના આ કાયદાથી ગરાસદારો અને બારખલીદારોની ખેતી સિવાયની સંપત્તિ જેવી કે નદી, નાળાં, તળાવ, વૃક્ષો, સર્તા વગેરે સંપ્રાપ્ત કરાઈ. આમાં જાહેર મિલ્કતો હોય તેના માટે કશું વળતર ન અપાયું. બીજી મિલકતો માટે આકારના પટના ધોરણે રાજ્ય તરફથી વળતર અપાયું.

વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ 4થી ઓક્ટોબર, 1951ના રોજ તમામ મુખ્ય મંત્રીઓને લખેલા પત્રમાં આ મામલે ઉછંગરાય ઢેબરને અનુસરવા માટે નિર્દેશ આપ્યો. અનાવિલોની અને પારસીઓની પણ જમીનો ગઈ અને તે કોળી, કણબી અને આદિવાસીઓને મળી.

સૌરાષ્ટ્રના કાયદામાં ગરાસદાર પાસે પોતાની જાત ખેતી માટે જમીન ન હોય કે અપૂરતી હોય તો તેને ચોક્કસ ઠરાવેલા પ્રમાણમાં જમીન પહેલા ગણોતિયા પાસેથી લેવામાં આવે તે પછી જ ગણોતિયો પોતાની બાકી રહેતી જમીન પરત્વે કબજેદાર બની શકતો. આમ ત્યાં આ કાયદો સમાન ભાગના સિદ્ધાંત પર ઘડાયો અને પરિણામે જમીન નાબૂદીના કારણે ઓછો સંતોષ થયો.

જ્યારે ગુજરાત, મુંબઈ રાજ્યનું અંતર્ગત ભાગ હતું ત્યારે મુંબઈ રાજ્યે સમગ્ર રાજ્યમાં એક જ જમીનવહીવટ-પ્રથા અને પદ્ધતિ દાખલ થાય તે માટે આ જમીનધારણના પ્રકારોની નાબૂદી જરૂરી માની હતી.

ભારતમાં જમીનધારણના પ્રકાર હિન્દુ, મુસ્લિમ, તથા મરાઠા રાજ્ય વહીવટ દરમિયાન રાજકીય હેતુઓ માટે ઊભા કરાયા હતા.

મુંબઈ રાજ્યે 1949થી 1960 દરમિયાન એટલે કે ગુજરાત રાજ્ય રચાયું ત્યાં સુધીમાં મધ્યસ્થીઓ અંગેના ઘણાબધા જમીનધારણના પ્રકારો કાયદા દ્વારા નાબૂત કર્યા.

મે, 1960માં ગુજરાતની રચના બાદ પણ આ નાબુદી કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો.

ગણોતધારા અને જમીન ટોચમર્યાદાના કાયદાના કારણે રાજાઓની જમીનો જતી રહી અને ખેતમજૂરો માલિક બન્યા.

ખેડે તેની જમીન

જમીન વાવીને રીતસરની વેઠિયાની જિંદગી વ્યતીત કરતા અને વારંવાર હિજરત કરવી પડે તેવી સ્થિતિમાં ખેતમજૂરો રહેતા હતા.

સૌરાષ્ટ્ર રાજ્યની પહેલી કૅબિનેટની બેઠક 15 એપ્રિલ, 1948ના રોજ મળી હતી. ખેડે તેની જમીનનો સિદ્ધાંત સૌરાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરે સાકારે અમલ કર્યો હતો. ગુલામી પ્રથાનો અંત આવ્યો અને ખેતી કરતાં ગણોતિયાઓ જમીનના માલિક બની શક્યા.

ખાલસા જમીન એ હતી જે રાજવીઓએ આ પ્રદેશમાં વિજય દ્વારા અને પછી વંશપરંપરાની રીતિથી મેળવી હતી. ખેડૂતોને તે ખેડવા અપાતી. ખેડૂત સીધા રાજ્યને જમીન મહેસૂલ ભરતા હતા. માત્ર ગોંડલ રાજ્યએ ખેડૂતોને જમીનના સંપૂર્ણ કબજા હક આપેલા.

ગરાસદારી જમીન નાના તાલુકેદારો, મૂળ ગરાસીયા તથા ભાગીદારોને અપાયેલી હતી.

