
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરાઈ હતી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી પડાયું છે. આ મામલે સ્થાનિકો તેમજ દલિત સમાજમાં ભારે રોષની લાગણી પ્રસરી ગઈ છે. બીજા દિવસે પણ લોકો ધરણા ચાલુ રાખી ખોખરા બંધનું એલાન કર્યું છે. સાથે જ આરોપીની ઝડપી પાડવા માગ કરી છે. લોકો રસ્તાઓ પર ઉતર્યા છે. હાલ 100થી વધુ લોકોના ટોળાઓએ સ્થાનિક રાધે મોલને પણ બંધ કરાવ્યો છે.
રેલી દરમિયાન વૃદ્ધાની તબિયત લથડી
ખોખરા બંધ કરાવ્યા બાદ લોકોના ટોળા જયંતિ વકીલની ચાલી ખાતે પાછા આવી ગયા છે. આ વિરોધ પ્રદર્શની રેલીમાં એક વૃદ્ધાની તબિયત બગડતાં ઊંચકીને ઘર સુધી લઈ જવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ અંગે આપેલા વિવાદસ્પદ નિવેદન બાદ સમગ્ર ભારતમાં રોષ ફાટી નિકળ્યો છે. ગૃહમંત્રી વિરુધ્ધ આવેદનો આપવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ગઈકાલે અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા. શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતિ વકીલની ચાલી બહાર આવેલી આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી નાખવામાં આવી હતી. આ પછી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા, ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરાયાનું જણાઈ આવ્યું હતુ. નુકસાન અને અપમાન કરવામાં આવ્યું હોવાને લઈને સ્થાનિક લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. કોઈ વ્યક્તિએ આ પ્રતિમાને નુકસાન કર્યો હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આજે બીજા દિવસે પણ લોકો માગ કરી રહ્યા છે આરોપીની જલ્દીમાં જલ્દી ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે.
આરોપીઓની શોધખોળ ચાલુ
આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ડિવિઝનના ACP કૃણાલ દેસાઈ જણાવવામાં આવ્યું હતું કે અજાણ્યા લોકો દ્વારા બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ અને ખંડિત કરવામાં આવી છે ત્યારે અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસની અલગ અલગ ટીમો બનાવી તે અસામાજિક તત્વોને પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.