
- છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી જેટલો વરસાદ ખાબકતા માલણ નદી ત્રીજીવાર થઈ બે કાંઠે
- મહુવામાં બજારો-રહેણાક એનક વિસ્તારો પાણીમાં ગરકાવ
- રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા
Heavy Rains in Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે શહેરમાં કહેર વર્તાવ્યો છે. ગઈકાલ મોડી સાંજથી આજ સવાર સુધી અનરાધાર વરસેલા વરસાદે શહેર અને ગ્રામ્ય પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. છેલ્લા 24 કલાકમાં જ મહુવામાં વરસેલા વરસાદને કારણે મહુવામાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગત આખી રાત સતત વરસેલા વરસાદ અને ઉપરવાસના પાણીની આવકને કારણે મહુવાની માલણ નદી આ સિઝનમાં ત્રીજી વખત બે કાંઠે વહેતી થઈ છે. તેમજ નદીના પાણી તેમજ વરસાદી પાણી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા હતા.
મહુવા શહેરના વાસી તળાવ, પરશીવન પરા, ભવાની મંદિર રોડ, ભાદરોડના ઝાંપા અને નવા ઝાંપા સહિતના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા સાથે અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું હતું. ત્યારે શહેરની મુખ્ય બજાર, ગાંધી બાગ, કુબેરબાગ અને ગાર્ડન રોડ જેવા મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયા હતા, પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. વરસાદ અને પાણી ભરાવાના કારણે શહેરના મોટાભાગના નાના-મોટા વેપાર-ધંધા પણ બંધ રહ્યા હતા.
આ કમોસમી વરસાદએ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેતરોમાં લણણી કરીને રાખેલો અથવા વાઢીને સૂકવવા મૂકેલો તૈયાર પાક વરસાદમાં પલળી ગયો છે. જેમાં મગફળી, ડુંગળી અને અન્ય બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે, જ્યારે ખેતરોમાંથી પાણી ઉતર્યા બાદ જ નુકસાનીનો સાચો અંદાજ આવી શકશે. ઉલ્લેખનીય છે કે, આ કમોસમી વરસાદ સાથે મહુવા તાલુકામાં સિઝનનો કુલ વરસાદ 1469 મીમી એટલે કે 57.83 ઇંચ નોંધાયો છે, જે ભાવનગર જિલ્લામાં સૌથી વધુ છે.
બીજી તરફ ભાવનગર શહેરના આખલોલ જગાતનાકા પાસે ઇન્દ્રનગરમાં વરસાદી પાણીનો પુર આવતા વિસ્તારમાં આવેલ ઈલેક્ટ્રીક થાંભલા પડી જતા ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે આજુબાજુની જમીન ધસી પડતા ઇલેકટ્રીક વીજ પોલ થયો ધરાશઈ થઈ ગયા છે. ઇલેકટ્રીક વીજ પોલ થયો ધરાશઈ થયાની જાણ વીજ વિભાગને કરતા હાલ વિજપોલ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટ- નીતિન ગોહેલ
આ પણ વાંચો:
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ, ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા






