
- ગુજરાતનું સ્વાસ્થ્ય કેવી રીતે સ્વસ્થ રહેશે? રાજ્યની 4 મોટી હોસ્પિટલોમાં જ 5,000થી વધુ જગ્યાઓ ખાલી
ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવાઓની હાલત દિવસે દિવસે બગડતી જાય છે. દર્દીઓ અને તેમના સગાઓને લાંબી રાહ જોવી પડે છે, સમયસર સારવાર નથી મળતી, અને ફરિયાદોનો ઢગલો વધી રહ્યો છે. સરકારે ‘મા કાર્ડ’ અને ‘આયુષ્માન ભારત’ જેવી યોજનાઓ ભલે શરૂ કરી પણ જ્યારે હોસ્પિટલોમાં ડોક્ટરો અને સ્ટાફ જ ન હોય તો આવા કાર્ડનો શું ઉપયોગ? આ સમસ્યાનું મૂળ કારણ છે હોસ્પિટલોમાં સ્ટાફની ભારે ઉણપ અને સરકારની ભરતી પ્રક્રિયામાં ઉદાસીનતા. રાજ્યની મોટી હોસ્પિટલોમાં ડોક્ટરોની ખાલી પડેલી જગ્યાઓને લઈને ખુબ જ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.
વિધાનસભામાં ખુલ્યું સત્ય
વિધાનસભામાં વિપક્ષના એક ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે જે આંકડા રજૂ કર્યા તે ચોંકાવનારા છે. રાજ્યની ચાર મહત્વની હોસ્પિટલોમાં ડોક્ટરો અને સ્ટાફની જગ્યાઓની સ્થિતિ આ પ્રમાણે છે.
- અમદાવાદ સિવિલ હોસ્પિટલ: 4,823 મંજૂર જગ્યાઓમાંથી 1,903 ખાલી
- અમદાવાદ કિડની હોસ્પિટલ: 1,921 મંજૂર જગ્યાઓમાંથી 1,253 ખાલી
- ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ: 976 મંજૂર જગ્યાઓમાંથી 270 ખાલી
- યુ. એન. મહેતા હોસ્પિટલ: 4,399 મંજૂર જગ્યાઓમાંથી 1,639 ખાલી
કુલ મળીને 5,065 જગ્યાઓ ખાલી! આ ફક્ત ચાર હોસ્પિટલોની વાત છે; રાજ્યની બીજી સરકારી હોસ્પિટલોની હાલતનો અંદાજો પણ લગાવી શકાય છે.
સરકારનો જવાબ: ન તો ઉકેલ, ન તો સમયમર્યાદા
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકારને સવાલ કર્યો કે આ ખાલી જગ્યાઓ ક્યારે ભરાશે? સરકારનો જવાબ હતો: “યોગ્ય ઉમેદવારો મળશે ત્યારે જગ્યાઓ ભરાશે.” આ જવાબ સાંભળીને હસવું કે રડવું એ સમજાતું નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે આ ભરતી ક્યાં સુધીમાં થશે, તો સરકારે ફરી એ જ વાક્ય પુનરાવર્તન કર્યું.
પરંતુ સવાલ એ છે કે શું સરકારને ખરેખર યોગ્ય ઉમેદવારો નથી મળતા? ગાંધીનગરમાં ભરતીની માગણી સાથે હજારો યુવાનો રોડ પર ઉતરે છે, પોલીસને તેમને રોકવા બસો મંગાવવી પડે છે. શું આ લાખો ઉમેદવારોમાંથી એક પણ યોગ્ય નથી?
ભરતી કેલેન્ડરથી શું થશે?
આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યાઓમાંથી મોટાભાગની છેલ્લા બે વર્ષથી ખાલી પડી છે, પણ સરકારને કોઈ ફરક નથી પડતો. જ્યારે સવાલ ઉઠે છે, ત્યારે સરકાર જવાબ આપે છે કે “ભરતી કેલેન્ડર બહાર પાડી દીધું છે.” આ કેલેન્ડર 2024થી 2033 સુધીનું છે, એટલે કે સરકાર 10 વર્ષમાં ધીમે ધીમે ભરતી કરવાનું વિચારે છે. પણ શું દર્દીઓ 10 વર્ષ સુધી સારવાર વિના રાહ જોઈ શકે?
ચૂંટણીની રાહ જોવાય છે શું?
રાજ્યમાં લાખો ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે. કેટલાકની ઉંમરમર્યાદા પણ પૂરી થઈ ગઈ પરંતુ ભરતીનું નામોનિશાન નથી. ફક્ત કેલેન્ડર બહાર પાડવાથી સમસ્યા ઉકેલાશે નહીં. જો સરકાર ચૂંટણીની રાહ જોયા વિના તાત્કાલિક ભરતી શરૂ કરે તો જ દર્દીઓને સમયસર સારવાર મળશે અને ગુજરાતનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહેશે.
શું કરવું જોઈએ?
તાત્કાલિક ભરતી: કોન્ટ્રાક્ટ કે અસ્થાયી ભરતીને બદલે કાયમી સ્ટાફની નિમણૂક કરવી.
પારદર્શક પ્રક્રિયા: ભરતીની તારીખો અને પ્રક્રિયા જાહેર કરીને ઉમેદવારોનો વિશ્વાસ જીતવો.
અન્ય રાજ્યો પાસેથી શીખ: જે રાજ્યોએ સ્વાસ્થ્ય સેવાઓ સુધારી છે, તેમની નીતિઓ અપનાવવી.
જો સરકાર આ દિશામાં ઝડપથી પગલાં નહીં ભરે તો ગુજરાતની સ્વાસ્થ્ય વ્યવસ્થા માત્ર આંકડાઓમાં જ નહીં, વાસ્તવમાં પણ ખાડે જશે. સમય ઓછો છે, હવે કાગળ પરની યોજનાઓને ધરતી પર ઉતારવાની જરૂર છે.
આ પણ વાંચો- PM મોદીએ સુનિતા વિલિયમ્સને શુભેચ્છા પાઠવી તો પવન ખેરાએ 2007ની અપાવી યાદ