બારખલીમાં તેમની જમીનની ખેતપેદાશ ખળામાં(અનાજ સાફ કરવાની જગ્યા) જમા કરાવવાને બદલે ખળાની બહાર રખાતી હતી તેથી તેઓ બહાર ખલીદાર કહેવાતા અને તેમનો જમીન માલિકીનો હક નહોતો પણ ઊપજનો હક હતો.

ઉછંગરાય ઢેબરના કાયદાને કારણે જાગીરદારી-ગિરાસદારી કે બારખલી પ્રથા નાબૂદ થઈ કારણ કે સૌરાષ્ટ્રમાં ત્રીજા ભાગનાં ગામો ગિરાસદારી કે જાગીરદારી હતાં. જેમાં ખેડૂતો પાસેથી વેઠિયા તરીકે કામ લેવાતું હતું. ઉછંગરાય ઢેબરે આ પ્રથા નાબૂદ કરીને ખેતમજૂરોને કે ખેડૂતોને જમીન માલિક બનાવ્યા.

બધી ખાલસા જમીનના ખેડૂતોને જમીન કબજા હક્કની બક્ષિસ આપી. જમીન મહેસુલ સિવાયના 90થી વધારે ન્યાયી, અન્યાયી અને હાસ્યાસ્પદ કરવેરા નાબૂદ કર્યા અને વેઠની ગુલામી પ્રથાને સદંતર દેશવટો આપ્યો.

સૌરાષ્ટ્રમાં તેનો સૌથી વધુ સારો અમલ થયો અને તેનો સૌથી વધુ ફાયદો પાટીદાર એટલે કે પટેલોને થયો. આ જમીન મહદંશે રાજપૂતો પાસે હતી.

સૌરાષ્ટ્રમાં રાજપૂતોની જમીનો ગઈ તે પ્રકારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં જે જમીનદારો હતા તેની જમીનો ન ગઈ.

મધ્ય ગુજરાતમાં અમીન અને પટેલ જમીનદારો પાસે જમીન હતી તે ઓબીસી ક્ષત્રિય કે ઠાકોરને મળવી જોઈતી હતી પણ તેમને ન મળી. અંગ્રેજો વતી જે ટેક્સ ઉઘરાવતા હતા તેમને લોકો પટેલ કહેતા હતા, દેસાઈ પણ હતા. કદાજ તેમને કારણે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેનો વ્યવસ્થિત અમલ ન થયો.

ચરોતર પ્રદેશમાં પટેલોની જમીન ક્ષત્રિયો કે ઠાકોરોને મળી. પાટીદારોને એ કાયદાથી નુકસાન થયું. ગાયકવાડ રાજની અમરેલી, ઇડરના સુબેદારોની જમીન પણ ઠાકોરો અને પટેલોને મળી. સુરત પાસે આવેલા સચીનના નવાબની જમીન કોળીઓને મળી.

આમ સૌરાષ્ટ્રમાં પટેલોને રાજપૂતોની જમીન મળી અને જ્યાં પટેલો જમીનદાર હતા ત્યારે તેમની જમીન મહદંશે અન્યોને ફાળે ન ગઈ. જોકે મધ્ય ગુજરાતના પટેલો આ વાત માનવા તૈયાર નથી.

અનાવિલો

દક્ષિણ ગુજરાતમાં જે અનાવિલો હતા. તેમની જમીન ત્યાંના આદિવાસી કે કણબી પટેલોને મળવી જોઈતી હતી તે ન મળી. બાગાયત ખેતી કરતા હોવાના બહાને ઘણા અનાવિલોની જમીનો આ કાયદા હેઠળ બીજાને નહોતી આપવામાં આવી. અનાવિલો પાસે ચીકુવાડી અને આંબાવાડી હતી. તેમાં ખેતી થતી જ નહોતી. તેમાં કોઈ ગણોતિયા નહોતા. અનાવિલો પોતે જ બાગાયત સંભાળતા હતા. તેથી તેવી જમીનો બચી. એવું નથી કે અનાવિલોની જમીનો નથી ગઈ. તેમની પણ જમીનો આદિવાસીઓને ફાળે ગઈ છે.

