
અમદાવાદમાં લૂખ્ખા તત્વોનો દિવસને દિવસે વધી રહ્યો છે. આવા તત્વો સામે પોલીસ લાચાર બની છે. કાર્યવાહી કરવાની બદલે પોલીસને વાનમાં બેસી ભાગવું પડ્યું હતુ. જેથી અમદાવાદ પોલીસની શાખ પર દાગ લાગ્યો છે. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લૂખ્ખાઓ તલવાર સાથે પોલીસને ધમકી આપી વાનમાં બેસાડી ભગાડી દે છે. આ વિડિયો અમદાવાદના રખિયાલ વિસ્તારનો છે.
રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્ત્વોએ તલવાર અને ધોકા લઈ આવી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. રખિયાલ નૂર હોટલથી થયેલી બબાલ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી. ટોળાએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયાર વડે આતંક મચાવ્યો હતો. પોલીસની ગાડી પહોંચતાં અસામાજિક તત્ત્વોએ પોલીસકર્મીને હથિયાર બતાવી ગાડીમાં બેસાડી બગાડી દીધા હતા. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રાતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બેથી વધુ લોકોની ધરપકડ
હાલ આ પોલીસ બેડાંમાં ચકચાર મચાવનાર આ ઘટનામાં 2થી વધુ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કેટલાંક લોકો હજુ પણ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ બનાવ કયા કારણે બન્યો તેનું ચોક્કકસ કારણ બહાર આવ્યું નથી.







