
-દિલીપ પટેલ
Khambhat Sea: આણંદ જિલ્લાના ખંભાતમાં દરિયાની ફરીથી ભૌગોલિક સ્થિતિ બદલવા લાગી છે. ખંભાત વૈશ્વિક બંદર હતું. 70 દેશમાં અહીંથી વેપાર થતો હતો. સાબરમતીના મુખ પ્રદેશના ખંભાતમાં ખેતર હતા ત્યાં દરિયો આવી ગયો છે. અનેક ખેતર દરિયામાં ગરકાવ થઈ ગયો છે. માછીમારી થઈ શકતી નથી. દરિયાની વધતી સપાટીને કારણે જમીન ધસી પડે છે. ખંભાતના દરિયામાં વધેલા પ્રદૂષણ એટલું જ જવાબદાર છે. ખંભાત શહેર પર મોટું જોખમ ઊભું થયું છે. હવામાન ફેરફાર અને કાંપ આવતો બંધ થતાં સંકટ વધી ગયું છે.
70 ગામો

જીયોલોજીકલ સર્વ થયો જેમાં ખંભાતના અખાતમાં ભળતી મહી નદીના ધોવાણથી 18 હજાર હેકટર જમીનનું નુકસાન થયું હતું. તાલુકાના 70 ગામોને અસર થઈ છે. 14 ગામોની 500 વીઘા જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. દરિયાઈ પટ્ટી વિસ્તારમાં 30 ફૂટ ઊંડે સુધી ધોવાણ થયું છે.
56 વર્ષ પછી

બે વર્ષથી દરેક ભરતી વખતે થોડી-થોડી જમીન દરિયામાં જતી દેખાય છે. 56 વર્ષ પહેલા 7 કિલોમીટર દૂર જતો રહેલો હતો. હવે દરિયો ખંભાત શહેર તરફ ઘસી રહ્યો છે. ખંભાત પાસે દરિયો સદીઓ પહેલાં અહીંથી દૂર જતો રહ્યો હતો. પરંતુ હવે તે કુદરતી રીતે ત્યાંથી જતો રહ્યો હતો ત્યાં પરત આવી રહ્યો છે. કાદવ અને કીચડને પાર કરીને દરિયો શહેર તરફ આવી રહ્યો છે. ખંભાતનો દરિયો વર્ષે 3થી 4 કિલોમીટરની ઝડપે શહેર તરફ આવી રહ્યો છે. જમીન દરિયામાં ગરકાવ થઈ ગઈ છે.
કાંપ ઘટી ગયો
ચાર દાયકામાં 7 કિમી ખેંચાયેલો ખંભાતનો દરિયો પાછો એની જગ્યાએ ધસી રહ્યો છે. ખંભાતનાં દરિયામાં કાંપ પુરાણનાં કારણે ધીમે ધીમે દરિયો દૂર થતો ગયો અને ખંભાતથી દરિયો સાત કિલોમીટર જેટલો દુર થઈ ગયો હતો, અને તેની સાથે જ ખંભાતની જાહોજહાલી અને બંદર પણ ભાંગી પડ્યા હતા. તાપમાન વધવાને કારણે સાબરમતીનું વહેણ બદલાયું છે. અનેક ગામોમાં ખેડૂતો અને માછીમારોના જીવન પર વિપરીત અસર થઈ છે.
વડગામ
દરિયાકાંઠે આવેલા વડગામ દરિયામાં જઈ રહ્યું છે. જેની ત્રણ બાજુ દરિયો આવી ગયો છે. કેટલાંક વર્ષોમાં અહીં સેંકડો એકર જમીન દરિયામાં ગરકાવ થઈ ચૂકી છે. દરિયાના મોજા જમીનને અથડાય છે. ભેખડ ધસી પડે છે. દરેક ભરતી વખતે મોજાંની ઊંચાઈ વધી જાય છે અને કાંઠાં તોડીને દરિયો જમીનની અંદર આવી જાય છે. ખેતરોમાં દરિયાનું પાણી આવી ગયું છે.
કેટલાક ખેડૂતોની સંપૂર્ણ જમીન દરિયામાં ગઈ હોવાથી તેઓ ખેતમજૂરી બની ગયા છે. ખેતરોમાં મગફળીનો મબલક પાક થતો હતો. હવે દરિયો ફરી વળ્યો છે.
માછીમારી

પાટામાં ઝીંગા, લેપટા દ્વારા પગડિયા માછીમારી કરતા હતા. ભરતીમાં ઝાળ પાથરીને માછલી પકડતા હતા. ખારું પાણી આવી ગયું છે. તેથી બોટ લઈને માછલી પકડવી પડે છે. પગડિયા હવે માછીમાર બની રહ્યા છે.
હેલિપેડ ડૂબ્યું
આખોલ ગામની નજીક હેલિપેડ હતું તેનો રસ્તો દરિયાના મોજાથી ધોવાઈ ગયો છે. હેલીપેડ 3 કિલોમીટર દૂર હતું ત્યાં દરિયો આવી ગયો છે. 5 કરોડનો પાર્ક ખંઢેર થયો છે.
કારણો
ગ્લોબલ વોર્મિંગની અસરના ભાગરૂપે દરિયા પાછો શહેર તરફ ઘસી રહ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. પરંતુ તેના લીધે સ્થાનિકોની મુશ્કેલીઓ વધતી જણાય રહી છે. દરિયાનો ડાયનેમિક્સ બદલાવ છે. કારણ કે તેની ઉર્જા વધી રહી છે. સામાન્ય રીતે ચોમાસાના સમય દરમિયાન દરિયામાં જે તોફાનો ઉદ્ભવે છે તેના કારણે દરિયાની ઉર્જા વધી જાય છે. બીજું ખંભાતના અખાતમાં દરિયાનાં મોજા ઘણા ઊંચા હોય છે. મોજા ચોમાસા દરમિયાન વધી જાય છે. જેના કારણે દરિયામાં ધોવાણ થાય છે. ખંભાતમાં મળતી મહી અને સાબરમતી સહિતની નદીઓ પોતાની સાથે કચરો અને માટી પણ ખેંચી લાવે છે.
ચેતવણી

2025ના ચોમાસામાં ધોવાણ વધી ગયું છે. દરિયાની સપાટી વધી હોવાથી નગરપાલિકાએ ચેતવણીના બોર્ડ મૂકવા પડે છે. આગળ વધતા દરિયાની સ્થિતિ સામે ખંભાત નગરપાલિકાએ પણ સાવચેતીના પગલાં ભર્યા છે. જાનહાનિ ન થાય માટે દરિયા પાસે લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
તટ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. વધુમાં આગામી દિવસોમાં ભરતીના કારણે ભેખડો પડવાની સંભાવનાના પગલે કોઇ પણ દરિયા તરફ ન જવા ખાસ અપીલ કરવાની સાથોસાથ માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. દરિયા કિનારે ઉંડા ખાડા પડી રહ્યા છે, જેથી પાલિકા દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ સાવચેતીનાં બોર્ડ લગાવી સહેલાણીઓને દરિયામાં ફરવા માટે જવા સામે ચેતવણી આપવામાં આવી છે.
ડંકી પોઈન્ટ
દરિયો ડંકા સુધી પહોંચી ગયો છે. ડંકી પોઈન્ટથી 500-600 મીટર દૂર આવી ગયો છે. અગાઉ આ અંતર 2થી 3 કિલોમીટર જેટલું હતું. 2024ના ફાગણ પૂનમ સમયે આવેલા હાઈટાઈડ પછી માટીનું ધોવાણ વધી ગયું, જેને કારણે દરિયા કિનારો આગળ ખસ્યો છે. ક્યારેક ખંભાતનો દરિયો ડંકી પોઈન્ટથી પણ આગળ મકાઈ દરવાજા સુધી રહેતો હતો, જે હવે ફરીથી પૂર્વ સ્થિતિ તરફ વળતો જણાય છે.
ફરી બંદર બનશે કે શહેર ડૂબશે