મોરારજી દેસાઈ

મોરારજી દેસાઈએ અનાવિલોની જમીનો ન જાય તેવા ફાયદા પહોંચાડવાનું કામ કર્યું. મોરારજી દેસાઈ રૂલ બુકના માણસ હતા. ઊલટું ગણોતધારાનો અનાવિલોએ વિરોધ કર્યો હતો અને તેને કારણે 1952માં મુંબઈ ધારાસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી તેમની અમુલ દેસાઈ સામે હાર થઈ હતી.

ખેડૂતોની મહેનત

જમીનો મળી અને સિંચાઈનું પ્રમાણ વધતાં પટેલો રોકડિયો પાક લેતા. વેઠ અને ખેત મજૂરો મટી જતાં પાટીદારોએ ખેતીમાં ઘણી મહેનત કરી અને વધુ ઉત્પાદન લેવા લાગ્યા. રાજાને પૈસા અને અનાજ આપવાનું થતું હતું તે બચી જતા ખેડૂતો પાસે બચત થઈ હતી. તેમાંથી કમાયેલા પૈસાને તેમણે વિવિધ ઉદ્યોગોમાં રોક્યા. તેઓ વિદેશમાં પણ સ્થાયી થયા. જેના કારણે ગુજરાતમાં પટેલોનો આર્થિક, સામાજિક અને રાજકીય પ્રભાવ વધ્યો.

હિંદુત્વ અને જ્ઞાતિવાદ

રાજાઓના જુલમના કારણે પટેલો રાજપુતોથી ખુશ ન હતા. રાજપૂતોની જમીનો મહદંશે પટેલોને ફાળે જતા બંને જ્ઞાતિ વચ્ચે અંતર વધ્યું હતું. પણ ભાજપની હિન્દુવાદી નીતિને કારણે તમામ જ્ઞાતિઓ એક છત્ર હેઠળ આવી. ભાજપની સરકારો બન્યા પછી જ્ઞાતિપ્રથા અને જ્ઞાતિવાદ વધ્યા છે.

ગણોતધારાનો અમલ સહેલાઈથી થયો નહોતો.

બહારવટું

ઢેબરભાઈની સરકારના ક્રાંતિકારી નિર્ણયનો કેટલાક ગરાસદારોએ વિરોધ કર્યો અને કેટલાકે હિંસક માર્ગ પણ અપનાવ્યો. કેટલાક ગરાસદારોએ બહારવટિયાઓને પોષ્યા અને ગણોતિયાઓને જમીન અપાવવાનું કામ કરતા કર્મશીલોને મારવાનું કાવતરું પણ રચ્યું.

સ્વામીની હત્યા

ઝાલાવાડના મુંજપુર ખાતેના આશ્રમના સ્વામી શિવાનંદ ગરાસદારોના વિરુદ્ધમાં અને ખેડૂતોના સમર્થનમાં પ્રચાર કરતા હતા. તેમની હત્યા કરી નાખી. ગણોતિયાઓએ તેમના દ્વારા ખેડવામાં આવતી જમીનો મળે તે માટે તેમણે અરજી કરવાની રહેતી. આ અરજી ગણોતિયાઓ ન કરે તે માટે ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.

ઘણા ખેડૂતોના ખૂન પણ થયા. પાટીદારોને ખેતમાં જ નાક કાપીને ઘાયલ કરાયા હતા.

1950ના દાયકામાં ભૂપત બહારવટિયો ગુજરાત અને રાજસ્થાનમાં કુખ્યાત થયો હતો. જુલાઈ 1949થી ફેબ્રુઆરી 1952 સુધીમાં ભૂપતની ટોળીએ 82 લોકોની હત્યા કરી હોવાનું કહેવાય છે. ભૂપતે હજારો પાટીદાર લોકોના નાક કાપ્યા હતા. સેંકડો પાટીદારોએ ગામ છોડીને હિજરત કરવી પડી હતી.

કેટલાક ગરાસદારો પર ભૂપત બહારવટિયાને પોષવાનો આરોપ લાગ્યો હતો.

રાજવી એવા ભૂપત બહારવટિયાએ ખેતરનો કબજો લેનારા ગણોતિયા સામે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. કેટલાક ગરાસદારોનું તેને પીઠબળ પણ હતું.

પછી તેણે પાકિસ્તાન ભાગી જવું પડ્યું અને મુસલમાન બની જવું પડ્યું હતું. ધર્મપરિવર્તન કર્યા બાદ તેણે તેનું નામ અમીન યુસુફ રાખ્યું હતું.

