
Guru Purnima 2025: આજના દિવસે જ ભગવાન શંકરે સપ્તર્ષિને જ્ઞાન આપવાનો પ્રારંભ કર્યો હતો. સપ્તર્ષિ: વિશ્વામિત્ર (ઉપર ડાબે), જમદગ્નિ (ઉપર મધ્યમાં), ગૌતમ (ઉપર જમણે), વસિષ્ઠ (મધ્યમાં, દાઢી વિના), કશ્યપ (નીચે ડાબે), ભારદ્વાજ (નીચે મધ્યમાં, યોગિક આસનમાં , ઊંધું), અત્રિ (જમણે નીચે).
ગુરુ-પૂર્ણિમાનું શું છે મહત્ત્વ?
આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા. આ દિવસથી આદિ દેવ ભગવાન શંકરે સપ્તર્ષિ ઋષિ વિશ્વામિત્ર, ઋષિ જમદગ્નિ. ઋષિ ગૌતમ. ઋષિ વસિષ્ઠ, ઋષિ કશ્યપ, ઋષિ ભારદ્વાજ અને ઋષિ અત્રિને જ્ઞાન આપવાનો પ્રારંભ કર્યો હતો. એટલે આજના દિવસે ગુરુપૂર્ણિમા મનાવાય છે. આજના દિવસે મહર્ષિ વેદવ્યાસનો પણ જન્મ થયો હોવાથી આ દિવસે એમનું પૂજન કરાય છે અને ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે. સનાતન શાસ્ત્રોમાં જે રીતે ગુરુપૂર્ણિમાનું માહાત્મ્ય દર્શાવાયું છે, એ જ રીતે ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્ત્વ પણ સમજાવાયું છે.
ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્ત્વ
ગુરુ શિષ્યને માત્ર જ્ઞાન જ નહીં પણ જીવન જીવવાની કળા શીખવે છે. શિષ્યની શ્રદ્ધા અને સેવાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે.આમ તો ઈશ્વર સર્વોપરિ છે છતાં ગુરુને ઈશ્વરથી સર્વોપરિ કહેવાય છે. એનું કારણ સંત કબીરે ઉત્તમ દોહામાં સમજાવ્યું છે.
“ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકે લાગુ પાય।
બલિહારી ગુરુ આપને, ગોવિંદ દિયો બતાય।”
એટલે કે ગુરુ અને ગોવિંદ (ઈશ્વર) બંને એકસાથે છે ત્યારે સૌપ્રથમ કોના ચરણ સ્પર્શ કરવા? ઈશ્વર સૌથી મહાન છે, પરમ પૂજનીય છે પણ સૌપ્રથમ ચરણ સ્પર્શ ગુરુનો કરવો જોઈએ. કારણ કે ગુરુને કારણે જ તો ગોવિંદ મળ્યા છે. ગુરુ ને હોત તો ગોવિંદનાં દર્શન જ ન થયાં હોત.
ગુરુપૂર્ણિમા અને વર્ષાઋતુનો સંબંધ
અષાઢ માસની પૂર્ણિમા વર્ષાઋતુ સાથે જોડાયેલી છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે ચોમાસામાં વરસાદને કારણે ધરતી જે રીતે ધનધાન્યથી સંપન્ન થાય છે, બીજાંકુર ફૂટે છે, ફળદ્રુપ થાય છે એ જ રીતે વર્ષાઋતુમાં ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાથી, ગુરુની ઉપાસના કરવાથી મનુષ્યમાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
ગુરુપૂર્ણિમા અને યોગ દીક્ષા
આ દિવસે ભગવાન સદાશિવે સપ્તઋષિને પ્રથમ યોગની દીક્ષા આપી હતી. આથી યોગી-સાધકો માટે આ પૂર્ણિમા ખાસ મહત્ત્વની છે. મહાયોગી ગોરખનાથ, મત્સ્યેન્દ્રનાથ જેવા સિદ્ધોની પરંપરામાં આ દિવસે ગુરુદીક્ષા આપવાનો રિવાજ છે. ગુરુપૂર્ણિમાના દિવસે પુસ્તકો, શાસ્ત્રો અને વાદ્યો (વીણા, તબલાં વગેરે)ની પણ પૂજા કરવામાં આવે છે, કારણ કે તેઓ જ્ઞાનના સાક્ષાત્ ગુરુ છે. વિદ્યાર્થીઓ આ દિવસે વેદ-પુરાણોનું પારાયણ કરે છે.
બૌદ્ધ અને જૈન ધર્મમાં ગુરુપૂર્ણિમા
બૌદ્ધ અને જૈન ધર્મોમાં પણ ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ છે. બૌદ્ધ ધર્મમાં આ દિવસે ભગવાન બુદ્ધે સારનાથમાં પ્રથમ ઉપદેશ (ધર્મચક્ર પ્રવર્તન) આપ્યો હતો. બૌદ્ધ ભિક્ષુઓ આ દિવસે ગુરુ (બુદ્ધ) અને સંઘને શ્રદ્ધાંજલિ આપે છે. જૈન ધર્મમાં આ દિવસે તીર્થંકરો અને ગુરુઓની વંદના કરવામાં આવે છે. જૈન સાધુઓ આષાઢ પૂર્ણિમાથી 4 મહિના (ચાતુર્માસ) સુધી એક જ સ્થળે રહી ઉપદેશ આપે છે. આ દિવસે ગુરુને દક્ષિણા આપવાની પરંપરા પણ છે. શિષ્ય ગુરુને ફળ, ફૂલ, નવું વસ્ત્ર અને શ્રદ્ધાનુસાર દક્ષિણા અર્પણ કરે છે. પછી ગુરુના પગ ધોઈને, તેમના પગનો સ્પર્શ કરી આશીર્વાદ લેવાય છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને લોકપરંપરા
આષાઢ પૂર્ણિમાનો સમય પૃથ્વી અને વાતાવરણ શુદ્ધ થાય છે, તેથી જ્ઞાન-સાધના માટે આદર્શ માનવામાં આવે છે. વર્ષાઋતુમાં પ્રકૃતિની શાંતિ ધ્યાન અને અધ્યયન માટે યોગ્ય હોય છે. કેટલાક પ્રદેશોમાં ગુરુના નામે વૃક્ષારોપણ કરવામાં આવે છે. ગુરુપૂર્ણિમા એ જ્ઞાન, ભક્તિ અને આભારનો તહેવાર છે, જે ફક્ત ધાર્મિક જ નહીં, પણ સામાજિક-સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ મહત્ત્વનો છે.