
Guru Purnima 2025: ગુરુવારે જ ગુરુપૂર્ણિમા આવે એ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સૌથી શ્રેષ્ઠ યોગ ગણાય છે, આ યોગને ગુરુ-ગુરુ સંયોગ પણ કહેવાય છે.
ગુરુપૂજન અને દીક્ષા-શિક્ષા મેળવવાનો શ્રેષ્ઠ યોગ
ગુરુપૂર્ણિમાનું જેટલું ધાર્મિક અને પારંપરિક મહત્ત્વ છે, એટલું જ વિશેષ મહત્ત્વ જ્યોતિષ શાસ્ત્રમાં પણ છે. જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમા ગુરુવારે જ આવતી હોય તો એ ગુરુપૂજન અને દીક્ષા-શિક્ષા મેળવવાનો શ્રેષ્ઠ યોગ છે.
બૃહસ્પતિની સ્થિતિ
અષાઢ પૂર્ણિમા બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહના આશીર્વાદથી યુક્ત હોય છે. કારણ કે બૃહસ્પતિને જ્ઞાન અને ધાર્મિકતાનો કારક ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે ગુરુની પૂજા કરવાથી બુદ્ધિ, સફળતા અને આધ્યાત્મિક પ્રગતિ મળે છે.
ચંદ્રની સ્થિતિ
પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ પ્રકાશિત હોય છે, જે મનની શાંતિ અને સ્પષ્ટતાનું પ્રતીક છે. ગુરુ અને ચંદ્ર બંનેનો સંયોગ જ્ઞાન અને ભાવનાનું સંતુલન દર્શાવે છે.
વર્ષાઋતુનો યોગ
અષાઢ પૂર્ણિમાથી ચાતુર્માસ (4 મહિના) શરૂ થાય છે, જે ધાર્મિક સાધના, અધ્યયન અને ગુરુ-શિષ્ય પરંપરા માટે શુભ માનવામાં આવે છે.
નક્ષત્રોની ગતિ
જો આ દિવસે પુષ્ય, વિશાખા કે પૂર્વાષાઢા નક્ષત્ર હોય તો તે વિશેષ ફળદાયી ગણવામાં આવે છે. સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં ગુરુપૂર્ણિમાને જ્ઞાનપ્રાપ્તિનો શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે ગુરુમંત્રોનો જપ, વેદપાઠ અને ગુરુદક્ષિણા આપવાથી જન્મકુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બને છે.ગુરુપૂર્ણિમા ગુરુવારે આવે તો એ અત્યંત શુભ અને દુર્લભ યોગ ગણાય છે. આનું જ્યોતિષ અને ધાર્મિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વ છે.
જ્યોતિષીય મહત્ત્વ
ગુરુવાર (બૃહસ્પતિવાર) એ ગુરુ ગ્રહનો દિવસ છે, જે જ્ઞાન, ભાગ્ય, ધાર્મિકતા અને ગુરુકૃપાનો કારક છે જ્યારે ગુરુપૂર્ણિમા ગુરુવારે આવે તો બૃહસ્પતિની શક્તિ બમણી થાય છે. આ યોગને “ગુરુ-ગુરુ સંયોગ” કહેવાય, જે જીવનમાં મહાન આધ્યાત્મિક પ્રગતિ અને જ્ઞાનપ્રાપ્તિ લાવે છે. ગુરુપૂર્ણિમા ગુરુવારે આવે તો આવા યોગને “મહાગુરુ યોગ” કહેવાય અને તેમાં ગુરુદીક્ષા, મંત્રોપદેશ અથવા નવી શિક્ષણની શરૂઆત ખાસ ફળદાયી માનવામાં આવે છે.
ધાર્મિક મહત્ત્વ
બૃહસ્પતિને દેવગુરુ કહેવામાં આવે છે, અને ગુરુપૂર્ણિમા એ માનવગુરુ અને દેવગુરુ બંનેની સંયુક્ત પૂજા બને છે. આ દિવસે મંત્ર-જપ, ગુરુદક્ષિણા અને ભક્તિ કરવાથી અધ્યાત્મિક લાભ 100 ગણા વધી જાય છે. પુરાણોમાં કહેવાય છે કે ગુરુવારે ગુરુપૂર્ણિમા આવે, તો ગુરુની કૃપા સીધી શિષ્યના જીવનમાં અવરોધો દૂર કરે છે.
