
સરકાર GST અંગે મોટી યોજવા બનાવા જઈ રહ્યું છે. જેથી મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા લોકોને રાહત મળી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ટૂંક સમયમાં GSTમાં મોટી રાહત આપવામાં આવી શકે છે અને કેન્દ્ર સરકાર GST દરોમાં ઘટાડો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર GST સ્લેબમાં ફેરફાર કરવાનું ગંભીરતાથી વિચારી રહી છે અને 12 ટકા GST સ્લેબ હવે ઘટીને 5 ટકા થઈ શકે છે.
12% ને બદલે 5% સ્લેબ માટેની તૈયારી
મિડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર એવી ચીજવસ્તુઓ પર GST માં રાહત આપી શકે છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં થાય છે અને 12% GST ટેક્સ સ્લેબ હેઠળ આવે છે. સરકાર હવે વિચારી રહી છે કે આવી મોટાભાગની ચીજવસ્તુઓને 5% ટેક્સ સ્લેબમાં ટ્રાન્સફર કરી શકે છે અથવા તેના પર લાગુ 12% સ્લેબને નાબૂદ કરી શકાય છે. નોંધનીય છે કે રોજિંદા જીવનમાં વપરાતી મોટાભાગની વસ્તુઓ આ સ્લેબમાં આવે છે.
કપડાંથી લઈને સાબુ સુધી, બધું સસ્તું થઈ શકે
GST કાઉન્સિલની આગામી 56મી બેઠકમાં આ અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે અને GST કાઉન્સિલની આ બેઠક આ મહિને જ થઈ શકે છે. જો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે તો જૂતા, ચંપલ, મીઠાઈ, કપડાં, સાબુ, ટૂથપેસ્ટ અને ડેરી ઉત્પાદનો જેવી ઘણી વસ્તુઓ જે અત્યાર સુધી 12% સ્લેબમાં આવતી હતી તે સસ્તી થઈ શકે છે. આ ઉપરાંત, ચીઝ, ખજૂર, સૂકા ફળો, પાસ્તા, જામ, પેકેજ્ડ ફળોનો રસ, નમકીન, છત્રી, ટોપી, સાયકલ, લાકડાનું ફર્નિચર, પેન્સિલ, શણ કે કપાસમાંથી બનેલા હેન્ડબેગ, શોપિંગ બેગ પણ તેમાં સામેલ છે.
ભારતમાં GST ના કેટલા સ્લેબ છે?
વર્ષ 2017 માં દેશમાં GST લાગુ કરવામાં આવ્યો હતો અને તેને છેલ્લા કાર્યકારી દિવસે, 1 જુલાઈના રોજ 8 વર્ષ પૂર્ણ થયા છે. દેશમાં GST દરો GST કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ તેમાં ફેરફાર અંગેના કોઈપણ નિર્ણયમાં સામેલ હોય છે. ભારતમાં GST સ્લેબ વિશે વાત કરીએ તો, હાલમાં ચાર GST સ્લેબ છે. 5%, 12%, 18% અને 28%. અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, નાસ્તો અને મીઠાઈઓ ઉપરાંત, સોના-ચાંદી અને અન્ય તમામ ચીજવસ્તુઓને વિવિધ શ્રેણીઓ અનુસાર આ ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે.
સરકારે સ્લેબ ખતમ કરવાના પહેલેથી સંકેત આપ્યા હતા
GST મોરચે મોટી રાહતના સંકેતો સરકાર તરફથી પહેલાથી જ મળી રહ્યા છે. માર્ચ મહિનામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કહ્યું હતું કે GST ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી GST દરો વધુ નીચે આવશે. ત્યારથી GST ટેક્સ સ્લેબમાં ફેરફારની અપેક્ષા હતી અને હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આગામી કાઉન્સિલની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.