
Gujarat Cabinet Reshuffle: ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી ભાજપ સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન ડાઉન ચાલી રહ્યું છે. રાજ્ય સરકારના અધિકારી વર્ગ દ્વારા સત્તાવાર પુષ્ટિ મળ્યા પછી, આવતીકાલે 17 ઓક્ટોબરે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર કોન્વન્શન સેન્ટર ખાતે નવા મંત્રીઓની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ પ્રસંગે પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવશે.
આ વિસ્તરણ દ્વારા સરકારને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં પ્રાદેશિક, જાતિગત અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.
તૈયારીઓનું કાઉન્ટડાઉન શરું
મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયા હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આજે, ગુરુવારે, વર્તમાન મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામું આપશે, જેનાથી મંત્રીમંડળમાં જગ્યાઓ ખાલી થશે અને નવી નિમણૂકો માટે માર્ગ મુકાશે. તેમાંથી કેટલાક મંત્રીઓની પુનઃનિમણૂક ન થાય તેવી અંદરીય સુત્રોમાંથી માહિતી છે. આનાથી આંતરિક તણાવ પણ વધ્યો છે, કારણ કે જૂના મંત્રીઓમાંથી કોણને સ્થાન મળશે અને કોણને બહાર થવું પડશે તેની અટકળો ચર્ચામાં છે.
ભાજપના કાર્યાલય અને વિધાનસભા ધારાસભ્યોને પાર્ટી તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, ગુરુવાર અને શુક્રવાર દરમિયાન ગાંધીનગરમાં હાજર રહેવું. આ સૂચના ખાસ કરીને તે ધારાસભ્યો માટે મહત્વપૂર્ણ છે જેમની મંત્રીપદની શક્યતાઓ છે. ગુરુવારે દિવસભર રાજકીય બેઠકો અને વ્યૂહરચના માટે વધુ ગરમાવો જોવા મળશે, જ્યારે શુક્રવારે શપથવિધિ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે. આ મુલાકાત દ્વારા નવા વર્ષની શરૂઆતમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલિત પ્રયાસોનો સંદેશ આપવામાં આવશે.
સ્વર્ણિમ સંકુલમાં તૈયારીઓ
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૨માં ખાલી પડેલી મંત્રીઓની ઓફિસોમાં સફાઈ અને જાળવણીના કામો ઝડપથી ચાલી રહ્યા છે. આ તૈયારીઓ દર્શાવે છે કે નવી કેબિનેટ રચના પછી તાત્કાલિક કામકાજ શરૂ થઈ શકે. શપથવિધિ બાદ જ વિભાગોની વહેંચણી જાહેર કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી પટેલની વ્યૂહરચના અનુસાર નવા મંત્રીઓને મહત્વપૂર્ણ વિભાગો સોંપાશે. આ વિસ્તરણથી મંત્રીમંડળનું કદ વધીને 27 સુધી પહોંચી શકે છે, જે રાજ્યની વિવિધ પ્રદેશો અને સમુદાયોને વધુ સારી રીતે પ્રતિનિધિત્વ આપશે.
સંભવિત નવા ચહેરાઓ
પ્રદેશ અને જાતિનું સમીકરણઆ વિસ્તરણમાં નવા ચહેરાઓને સ્થાન આપવા પર વિશેષ ભાર મૂકાશે, જેમાં પ્રાદેશિક અને જાતિગત સમતોલ જાળવવાનો પ્રયાસ થશે. અંદરીય સૂત્રો અનુસાર, નીચેના ધારાસભ્યોની નિમણૂકની મજબૂત શક્યતાઓ છે
સૌરાષ્ટ્ર: જિતુ વાઘાણી (લેઉવા પટેલ સમુદાયને ધ્યાનમાં રાખીને), અર્જુન મોઢવાડિયા અને રિવાબા જાડેજા (જામનગરથી, કોળી સમુદાયનું પ્રતિનિધિત્વ).
મધ્ય ગુજરાત: મહેશ કસવાલા (સામાન્ય જ્ઞાતિ), કેયુર રોકડિયા અથવા બાલુ શુકલા (વડોદરાથી, ક્ષત્રિય ફેક્ટર)
દક્ષિણ ગુજરાત: જયરામ ગામીત (આદિવાસી સમુદાય) અને મનિષા વકીલ (મહિલા ધારાસભ્ય તરીકે).
ઉત્તર ગુજરાત: અલ્પેશ ઠાકોર (OBC સમુદાય)
આ નિમણૂકો દ્વારા ભાજપ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત જેવા મહત્વપૂર્ણ પ્રદેશોમાં પોતાનો પાયો મજબૂત કરશે. ખાસ કરીને, સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ અને કોળી સમુદાયોને વધુ મહત્વ મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ અને મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
જૂના મંત્રીઓની ‘એક્ઝિટ’ અને નવી ‘એન્ટ્રી’ની અટકળો
વિસ્તરણમાં કેટલાક જૂના મંત્રીઓને બહાર કરીને નવા ચહેરાઓને જગ્યા આપવામાં આવશે. સંભવિત પરિવર્તનોમા જો કનુ દેસાઈની બહાર થાય, તો નરેશ પટેલની નિમણૂક થઈ શકે. મુળુ બેરાની જગ્યાએ ઉદય કાનગડને તક મળી શકે. બળવંતસિંહ રાજપૂતની બહાર થાય તો સી.જે. ચાવડાની એન્ટ્રીની શક્યતા છે.
આ પરિવર્તનો જાતિ અને પ્રદેશીય સમીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે, જેથી સરકારમાં વિવિધતા જળવાઈ રહે. ઉત્તર ગુજરાતમાં OBC અને ક્ષત્રિય સમુદાયોને પણ વધુ પ્રતિનિધિત્વ મળશે.
સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન
આ વિસ્તરણ માત્ર મંત્રીમંડળને મોટું કરવાનું નથી, પરંતુ ભાજપના સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન જાળવવાનો પણ પ્રયાસ છે. મુખ્યમંત્રી પટેલની આ વ્યૂહરચના દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારો સૌરાષ્ટ્ર, મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતને સમાન તકો આપવામાં આવશે. આનાથી આગામી ચૂંટણીઓમાં પાર્ટીને ફાયદો થશે. શુક્રવારે શપથવિધિ પછી સ્પષ્ટ તસવીર સામે આવશે. કારણ કે, ભાજપને કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે અને ગુજરાતએ ભાજપની પ્રયોગશાળા છે એટલે મંત્રીમંડળ વિસ્તરણમાં મોટી સરપ્રાઈઝ પણ મળી શકે છે.
આ પણ વાંચો:
Rajkot: ભાજપના બેનરમાં PM મોદીના મોઢા ઉપર કાળો કૂચડો ફેરવી દેવાતા ચકચાર,તાત્કાલિક બેનર હઠાવાયુ!
Narmada: ગુજરાત પેટર્ન યોજનામાં કરોડોનું કૌભાંડ, ધારાસભ્ય ચૈતર વસાવાએ કોના પર કર્યા આરોપ?
Ahmedabad: સેશન્સ કોર્ટના જજ પર બેવાર જુતું ફેંકાયું, શું છે કારણ?
Passport: વિશ્વના ટોપ 10 દેશોના શક્તિશાળી પાસપોર્ટ યાદીમાંથી US બહાર ફેંકાયું, સિંગાપુરે મારી બાજી








