
-દિલિપ પટેલ
Gujarat: રાજ્યના બાંધકામ કામદારોના કલ્યાણ માટે રચાયેલા રાજ્ય મકાન અને અન્ય બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડ (બોર્ડ)ને કેન્દ્રમાં રાખીને કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના તાજા અહેવાલમાં ગંભીર ખામીઓ અને અનિયમિતતાઓની ખુલ્લી પડી છે. 1996ના બિલ્ડિંગ એન્ડ અન્ય કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલ્ફેર એક્ટના અમલીકરણમાં રાજ્ય સરકારની બેદરકારી અને કાયદાના ખુલ્લા ભંગને કારણે લાખો મજૂરોના અધિકારોનું ઉલ્લંઘન થયું હોવાનું જાહેર થયું છે. વિશેષ વાત તે છે કે, ભાજપની મોદી, આનંદીબેન, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની ચાર સરકારોએ 2004થી અત્યાર સુધીમાં બોર્ડને મજૂર કલ્યાણના બદલે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે ‘શાહમાર્ગ’ની જેમ સરળ નીતિઓ અપનાવી છે, જેના કારણે રૂ. 4,788 કરોડનો સેસ મજૂરો સુધી પહોંચ્યો જ નથી.
આ અહેવાલ વિધાનસભાના મોન્સુન સત્રના છેલ્લા દિવસે, 10 સપ્ટેમ્બર 2025ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં 2017થી 2022 સુધીના તબક્કાની વિગતવાર તપાસ કરવામાં આવી છે. CAGના અહેવાલ મુજબ ડિસેમ્બર 2004માં રાજ્ય સરકાર દ્વારા બોર્ડની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ વારંવાર પુનઃગઠનના નામે તેને નબળું બનાવવામાં આવ્યું. પરંતુ, નવેમ્બર 2017થી લગભગ પાંચ વર્ષ સુધી બોર્ડને માત્ર એક સભ્ય – શ્રમ, કુશળ વિકાસ અને રોજગાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને અધ્યક્ષ તરીકે ચલાવવામાં આવ્યું, જેમાં નોકરીદાતાઓ અને કામદારોના પ્રતિનિધિઓની એકપણ સીટ ભરવામાં આવી નહોતી. માર્ચ 2022 સુધી આવી પરિસ્થિતિ ચાલુ રહી, અને 2025માં પણ ભૂપેન્દ્ર પટેલ સરકારે કોઈ સુધારો કર્યો નથી.
આ ઉપરાંત, રાજ્ય સલાહકાર સમિતિ (SAC)ની રચના પણ 2011થી થઈ નથી, જે રાજ્ય સરકારને મજૂર કલ્યાણ અંગે સલાહ આપવાનું કામ કરે છે. CAG અહેવાલમાં ઉલ્લેખ છે કે, ભાજપની આ ચાર સરકારોએ SACની રચના કરવાને બદલે બોર્ડને વ્યવસ્થાગત રીતે નબળો પાડી દીધો, જેના કારણે કલ્યાણ ભંડોળની રચના પણ થઈ નથી. આના કારણે સેસ કલેક્ટરો દ્વારા એકત્રિત કરાયેલો સેસ સીધો સરકારી ખાતામાં જમા થાય છે, જે મજૂરોના કલ્યાણ માટેના કાયદાનું સીધું ઉલ્લંઘન છે.
વહીવટી અને માળખાકીય ખામીઓ
ખાલી જગ્યાઓ અને નબળી નિગરાનીબોર્ડની નિયમિત જગ્યાઓમાંથી 72 ટકા અને ડિપ્યુટેશન પર આવતા સિનિયર ઇન્સ્પેક્ટર તથા ઇન્સ્પેક્ટરની 42 ટકા જગ્યાઓ ખાલી રહી છે. જિલ્લા બોર્ડ કચેરીઓમાં નિરીક્ષકો માટે અલગ જગ્યાઓ મંજૂર કરવામાં આવી નથી, જેના કારણે યોજનાઓ ‘ખોરંભે’ પડી ગઈ છે. CAGની તપાસમાં જાણવા મળ્યું કે, બિલ્ડરોની નોંધણી 2017માં 668થી વધીને 2022માં 4,087 થઈ ગઈ, અને 2025માં તે 5,000ને પાર કરી ગઈ છે. જોકે, બાંધકામ પ્રવૃત્તિનું કોઈ અધિકૃત સંચાલન કે પદ્ધતિ ગોઠવવામાં આવી નથી, જે બિલ્ડરોને સીધો ફાયદો કરાવે છે. આના કારણે બધા બિલ્ડરોની નોંધણી થઈ શકતી નથી, અને ભારત સરકારની બાંધકામ નકશા તથા પ્રવૃત્તિ અંગેની સૂચનાઓનું પાલન પણ થતું નથી.
બોર્ડે કામદારોની ઓળખ માટે કોઈ સર્વે કર્યું નથી, અને નોંધણી અરજીઓના નિકાલ માટે સમયરેખા નક્કી કરી નથી. નિયંત્રણ પદ્ધતિ અપૂરતી હોવાનું જણાવતા CAGએ ઉલ્લેખ કર્યો કે, મકાન અને બાંધકામ કામદારો સિવાયના અન્ય વ્યવસાયોના કામદારો, જેમ કે ટેલર, ડ્રાઇવર, ખેડૂત, મેઇડ, કમ્પ્યુટર ઓપરેટર, દુકાનદાર, ફળ-ખરીડિયા, સબ્જી વિક્રેતા અને સિક્યુરિટી ગાર્ડ નોંધાયેલા મળી આવ્યા છે. ઈ-નિર્માણ પોર્ટલ પર 1,08,829 કામદારોમાંથી 116 જેવા અયોગ્ય વ્યક્તિઓ નોંધાયા હતા, જે નોંધણી પ્રક્રિયાની નબળાઈ દર્શાવે છે.
સુરક્ષા અને આરોગ્યમાં ગંભીર ઉપેક્ષા, મજૂરોના જીવનનો પ્રશ્ન
50 કે તેથી વધુ મકાન બાંધકામ કામદારો હોય તો કામદારોની સલામતી અને આરોગ્ય અંગે લેખિત નીતિ જરૂરી છે. CAGની તપાસમાં 50 ઠેકેદારોમાંથી 19માં 50 કે વધુ કામદારો હતા, જેમાંથી 6એ લેખિત નીતિ તૈયાર કરી નહોતી, અને બાકીની 13ની નીતિ અધૂરી હતી. 50 ઠેકેદારો અને બિલ્ડરોની તપાસમાં મોટી ખામીઓ મળી: 66 ટકા પાસે ઓવરહેડ સુરક્ષા નહોતી, 60 ટકા કામદારોને આંખની સુરક્ષા નહોતી, 28 ટકા મજૂરોને માથાની સુરક્ષા નહોતી, 64 ટકા ઠેકેદારોએ અગ્નિશામક સાધનો રાખ્યા નહોતા, 22થી 88 ટકા સ્થળોએ તબીબી કટોકટીની તૈયારીનો અભાવ હતો, અને 38 ટકા બિલ્ડરોએ મજૂરોના કામચલાઉ રહેઠાણની જોગવાઈ નહોતી કરી.
નોંધણી કરાવેલા પ્રોજેક્ટમાં નિરીક્ષણની સંખ્યા 2017માં 799થી વધીને 2022માં 3,378 થઈ ગઈ, પરંતુ 14,295 નોંધાયેલી સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા 2,146 (15 ટકા)નું ક્યારેય નિરીક્ષણ થયું નથી. 2017-22 દરમિયાન કામદારોને જાગૃત કરવા માટે રૂ. 20 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર રૂ. 2.82 કરોડ (14 ટકા) વપરાયા, અને મુખ્યમંત્રી-વડાપ્રધાનના વીડિયો બને છે, પણ મજૂર કલ્યાણ યોજનાઓના વીડિયો નથી બને.
નાણાકીય ગોલમાલ, સરકારનો મજૂરોના પૈસા પર ‘કબજો’
2006-07થી 2022-23 સુધીમાં રૂ. 4,788 કરોડનો સેસ સરકારી ખાતામાં જમા થયો, જેમાંથી સરકારે બોર્ડને માત્ર રૂ. 2,545 કરોડ (53 ટકા) આપ્યા, અને રૂ. 2,243 કરોડ (47 ટકા) સરકારે પોતાના ઉપયોગમાં લીધા. કાયદા મુજબ, સેસ 30 દિવસમાં બોર્ડને આપવાનો હોય છે, પણ તે થતું નથી. બાંધકામ ખર્ચના 2 ટકાથી વધુ નહીં, પણ 1 ટકાથી ઓછી વસૂલાત થાય છે. 2006માં સુપર બિલ્ટ-અપ એરિયા પ્રતી ચોરસ મીટર દીઠ રૂ. 30 વસૂલાત હતી, જે પછી 1 ટકા કરી, તેમ છતાં પૂર્ણ રકમ વસૂલાત નથી. આનાથી કોન્ટ્રાક્ટરો-બિલ્ડરોને ભાજપ સરકાર ફાયદો કરાવે છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ માર્ચ 2021થી 2022 વચ્ચે રૂ. 72 કરોડ એકત્રિત કર્યા, પણ તેને સરકારી ખાતામાં જમા નહોતા કરાવ્યા અને ભાજપની સ્થાનિક સરકારે તે વાપર્યા. ગાંધીનગર મહાનગરપાલિકાએ 2010થી બિલ્ડરો પાસેથી લીધેલા નાણાંનો હિસાબ રાખ્યો નથી, અને સપ્ટેમ્બર 2024 સુધીમાં 2018-23 માટે માત્ર રૂ. 27.52 કરોડ અને રૂ. 28.42 કરોડ જમા કરાવ્યા. 2017-22માં 5 જિલ્લાઓના હિસાબ તપાસમાં 20 બિલ્ડરો-ઠેકેદારો 16 મહિના પછી રકમ આપતા જોવા મળ્યા.