ભૂપત ઉપરાંત અન્ય ડાકુઓએ પણ લોકોમાં હાહાકાર મચાવ્યો હતો. રામ બસીયો, કાળુ વાંક, લખુ માંજરિયો, મંગળસિંહ, દેવાયત, મેસુર, ભગુ પરમાર, વશરામ કાળા અને માવજી ભાણા નામના ડાકુઓએ પાટીદારો પાસે જમીન જાય તેનો વિરોધ કર્યો હતો. પાટીદારો પર અત્યાચાર કર્યા હતા.

એક સમયે ધારાસભાની ચૂંટણી વખતે ગરાસદાર ગુંડાઓ હત્યાકાંડ કરી રહ્યા હતા. તેને કારણે મુખ્યમંત્રી ઢેબરે ચૂંટણીમાંથી ખસી જવાનું નક્કી કર્યું. પરંતુ તેમના સાથી અને વાસાવડના તાલુકદારના પરિવારના દેવેન્દ્રકુમાર દેસાઈએ તેમને સમજાવ્યા હતા.

રસિકભાઈ પરીખ (તત્કાલીન ગૃહ મંત્રી) અને ઢેબરભાઈનો જાન લેવા આ ડાકુ ટોળકીએ જે પ્રયાસો કર્યા તે પણ નિષ્ફળ રહ્યા. ભૂપતને ઝાલાવાડમાં પણ ઠીક ઠીક આશ્રય મળતો. ઝાલાવાડના જ એક દરબારની મોટરમાં તેને ત્યાં લઈ જવાયો હતો.

સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુખ્ય પ્રધાન ઢેબરભાઈને ટ્રેનમાં મારવાની યોજના નિષ્ફળ થઈ હતી.

ગરાસદારો સાથેના અશુભ ગઠબંધનને લીધે, નિર્દય અને ભીષણ બહારવટિયાઓની હારમાળાએ આખા પ્રદેશમાં સ્તબ્ધતા ફેલાવવાનું ભયજનક વાતાવરણ સર્જવા ઉપરાંત સેંકડો ખેડૂતોના જાનમાલને હાનિ પહોંચાડી અને પ્રજા અને રાજ્યતંત્રની કપરી કસોટી કરી.

બહારવટિયાઓનો દીર્ઘકાળનો કાળો કેર સર્જવામાં અને નિભાવવામાં સૌરાષ્ટ્રનાં અનેક અનિષ્ઠ સામંતશાહી પરિબળો, કેટલાક દરબાર, ભાયાતો અને કુંવરોએ નપાવટ ભાગ ભજવ્યો. અંતે રાજ્યે આવા તત્ત્વો જેર કર્યા અને પછી અસામાજિક વિદ્રોહની ભૂતાવળનો અંત આવ્યો.

થોડી જમીનો બચી પણ ઐયાશી ન ગઈ તેથી ઘણા ક્ષત્રિયો કંગાળ થઈ ગયા. તેમને ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી ગયું.

આજે પટેલ અને રાજપૂતો સંપીને રહે છે, પટેલોએ કંઈ મનમાં રાખ્યું નથી.

ખેડૂતોને જે હેતુથી આ જમીનો આપવામાં આવી હતી તે હેતુ મરી પરવાર્યો છે. જમીનોનો કારોબાર થઈ રહ્યો છે. નવી શરતોમાં પરિવર્તન કરેલા કાયદાને કારણે સરકારી ઢીલી નીતિનો લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે. ગણોતિયાઓ હતા તે ગરાસદારો બની ગયા છે. આજે કયા સમૃદ્ધ ખેડૂતો ખેતી કરે છે?

પહેલા જે ખેતપેદાશોના દામ મળતા હતા તે પ્રમાણમાં આજે નથી મળી રહ્યા. આજે નેગેટિવ ખેતી થઈ રહી છે. ઉપજનું યોગ્ય મૂલ્ય મળતું નથી. જેને કારણે જ ખેતીનો મોટો સમુહ એવા પટેલોએ એક સમયે અનામત માગવા આંદોલન ચલાવવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ

Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?

Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર

ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal

Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે

 

 

 

 

Related Posts

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
  • October 27, 2025

Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 7 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 2 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 4 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 15 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 22 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?