
Gujarat Politics: ગુજરાતમાં જ્યારથી નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બન્યા છે ત્યારથી જ જાણે ભાજપનું સુકાન ડોલવા લાગ્યું છે અને હજુતો નવું મંત્રીમંડળ બને તે પહેલાજ ભાજપના ગઢના કાંકરા ખરવા માંડ્યા છે સિક્કા ન.પાલિકામાં ભાજપના આઠ જેટલા કોર્પોરેટરોએ ભાજપને અલવિદા કરી દઈ કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હોવાની ચર્ચા હજુતો ચાલુ જ છે ત્યાંજ આજે ભાજપના વધુ બે અગ્રણી નેતાઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ જવાની વાતે રાજકીય માહોલ ગરમ કરી દીધો છે.
ડાંગ જિલ્લાના ભાજપના સક્રિય નેતા દીપક પીંપળે અને મંગળ ગાવિતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ છે. ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપના સક્રિય નેતા દીપક પીંપળેએ ડાંગ જિલ્લાના ભાજપ પ્રમુખ કિશોર ગાવિતને લેખિતમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દીપક પીંપળે છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા. તેઓએ આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી તેઓ ભાજપના જુના જોગી ગણાય છે. દીપક પીંપળેએ અચાનક ભાજપ છોડવાની જાહેરાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે
હાલમાં ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ ધીરેધીરે મોટું સ્વરૂપ લઈ રહ્યાનું જણાઈ રહ્યુ છે અને અત્યાર સુધી શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, ચર્ચા છે કે, પાર્ટીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને હવે વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને જૂના જોગીઓને સાઈડ લાઈન કરાતા હોવાની વાતો સંભળાઈ રહી છે.
આપને જણાવી દઈએ કે આ અગાઉ જામનગરના સિક્કા નગરપાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન જુશબ બારૈયા સહિત આઠ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
ત્યારે ડાંગ જિલ્લામાં પણ બે ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જતા આ ઘટના ભાજપ માટે મોટો ઝટકો ગણાય છે, કારણ કે અસંતોષની ચિનગારીની આગ નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ વધુ ભડકી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચુકી છે. 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ થવાનો છે. આ પહેલા લગભગ આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાનાં પદ પરથી રાજીનામાં આપી દેશે.
ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ નવા મંત્રીઓને શપથ લેવડાવશે તેવે સમયે સિક્કા બાદ હવે ડાંગમાં ભાજપના આગેવાનોએ ભજપથી છેડો ફાડતા આગામી સમયમાં અસંતોષની આગ વધુ પ્રસરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે આવા સમયે નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલની કસોટી થશે.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ









