
Guru Purnima 2025: અજ્ઞાનતાના ગાઢ અંધકારમાં દીવાદાંડી બને એ ગુરુ, ગુરુ વિનાનું જીવન આત્મા વિનાના ખોળિયા જેવું કહેવાય છે. અષાઢ સુદ પૂર્ણિમાએ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે. ચાતુર્માસમાં મા પાર્વતીના પૂજનવ્રત, જયા પાર્વતી પછી ગુરુપૂર્ણિમા બીજો તહેવાર છે. આમાં ગુરુના પૂજનનું માહાત્મ્ય રહેલું છે. શાસ્ત્રોમાં ગુરુને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, એમ ત્રિદેવ સમું સ્થાન આપ્યું છે. આ દિવસે મહાભારતના રચનાકાર મહર્ષિ વેદવ્યાસ (કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ)નો જન્મદિવસ મનાવવામાં આવે છે. એટલે ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે. ગુરુપૂર્ણિમાનું સૌપ્રથમ પ્રાયોજન મહાભારત કાળમાં થયું હોવાનું મનાય છે.
પુરાણો, સ્મૃતિઓ અને ઉપનિષદોમાં ઉલ્લેખ
સ્કંદ પુરાણ, નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં ગુરુ-શિષ્ય પરંપરા અને ગુરુપૂજનના મહત્ત્વનું વર્ણન કરાયું છે. દેવી ભાગવત પુરાણમાં વ્યાસ ઋષિ અને તેમના યજ્ઞનો ઉલ્લેખ છે. મનુસ્મૃતિ અને પરાશર સ્મૃતિમાં ગુરુનો મહિમા અને ગુરુભક્તિની ચર્ચા કરવામાં આવી છે. આ સિવાય શ્વેતાશ્વેતરોપનિષદ્ અને તૈત્તરીય ઉપનિષદ જેવા ગ્રથોમાં પણ ગુરુશિષ્ય પરંપરાની પવિત્રતા અને ગુરુની આવશ્યકતા સમજાવાઈ છે.
ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ
વેદો અને પુરાણોના સંકલનકર્તા મહર્ષિ વ્યાસની આ દિવસે પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન માનવામાં આવ્યા છે.
આ શ્લોકોમાં દર્શાવાયું છે ગુરુપૂર્ણિમાનું માહાત્મ્ય
ગુરુ મંત્ર (ગુરુ સ્તુતિ)
ગુરુર્બ્રહ્મા, ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વરઃ।
ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ॥
અર્થ: ગુરુ જ બ્રહ્મા (સર્જનહાર) છે, ગુરુ જ વિષ્ણુ (પાલનહાર) છે અને ગુરુ જ શિવ (સંહારક) છે. ગુરુ સાક્ષાત્ પરમ બ્રહ્મ (પરમાત્મા) છે, હું આવા ગુરુને નમન કરું છું.
ગુરુની મહિમા
અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા।
ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ॥
અર્થ : જેમણે અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપી અંજનથી દૂર કરીને મારી આંખો ખોલી છે, હું તે ગુરુને નમન કરું છું.
ગુરુ-શિષ્ય સંબંધ
યસ્ય દેવે પરા ભક્તિઃ યથા દેવે તથા ગુરૌ।
તસ્યૈતે કથિતા હ્યાર્થાઃ પ્રકાશંતે મહાત્મનઃ॥
(શ્વેતાશ્વતર ઉપનિષદ્ 6.23)
અર્થ : જે ભક્ત દેવતામાં જેવી ભક્તિ રાખે છે, તેવી જ ભક્તિ ગુરુમાં રાખે છે, તે મહાત્માને સર્વ જ્ઞાન પ્રકાશિત થાય છે.
વ્યાસ પૂજા મંત્ર
નમો વેદવ્યાસાય કૃષ્ણ દ્વૈપાયનાયે નમઃ।
સર્વજ્ઞાય મુનયે બ્રહ્મરૂપાય ધીમહિ॥
અર્થ : હું વેદવ્યાસ (કૃષ્ણ દ્વૈપાયન)ને નમન કરું છું, જેઓ સર્વજ્ઞ મુનિ અને બ્રહ્મરૂપ છે.
શ્રેષ્ઠ ગુરુ-શિષ્યની યાદી
હિંદુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં ગુરુ-શિષ્ય પરંપરાનું ખૂબ જ મહત્ત્વ છે. ગુરુવારે ગુરુપૂર્ણિમા છે ત્યારે કેટલાક શ્રેષ્ઠ ગુરુ-શિષ્યનું સ્મરણ મન અને આત્માને નવી ઊર્જા આપશે.
વેદવ્યાસ અને શિષ્યો
ગુરુ: મહર્ષિ વેદવ્યાસ (કૃષ્ણ દ્વૈપાયન)
શિષ્યો: વૈશંપાયન (જેણે મહાભારત સાંભળ્યું)
સુકદેવ (ભાગવત પુરાણના કથનહાર)
પૈલ (ઋગ્વેદના ઋષિ)
મહત્ત્વ: વ્યાસજીએ 4 વેદોનું વર્ગીકરણ કર્યું અને અનંત જ્ઞાન શિષ્યોને આપ્યું.
દ્રોણાચાર્ય અને અર્જુન
ગુરુ: દ્રોણાચાર્ય
શિષ્ય: અર્જુન
મહત્ત્વ: અર્જુને દ્રોણ પાસેથી ધનુર્વિદ્યા અને યુદ્ધકળા શીખી.
ભગવાન રામ-વશિષ્ઠ મુનિ
ગુરુ: મહર્ષિ વશિષ્ઠ
શિષ્ય: શ્રીરામ
મહત્ત્વ: વશિષ્ઠજીએ રામને અધ્યાત્મિક જ્ઞાન (યોગ વાસિષ્ઠ) આપ્યું.
ભગવાન કૃષ્ણ-ઉદ્ધવ
ગુરુ: શ્રીકૃષ્ણ
શિષ્ય: ઉદ્ધવ
મહત્ત્વ: ઉદ્ધવોપનિષદમાં કૃષ્ણે ઉદ્ધવને ભક્તિ અને જ્ઞાનનો ઉપદેશ આપ્યો.
આદિ શંકરાચાર્ય અને પદ્મપાદ
ગુરુ: આદિ શંકર
શિષ્ય: પદ્મપાદ (સન્યાસી અને અદ્વૈત વેદાંતના પ્રચારક)
મહત્ત્વ: શંકરાચાર્યે પદ્મપાદને અદ્વૈત દર્શનની દીક્ષા આપી.
કબીર અને ગુરુ રામાનંદ
ગુરુ: રામાનંદ
શિષ્ય: કબીરદાસ
મહત્ત્વ: રામાનંદજીએ કબીરને ભક્તિ માર્ગનું જ્ઞાન આપ્યું.
ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય
ગુરુ: આચાર્ય ચાણક્ય (કૌટિલ્ય)
શિષ્ય: ચંદ્રગુપ્ત મૌર્ય
મહત્ત્વ: ચાણક્યે ચંદ્રગુપ્તને રાજનીતિ અને અર્થશાસ્ત્ર શીખવ્યું.
ગૌતમ બુદ્ધ અને આનંદ
ગુરુ: ભગવાન બુદ્ધ
શિષ્ય: આનંદ
મહત્ત્વ: આનંદ બુદ્ધના પ્રમુખ શિષ્ય અને ધર્મના સંભાળકાર બન્યા.
મીરાબાઈ અને ગુરુ રૈદાસ
ગુરુ: સંત રૈદાસ
શિષ્ય: મીરાબાઈ
મહત્ત્વ: રૈદાસે મીરાને કૃષ્ણભક્તિનો માર્ગ દર્શાવ્યો.
સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ
ગુરુ: રામકૃષ્ણ પરમહંસ
શિષ્ય: સ્વામી વિવેકાનંદ
મહત્ત્વ: રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને આધ્યાત્મિકતા અને સેવાધર્મ શીખવ્યો.