દરિયાના પાણીનો પ્રવાહ નિયમિત બને અને દરિયા કિનારે કાયમી રહે તો બંદર ફરીથી વિકસી શકે તેમ છે. કાંઠા નજીક આવી રહેલું પાણી શહેરીજનો માટે આનંદ છે. અનેક વર્ષોથી દરિયું ખંભાતના કિનારાથી દૂર જતું રહ્યું છે. પાણી વાસ્તવિક કિનારા સુધી આવી પહોંચ્યું. પોખરાજ અને મોતી જેવા રત્નોથી પ્રસિદ્ધ ખંભાત શહેર માટે હવે દરિયાનું ફરી આગળ વધવું એક નવી આર્થિક અને ઐતિહાસિક સંભાવનાઓ લઈ આવી શકે છે.
ઇતિહાસ
ઈ. સ.ની શરૂઆતમાં ભરૂચ સમૃદ્ધિની ટોચે હતું ત્યારે આ અખાત ભરૂચના અખાત તરીકે ઓળખાતો હતો. સુરતથી મહીના મુખ સુધી 48 કિલોમીટર અને પશ્ચિમ તરફ ભાવનગર જિલ્લાના ગોપનાથથી સાબરમતીના મુખ સુધી છે. તેના મુખ આગળ સૂરતથી ગોપનાથ સુધીની પહોળાઈ 48 કિ મી. અને અંદર મથાળે ઓછામાં ઓછી પહોળાઈ 19.2 કિમી. છે. ખંભાતના અખાતની કુલ લંબાઈ 128 કિમી. છે. અખાતનું મુખ ગોપનાથ આગળ છે. જાફરાબાદ અને દમણ વચ્ચે અખાતની ઊંડાઈ રેતીના પૂરણને કારણે ઓછી છે અને તે વહાણવટા માટે બાધક બને છે.
પીરમ બેટની ઉત્તરેથી ભરતી 2.15 મીટર હોય છે. ભરતી કલાકના 16 કિમી.ની ઝડપે ચડે છે. કોરી ભૂમિ હોય ત્યાં પાણી ફેલાઈ જાય છે અને તેટલી જ ઝડપથી ભરતીનું પાણી પાછું ફરે છે. ભરતી નદીના મુખમાં દાખલ થઈને વિનાશ વેરે છે. તેને ‘ઘોડો’ કહે છે. હૂગલીમાં પણ આવી જ પરિસ્થિતિ છે. ઘોડો કિનારાના પ્રદેશોમાં ઘણું નુકસાન કરે છે.
નદીઓના નિક્ષેપને કારણે ખંભાતનો અખાત પુરાતો જાય છે. સલ્તનત કાળ અને તે પૂર્વે (900થી 1572) મોટાં વહાણો ધક્કા સુધી આવતાં હતાં. જહાંગીરના શાસન સમયે મોટાં વહાણો ઘોઘા અટકતાં અને ત્યાંથી હોડીઓ દ્વારા માલની હેરફેર ખંભાત ખાતે થતી હતી.
હાલ ખંભાતથી દરિયો બે કિમી. દૂર ખસી જતાં ખંભાતનું બંદર 1960 પછી મૃતપ્રાય થયું છે. મહી, સાબરમતી નદીઓ દ્વારા ચોમાસામાં કાંપ ઠલવાતો ગયો તેથી દરિયો ખસતો ગયો છે અને ત્યાંનાં બંદરો કાંપના પુરાણને કારણે નકામાં બની ગયાં.
સાબરમતી, શાખાઓ, મહી, ઢાઢર, નર્મદા, ઉપનદીઓ સાથે આવીને કાંપ ઠાલવે છે અને સમુદ્રનું પુરાણ કરે છે. સૌરાષ્ટ્ર તરફથી શેત્રુંજી, સુકભાદર, ઉતાવળી, ભોગાવો, કાળુભાર, ઘેલો, માળેશ્રી નદીઓ અખાતને મળે છે.
ઇજનેરોના મંતવ્ય પ્રમાણે 465 ગ્રામ પાણીમાં 0.45% જેટલો કાંપ ઠલવાય છે. ખંભાતના અખાતનું ક્ષેત્રફળ 4,560 ચોકિમી. છે. ઓટ વખતે તે 20 ફેધમ ઊંડો હોય છે. એટલે જેટલો કાદવ આવે તે ઠરે તો અખાત એક હજાર વર્ષ બાદ સંપૂર્ણ પુરાઈ જાય તેમ હતો. ઝડપી ભરતી અને મોજાંને કારણે કાદવનો ઘણો ભાગ દૂર અરબી સમુદ્રમાં પાછો ખેંચાઈ જાય છે.
અખાતમાં ખંભાત, કાવી, ધોલેરા, નગરા, વલભીપુર, ગંધાર જેવાં બંદરો હતાં. હાલ ટંકારી, દહેજ, ભરૂચ, મગદલ્લા, હજીરા, સૂરત, ઘોઘા અને સરતાનપર (તળાજા) અને ભાવનગરનાં બંદરો છે. અખાતમાં અલિયાબેટ, પીરમ, શેત્રુંજીના મુખ પાસેના બેટ તથા ભાવનગરની ખાડી અને ઘોઘા નજીક રોણિયો વગેરે બેટ આવેલા છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મળવાની શક્યતા છે. ‘કલ્પસર’ નામનું સરોવર નિર્માણ કરી શકાય તેમ છે.
ગુજરાત
ગુજરાતના દરિયાકાંઠે દરિયાનું તાપમાન વધી રહ્યું છે. વર્ષ 1860થી 2020માં ખંભાતના અખાતમાં 1.5 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. 2017માં ઓખામાં આવી સ્થિતિ સર્જાઈ હતી. નાસાની એક રિપોર્ટ અનુસાર 2100 સુધી ભારતમાં દરિયા કિનારા પર આવેલા 12 શહેરોમાંથી 4 શહેરો—ભાવનગર, ઓખા, કંડલા અને ખંભાત—ડુબી શકે છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ વૈશ્વિક તાપમાનમાં વધારો અને ધ્રુવીય બરફનો ઓગાળો છે, જેના કારણે દરિયાનો જળસ્તર સતત વધી રહ્યો છે.
આ પણ વાંચો:
‘લોકશાહી 80 રૂપિયામાં વેચાઈ’, SIT એ કર્ણાટકમાં મત ચોરી કૌભાંડનો કર્યો ખૂલાસો, 6,000 મતદારો ગુમ
Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું
Vadodara: નશામાં ધૂત કારચાલકે 4 વાહનોને અડફેટે લીધા, સૂતા બાળકનું મોત, લોકો ચાલકને ધોઈ નાખ્યો








