
Gujarat Weathe Update: હાલ ગુજરાતમાં ચોમાસું શાંત પડ્યું છે, અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ છે. કેટલાક વિસ્તારોમાં હળવો કે છૂટોછવાયો વરસાદ જોવા મળે છે, પરંતુ ચોમાસાની મોસમમાં અપેક્ષિત ભારે વરસાદ હાલ ગેરહાજર છે. મોન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે, જેના કારણે ઉત્તર ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
ઘણા વિસ્તારોમાં વરસાદની નોંધપાત્ર ઘટ
સામાન્ય રીતે, ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાય છે, પરંતુ આ વર્ષે જુલાઈના અંત અને ઑગસ્ટની શરૂઆતમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જુલાઈના અંતિમ સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં 70 ટકાથી વધુ અને કચ્છમાં 94 ટકા વરસાદની ઘટ નોંધાઈ હતી.
ટૂંક સમયમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ટૂંક સમયમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. આ રાઉન્ડ પહેલાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની સંભાવના છે.
બંગાળની ખાડીમાં કેવી રીતે રચાય છે સિસ્ટમ
ગુજરાતમાં ચોમાસાનો વરસાદ મોટાભાગે બંગાળની ખાડીમાં રચાતી હવામાન સિસ્ટમો પર નિર્ભર હોય છે. આ સિસ્ટમો લો-પ્રેશર એરિયા તરીકે રચાય છે અને મધ્ય ભારત કે ગુજરાત તરફ આગળ વધે છે, જેના કારણે રાજ્યમાં વરસાદ પડે છે. આ સિસ્ટમો જ્યારે મધ્ય ભારતમાં પહોંચે છે, ત્યારે અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો તેને વધુ મજબૂત બનાવે છે, જેના પરિણામે ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થાય છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ ક્યારે બનશે?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં 12 કે 13 ઓગસ્ટની આસપાસ એક નવી સિસ્ટમ રચાવાની શક્યતા છે. આગામી સપ્તાહમાં આ સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થશે, જે ગુજરાત, રાજસ્થાન અને પાકિસ્તાનમાં ચોમાસાના વરસાદમાં વધારો કરશે. આ સિસ્ટમ લો-પ્રેશર એરિયામાં રૂપાંતરિત થઈ શકે છે અને કદાચ વધુ શક્તિશાળી બની શકે છે.આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી શકે છે અને ત્યારબાદ પાકિસ્તાન તરફ ગતિ કરે તેવી શક્યતા છે. જો આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશે, તો રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ભારે વરસાદ ક્યારે શરૂ થશે?
હવામાન વિભાગની લાંબા ગાળાની આગાહી અનુસાર, ઓગસ્ટના પ્રથમ ભાગમાં ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે. જોકે, 11-12 ઑગસ્ટથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થશે. ભારે વરસાદની શરૂઆત 16 ઑગસ્ટની આસપાસ થવાની સંભાવના છે, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે.
આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
જો આ સિસ્ટમ રાજ્યમાં પ્રવેશે, તો સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સાથે, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદમાં વધારો થવાની શક્યતા છે. 11-12 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે, પરંતુ અતિભારે વરસાદની શક્યતા ઓછી દેખાય છે.
વરસાદની ઘટ અને ખેડૂતોની ચિંતા
1 ઑગસ્ટથી 6 ઑગસ્ટ સુધીના હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 90 ટકાથી વધુ, જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 80 ટકાથી વધુ વરસાદની ઘટ નોંધાઈ છે. હાલ બંગાળની ખાડી કે ગુજરાતની આસપાસ કોઈ મજબૂત સિસ્ટમ ન હોવાથી મૉન્સૂન ટ્રફ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ખસી ગઈ છે, જેના કારણે રાજ્યમાં વરસાદ ખોરંભે છે.
ખેડૂતો આગામી વરસાદના રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે, જે 16 ઓગસ્ટથી શરૂ થવાની શક્યતા છે, અને તેનાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં રાહત મળે તેવી આશા છે.
આ પણ વાંચો:
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો