
Kutch: કચ્છના માંડવી તાલુકા પંચાયતની રીવ્યુ બેઠકમાં ગામની તકલીફો સાથે આવેલા સરપંચ પ્રતિનિધિઓને DDO ઉત્સવ ગૌતમે Get Out કહી દેવાનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને આ મામલે સોશિયલ મિડિયામાં લોકો જુદી જુદી પ્રતિક્રિયા આપી રહયા છે.
વાત જાણે એમ છે કે માંડવી તાલુકા પંચાયત કચેરીના પ્રથમ માળે જિલ્લા વિકાસ અધિકારી (DDO) ઉત્સવ ગૌતમની અધ્યક્ષતામાં સરપંચો અને તલાટીઓની રિવ્યુ બેઠક ચાલી રહી હતી તે દરમિયાન અચાનક સરપંચ જૂથના કેટલાક પ્રતિનિધિઓએ ગ્રામ વિકાસ અંગે રજૂઆત કરવા દેવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો અને આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આ સમયે ટીડીઓ સહિતના અધિકારીઓએ સરપંચ પ્રતિનિધિઓને સમજાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ત્રણ કલાક ચાલેલી આ માથાકૂટ બાદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને પોલીસ ઘેરા સાથે બહાર લાવવામાં આવ્યા હતા.આ દરમિયાન ભારે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.
અધિકારીઓની તુમાખી તો જુઓ.
વાત છે માંડવીની,જ્યાં તાલુકા પંચાયત રીવ્યુ બેઠકમાં ગામની તકલીફો સાથે આવેલા સરપંચ પ્રતિનિધિઓને DDO સાહેબે Get Out કહી દીધું.
પછી તો ગામના લોકો ચેમ્બરની બાહર જ બેસી ગયા.
DDO ને પોલીસ પ્રોટેક્શન સાથે નીકળવું પડ્યુ. pic.twitter.com/HtfYRYia07
— Janak Dave (@dave_janak) October 8, 2025
DDO ઉત્સવ ગૌતમે મીડિયા સાથેની પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે, રાજ્ય નાણાં પંચ દ્વારા તાલુકાના વિકાસ માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. રાજ્યના કુલ 269 તાલુકાઓમાં આવી ગ્રાન્ટ અપાય છે, તેમ છતાં માંડવી તાલુકો વિકાસ ખર્ચમાં બોટમ-10માં આવે છે આ દર્શાવે છે કે અહીં વિકાસ થઈ રહ્યો નથી પરિણામે ઓછા ખર્ચ થવા પાછળના કારણો જાણવા અને તેમાં સુધાર લાવવાના પ્રયાસરૂપે સરપંચ અને તલાટીઓ સાથે આ ખાસ રિવ્યુ બેઠક યોજાઈ હતી તેઓએ આક્ષેપ કર્યો હતો કે બેઠક દરમિયાન કેટલાક એવા લોકો પણ હાજર હતા જેઓ સરપંચ નહોતા અને આવા લોકોને જ બેઠકમાંથી બહાર જવા વિનંતી કરાઈ હતી,જેના પ્રતિસાદમાં તેઓ બહાર પણ નીકળી ગયા હતા પણ તે વાતને મુદ્દો બનાવાયો છે.
DDOએ વધુમાં જણાવ્યું કે, બેઠકમાં ગ્રાન્ટ ક્યાં ખર્ચ કરાઈ અને ખૂટતી કડીઓ અંગે પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. જોકે, ત્રણ કલાક ચાલેલી બેઠક સમયે નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કરી માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આખરે મિટિંગ ટૂંકાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે ભુજ જવા નીકળી જવું પડ્યું હોવાની વાત કરી હતી.
બીજી તરફ સરપંચ પ્રતિનિધિઓએ પોતાને અન્યાય થઈ રહ્યો હોવાનો અને તેમની રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવીએ DDO દ્વારા સરપંચ સંગઠન અને તાલુકાના સદસ્યોનું અપમાન કરાયું હોવાની રજૂઆત કરી હતી.
માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવીએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યુ કે તેઓ અને કારોબારી ચેરમેન વિક્રમસિંહજી DDO ને આવકારવા ગયા, ત્યારે તેમને “બહાર નીકળી જાવ” તેમ કહી અપમાનિત કરવામાં આવ્યા હતા.
તેઓએ કહ્યું કે આ બેઠકમાં 50થી વધુ સરપંચો હાજર રહ્યા હતા અને જે સરપંચો કોઈ કારણસર પહોંચી શક્યા ન હતા, તેમણે ગ્રામ પંચાયતના હોદ્દેદારો, ઉપસરપંચો કે સદસ્યોને પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા. DDO એ આ સરપંચો અને પ્રતિનિધિઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને તેમને “ગેટ આઉટ, અહીંથી નીકળી જાઓ” તેમ કહેતા જ મામલો તંગ બન્યો હતો અને ત્યારબાદ DDO પોલીસ બંદોબસ્ત બોલાવીને તાલુકા પંચાયત કચેરી છોડીને જતા રહ્યા હતા.
આમ,આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો:
Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ
પવન સિંહે મારો ગર્ભપાત કરાવ્યો, મને ગોળીઓ ખડાવી, ભોજપુરી સ્ટારની પત્નીના ગંભીર આરોપ | Pawan Singh’
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?








