
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. આજે માઘી પૂર્ણિમા છે. ત્યારે અહીં લાખોની સંખ્યામાં ભક્તો ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવા પહોંચ્યા છે. એવા સમાચાર મળી રહ્યા છે કુંભ મેળામાં એક ગુજરાતીનું મોત થયું છે. મહાકુંભમાં સ્નાન કરવા ગયેલા નવસારીના યુવકનું ડૂબી જવાથી કરુણ મોત થયું છે. મોતના સમાચાર મળતાં પરિવારમાં ભારે આક્રંદ છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી કુંભ મેળામાં સ્નાન કરવા ગયેલા એક યુવકનું મોત નિપજ્યું છે. રાણી ફળિયામાં રહેતા 35 વર્ષીય વિવેક પટેલ હરિદ્વારમાં કુંભ મેળામાં પવિત્ર સ્નાન માટે ગયા હતા. સ્નાન દરમિયાન તેમને અચાનક ચક્કર આવતા તેઓ પાણીમાં ઢળી પડતાં ડૂબી ગયા હતા.
સ્થાનિક લોકો અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને વિવેક પટેલને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડૉક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં વાંસદામાં રહેતા તેમના પરિવારજનો ભારે શોકમાં ગરકાવ થઈ ગયા છે. હાલ મૃતદેહ વતન લાવવા તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃMahesana: અમૂલના નામે વેચાતું બનાવટી ઘી ઝડપાયું, 35 લાખનો જથ્થો જપ્ત





