
ભાવનગર LCBની ટીમે બાતમી આધારે વલભીપુર તાલુકાના ચોગઠ રોડ પરથી ઇંગ્લિશ દારૂ-બિયર ભરેલા ટેન્કર સાથે રાજસ્થાનના મારવાડી યુવાનની ધરપકડ કરી છે અને આ અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૂછપરછમાં બહાર આવ્યું છે કે હરિયાણાથી લિક્વિડ એરના ટેન્કરમાં 53 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો અનુસાર ગતરોજ LCBની ટીમ વલભીપુર પંથકમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આધારભૂત બાતમી મળી હતી કે હરિયાણા તરફથી એક ટેન્કરમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરી રંઘોળા તરફ આ ટેન્કર ટ્રક જવાનું છે, જે માહિતી આધારે LCBના જવાનો ચોગઠ રોડ પર વોચમાં હોઇ એ દરમિયાન બાતમીવાળું ટેન્કર(HR-65-A-0497 )આવતા તેને અટકાવી ચાલકને બહાર બોલાવી નામ સરનામું પૂછવા સાથે ટેન્કરની તલાસી હાથ ધરી હતી.
હરિયાણાથી દારૂ મોકલાયો
ઝડપાયેલા ઈસમે પોતાનું નામ કરનારામ જયરૂપરામ કાલર (ઉ.વ.22 રહે.ગાંધકવકલા ગામ તા.ગુડમાલાની જી. બાડમેર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું તથા ટેન્કરમાંથી વિના પાસ-પરમિટે ઇંગ્લિશ દારૂની 570 બોક્સ બોટલ નંગ 15126 તથા બિયરની 84 બોક્સ ટિન નંગ 2016 મળી આવ્યા હતા. સાથે જ ટેન્કર મળી કુલ 53,18,240નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ચાલકની સઘન પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર જિલ્લાના બાબેર ગામના રાજેશ આસુરામ રાણા તથા હનુમાનગઢ રાજસ્થાનના રાજુ જાટ નામના શખસોએ આ દારૂનો જથ્થો હરિયાણાથી લોડ કરી આપ્યો હતો અને ઉમરાળા તાલુકાના રંઘોળા ગામના બૂટલેગરને આ દારૂ બિયરની ડિલેવરી આપવાની હોવાનું જણાવ્યું હતું.
હાલ પોલીસે ઝડપાયેલા ચાલક કરનારામ તથા દારૂ મોકલનાર રાજેશ અને રાજુ સહિત રંઘોળાના અજાણ્યા બૂટલેગર વિરુદ્ધ ઉમરાળા પોલીસ નોંધી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
આ સમાચર પણ વાંચોઃ અમદાવાદમાં નોંધાયો વધુ એક HMPV વાયરસનો કેસ, આરોગ્યમંત્રીએ કર્યા વાતોના વડા?