શ્રેષ્ઠ ગુરુ અને શિષ્ય બનવાના જ્યોતિષીય યોગ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગુરુ (શિક્ષક) અને શિષ્ય (વિદ્યાર્થી) બનવા માટે કુંડળીમાં ચોક્કસ ગ્રહો અને યોગોની ખાસ ભૂમિકા હોય છે.
શ્રેષ્ઠ ગુરુ બનવા માટેના ગ્રહયોગ
બૃહસ્પતિ (ગુરુ): કુંડળીમાં ગુરુ 1લા, 5મા અથવા 9મા ભાવમાં હોય અને બળવાન હોય તો વ્યક્તિ જ્ઞાની, ઉપદેશક અથવા ધાર્મિક ગુરુ બને. જો ગુરુ કેન્દ્ર (1, 4, 7 કે 10) અથવા ત્રિકોણ (5 કે 9)માં હોય તો તેમનો ઉપદેશ લોકોને પ્રભાવિત કરે.
સૂર્ય (આત્મા અને પ્રતિષ્ઠા): સૂર્ય 5મા અથવા 9મા ભાવમાં હોય તો વ્યક્તિમાં અધિકાર અને શિસ્ત હોય, જે ગુરુ માટે આવશ્યક છે.
બુધ (વાણી અને તર્કશક્તિ): બુધ ગુરુ અથવા ચંદ્ર સાથે યુક્ત હોય, તો વ્યક્તિ સ્પષ્ટ અને પ્રભાવશાળી ઉપદેશક બને.
વિદ્યાવત્ યોગ: ગુરુ+બુધ અથવા ગુરુ+કેતુની યુતિ વિદ્વાન બનાવે. બ્રહ્મયોગ: સૂર્ય, ગુરુ અને કેતુની યુતિ ધાર્મિક ગુરુ બનાવે.
શ્રેષ્ઠ શિષ્ય બનવા માટેના ગ્રહયોગ
ચંદ્ર (મન અને શ્રદ્ધા): ચંદ્ર શુદ્ધ અને બળવાન હોય (ખાસ કરીને 2જા, 4થા કે 11મા ભાવમાં) તો શિષ્ય ગુરુના ઉપદેશને સમજે અને અનુસરે.
શનિ (અનુશાસન અને સેવાભાવ): શનિ 5મા કે 9મા ભાવમાં હોય તો શિષ્ય ધીરજ અને નિષ્ઠાથી શીખે.
ગુરુ (જ્ઞાનની પ્રાપ્તિ): ગુરુ 4થા કે 8મા ભાવમાં હોય, તો શિષ્ય ગુહ્ય જ્ઞાન (એજ્યુકેશન, સાયન્સ, સાધના) મેળવે.
સરસ્વતી યોગ: બુધ+ચંદ્રની યુતિ શિષ્યને તીવ્ર બુદ્ધિમાન બનાવે.
ભક્તિ યોગ: ચંદ્ર+શુક્ર હોય, તો શિષ્ય ગુરુમાં શ્રદ્ધા રાખે.
ગુરુ-શિષ્ય સંબંધ માટે શુભ ગ્રહ સ્થિતિ
ગુરુ-ચંદ્ર મિત્રતા: જો ગુરુની કુંડળીમાં ચંદ્ર અને શિષ્યની કુંડળીમાં ગુરુ મજબૂત હોય, તો સંબંધ સાર્થક બને.
રાહુ-કેતુની ભૂમિકા: જો ગુરુની કુંડળીમાં કેતુ બળવાન હોય, તો તેમનો ઉપદેશ મિસ્ટિક (અધ્યાત્મિક) હોય. જો શિષ્યની કુંડળીમાં રાહુ 9મા ભાવમાં હોય, તો તે નવા જ્ઞાન માટે ઉત્સુક હોય.