
Gujarat Ration Card: ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં હવેથી નાગરિકો રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા (Identity Proof) કે રહેઠાણના પુરાવા (Address Proof) તરીકે કરી શકાશે નહીં. રેશન કાર્ડ હવે માત્ર રેશનિંગ તથા ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે.
નાગરિકોએ હવે સરકારી કે બિન-સરકારી કામકાજમાં ઓળખ અથવા રહેઠાણના પુરાવા માટે હવેથી આધાર કાર્ડ, મતદાર કાર્ડ અથવા પાસપોર્ટ જેવા અન્ય માન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે.
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિપત્ર જાહેર કરીને કહેવાયું છે કે, રેશનકાર્ડની માન્યતા હવે માત્ર રેશનકાર્ડ મેળવવા અને રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે.
પરિપત્રમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના વંચાણે લીધેલ ક્રમ-(૧) પરના તા.28/09/1994ના પત્રથી રેશનકાર્ડનો ઉપયોગ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે જ કરવા સંબંધિત સૂચના આપવામાં આવેલ છે.
ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના વંચાણે લીધેલ ક્રમ-(૨) પરના તારીખ 20/03/2015ના Targeted Public Distribution System (Control) Order, 2015ની કંડિકા નં. 4 રેશનકાર્ડ સંબંધિત જોગવાઈઓ/સૂચનાઓ સમાવિષ્ટ છે.
રેશનકાર્ડ રહેઠાણ ના પુરાવા તરીકે માન્ય નહિ રહે કંડીકા નં-4(6) થી -Ration Card Shall not be document of identity or proof of residence” મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે. ગુજરાત માહિતી આયોગના વંચાણે લીધેલ ક્રમ-(૩) પરના તા.05/08/2025ના હુકમ અન્વયે રાશનકાર્ડના ઉપયોગ સંબંધિત સૂચના પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાશનકાર્ડના ઉપયોગ સંબંધિત નીચે મુજબની સૂચના પરિપત્રિત કરવામાં આવે છે. સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવું, મોબાઇલ સિમ કાર્ડ મેળવવું, કે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં. આ માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે.
આ નિર્ણયનો હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનું સરકારનું માનવું છે.
આ નિર્ણય કેન્દ્ર સરકારના ‘ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (કંટ્રોલ) ઓર્ડર, 2015’ ની કલમ 4(6) અને ગુજરાત માહિતી આયોગના તાજેતરના હુકમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વિભાગના ઉપ સચિવ અમિત સંગાડાની સહીથી જારી થયેલા આ પરિપત્રનો તાત્કાલિક અમલ કરવા માટે તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો:
Ring One: હવે ‘વીંટી’થી થઈ જશે ઓનલાઈન પેમેન્ટ, સ્માર્ટફોન, વોલેટ જૂના થયા!, જાણો કિંમત
Supreme Court: ક્રિકેટની રમત હવે એક ધંધો બની ગયો, જાણો કોર્ટે આવું કેમ કહ્યું?








