
One more Gujarati devotee dies Mhakumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયેલી ભાગદોડમાં 30થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં એક મહેસાણા જીલ્લાના વિસનગરના કડા ગામના એક વ્યક્તિનું મોત થયું હતુ. ત્યારે આજે રાજકોટનાં વધુ એક શ્રદ્ધાળુનું મોત થયું છે. જેથી તા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
રાજકોટમાં રહેતાં PGVCL કોન્ટ્રેક્ટરનું મોત
રાજકોટ બજરંગવાડી વિસ્તારમાં રહેતા PGVCL કોન્ટ્રેક્ટર 53 વર્ષીય કિરીટસિંહ રણજિતસિંહ રાઠોડ તેમનાં પત્ની અને મિત્ર દંપતી સાથે મહાકુંભમાં ગયા હતા, જ્યાં અચાનક તેમને શ્વાસ ચડતાં રાયબરેલી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ.
મૃતદેહ એમ્બ્યુલન્સમાં રાજકોટ લાવાયો હતો
મૃતદેહને ગઈકાલે એમ્બ્યુલન્સ મારફત રાજકોટ લાવવામાં આવ્યો હતો અને અંતિમયાત્રામાં સમાજના અગ્રણીઓ તેમજ PGVCLના સાથીકર્મચારીઓ જોડાયા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવાર આઘાતમાં છે.
ઉત્તર પ્રદેશનાં પ્રયાદરાજ ખાતે એક મહિના સુધી ચાલનારા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.
અગાઉ મહેસાણા જીલ્લાના વતનીનું થયું હતુ મોત
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સંગમ કિનારે બુધવારે (29 જાન્યુઆરી) થયેલી નાસભાગમાં મહેસાણા જિલ્લાના વિસનગરના કડાના પટેલ મહેશભાઈ સોમાભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું મોત થયું હતુ. તેમનો મૃતદેહ તેમના વતન લાવી સિદ્ધપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. ત્યારે હવે વધુ એક ગુજરાતીનું મોત થયું છે.