
- અમેરિકામાં ગેરકાયદે રહેતા 4200 ભારતીયો વિરૂદ્ધ ચાલી રહી છે તપાસ: ED
અમેરિકામાં ગેરકાયદે રહેતા લગભગ 4200 ભારતીયો વિરુદ્ધ તપાસ કાર્યવાહી ચાલી રહી હોવાનું એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે જણાવ્યું છે. ગુજરાત અને પંજાબ સ્થિત એજન્ટ્સ વિરુદ્ધ પણ તપાસ ચાલી રહી છે.
અમેરિકામાંથી ગેરકાયદે રહેતાં ભારતીયોના દેશનિકાલ મુદ્દે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકા ગેરકાયદે મોકલવામાં આવેલા લગભગ 4200 શકમંદ ભારતીયો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. જેમાં નિયમિતપણે વિવિધ રૂટ મારફત ગેરકાયદે અમેરિકા મોકલતાં ગુજરાત અને પંજાબના એજન્ટ્સ વિરુદ્ધ પણ તપાસ ચાલી રહી છે.
ઈડીને 4000 જેટલા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા છે. જેમાં ભારતીયોને કેનેડા મોકલી બાદમાં ત્યાંથી અમેરિકાની સરહદ પાર કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
એજ્યુકેશન રૂટનો ઉપયોગ કરીને અમેરિકામાં પ્રવેશ
ઈડીએ શોધી કાઢ્યું છે કે, ઘણા એજન્ટ અમેરિકામાં ગેરકાયદે સ્થાયી થવા માટે એજ્યુકેશન રૂટ અપનાવી રહ્યા છે. જેમાં ભારતીયોને કેનેડાની કૉલેજોમાં એડમિશન અપાવે છે. એડમિશનના આધારે તેઓ કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવી કેનેડાની ધરતી પર ઉતરે છે. પરંતુ બાદમાં તેમને થોડા જ મહિનામાં ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરાવવામાં આવે છે.
આ પણ વાંચો- મિલ્કીપુર પેટાચૂંટણી: ઉત્તર પ્રદેશની મિલ્કીપુર સીટ પર કોણ આગળ અને કોણ પાછળ?
કેનેડાના ડેટા અનુસાર, ગતવર્ષે સ્ટુડન્ટ વિઝા પર આવેલા 20,000 ભારતીય વિદ્યાર્થીઓ ગુમ છે, અર્થાત્ તેઓ ક્યારેય કેનેડાની કૉલેજમાં ગયા જ નથી.
ઈડીને તપાસમાં જાણવા મળ્યું છે કે, કેનેડાની કૉલેજોમાં ચૂકવવામાં આવતી ફી માટે ફોરેન રેમિટન્સ સર્વિસ પ્રદાન કરતી ફાયનાન્સિયલ સર્વિસ કંપની ઈબિક્સકેશનો ઉપયોગ થાય છે. જેના ડેટા અનુસાર, કેનેડાની કૉલેજમાં 7 સપ્ટેમ્બર, 2021થી માંડી 9 ઓગસ્ટ, 2024 દરમિયાન કુલ 8500 ટ્રાન્ઝેક્શન થયા છે. જેમાં અડધાથી વધુ ટ્રાન્ઝેક્શન ગુજરાતમાંથી છે. આ 8500 ટ્રાન્ઝેક્શનમાંથી 4300 ટ્રાન્ઝેક્શન ડુપ્લીકેટ રહ્યા છે. એક જ વ્યક્તિ દ્વારા બે વખત ટ્રાન્ઝેક્શન થયા હોવાનો પણ રિપોર્ટ મળ્યો છે.આ લોકોને કેનેડાથી માર્ગ પરિવહન દ્વારા અમેરિકા મોકલવામાં આવ્યા હોવાની શંકા છે.
અમેરિકા જવા ઇચ્છુકો પાસેથી કમિશન પેટે રૂ. 40-50 લાખ વસૂલી અમેરિકા ગેરકાયદે પહોંચાડવામાં આવે છે. જેમાં કેનેડાની કૉલેજમાં એડમિશન અપાવી ફી ભરવામાં આવે છે. પ્રવેશ મેળવ્યા બાદ ક્લાયન્ટ કેનેડા પહોંચે એટલે તેનું એડમિશન રદ કરાવી ફીનું રિફંડ મળે છે. પરંતુ વિઝા પર કોઈ અસર થતી નથી. જેમાં એજન્ટ દ્વારા ક્લાયન્ટનું એક એકાઉન્ટ ખોલવામાં આવે છે. જેમાં ચોક્કસ રકમ જમા કરી ફિક્સ્ડ ડિપોઝિટ પણ કરે છે. જેની મદદથી તે ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ ખોલાવે છે અને બાદમાં ઈબિક્સ મારફત રૂપિયા મોકલે છે. એડમિશન પાછું ખેંચાય એટલે ઓવરડ્રાફ્ટ એકાઉન્ટમાં રિફંડ જમા થાય છે. બાદમાં આ રિફંડ થર્ડ પાર્ટીના એકાઉન્ટમાં જમા કરાવી ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે.
ઈડીએ જાન્યુઆરી, 2023માં ગુજરાત પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆરના આધારે તપાસ હાથ ધરી હતી. આ ફરિયાદમાં ગુજરાતના એક પરિવારના ચાર લોકો કેનેડાથી અમેરિકા જતી વખતે ઠંડીમાં બરફ બની જતા મૃત્યુ પામ્યા હતા. તે દરમિયાન વધુ સાત ભારતીયો પણ અમેરિકા ઘૂસવાનો પ્રયાસ કરતાં ઝડપાયા હતા.
આ પણ વાંચો-દિલ્હી ચૂંટણી: ન સમજાય એ રીતે ભાજપની જીતની તરફેણમાં લોકમત ઉભો કરાયો