રાજ્ય સરકાર દ્વારા બોર્ડને આપેલી રૂ. 2,544.81 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર રૂ. 808.49 કરોડ (32 ટકા) વપરાયા. જેમાં કલ્યાણ માટે રૂ. 782.03 કરોડ અને વહીવટ માટે રૂ. 26.46 કરોડ અને માર્ચ 2023 સુધીમાં રૂ. 1,736.32 કરોડ અવપરાયેલા પડ્યા. 2017-22માં 31 યોજનાઓમાંથી 13 (42 ટકા) બંધ કરી દેવાઈ.
યોજનાઓમાં બેદરકારી
પેન્શનથી લઈને આવાસ સુધીની ઉપેક્ષા60 વર્ષના લાભાર્થીઓને વૃદ્ધાવસ્થા પેન્શન આપવાનો કાયદો છે, પણ વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સરકારે મે 2019થી તે બંધ કરી દીધી. બાંધકામ કામદારો અને તેમના પરિવારને સબસિડીવાળા પૌષ્ટિક ખોરાક પૂરો પાડવાની ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ 9 જિલ્લામાં ચાલુ છે, પણ 24 જિલ્લામાં 2017-22માં બંધ કરી દેવાઈ; વિરોધ પછી 2024માં 19 જિલ્લામાં પુનઃચાલુ કરી. નાનાજી દેશમુખ આવાસ યોજના અને હાઉસિંગ સબસિડી હેઠળ 10 લાખ મજૂરોમાંથી 2017-22માં માત્ર 37ને મકાન સહાય મળી, અને હાઉસિંગ સબસિડી હેઠળ કોઈ લાભ નહોતો.
કોરોના કાળમાં સુરક્ષા માટે 7 મ્યુનિસિપલ કોર્પોરેશનોને ઓક્ટોબર 2020માં રૂ. 52 કરોડ જાહેર કર્યા, પણ માર્ચ 2023 સુધીમાં રૂ. 36 કરોડના હિસાબો મળ્યા નથી; અન્ય 3માં રૂ. 12.50 કરોડ અવપરાયેલા પડ્યા. ‘ધન્વંતરી આરોગ્ય રથ’ યોજના હેઠળ 5 પસંદ કરેલા જિલ્લાઓમાં માત્ર 50 કામદારોને લાભ મળ્યો, જ્યારે 10 લાખ કામદારોમાંથી માત્ર આટલા જને દવા મળી.
CAGની 15 ભલામણો, તુરંત સુધારા જરૂરી
CAGએ 15 મુખ્ય ભલામણો આપી છે, જેમાં પૂર્ણ બોર્ડ તુરંત બનાવવું, બિલ્ડરોનો સેસ સીધો બોર્ડમાં જમા કરાવવો (સરકાર કે સ્થાનિક સરકારોમાં નહીં), ખાલી જગ્યાઓ ભરવી, બોર્ડ અને સ્થાનિક યોજના મંજૂર કરતી સંસ્થાઓ વચ્ચે સંકલન કરવું, બાંધકામ પ્રવૃત્તિની પરવાનગી વખતે નોંધણી સત્તાવાળાને સૂચિત કરવું, ભારત સરકારના મેપિંગ નિર્દેશોનું અમલ, ખોટા કામદારોની નોંધણી બંધ કરવી, અરજી પ્રક્રિયા માટે સમયરેખા, બિલ્ડિંગ પરમિટ વખતે 1 ટકા સેસ જમા પદ્ધતિ, સુરક્ષા-આરોગ્ય પગલાં, નિયમિત નિરીક્ષણ સિસ્ટમ (સેટેલાઇટ આધારિત), વૃદ્ધાવસ્થા પેન્શન, 14 જિલ્લાઓમાં અન્નપૂર્ણા યોજના, મકાન સહાય અને જિલ્લા કચેરીમાં અરજી નિકાલની મર્યાદા નક્કી કરવીનો સમાવેશ થાય છે.
આ અહેવાલ વિપક્ષીઓ માટે મોટો મુદ્દો બન્યો છે, જેમણે તેને ‘મજૂર વિરોધી નીતિ’ તરીકે નામ આપ્યું છે. રાજ્ય સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પણ વિધાનસભામાં ચર્ચા થવાની શક્યતા છે. મજૂર સંગઠનોએ આ અહેવાલને આધારે આંદોલનની તૈયારી શરૂ કરી દીધી છે, જે રાજ્યની શ્રમ નીતિને નવી તલખી આપશે.
આ પણ વાંચો:
Gujarat Roads Corruption: માર્ગો પર ભ્રષ્ટાચારના ખાડા પુરતો ભાજપ, ગુજરાતના રસ્તા મોતનો માર્ગ બની ગયા
નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India










