
P.T. Jadeja Arrested: ક્ષત્રિય સમાજના આગેવાન પી ટી જાડેજાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાન પી ટી જાડેજાની અટકાયત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પી ટી જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
પી ટી જાડેજા પાસામાં પુરાયા
મળતી માહિતી મુજબ ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઓળખાતા પી.ટી જાડેજાને પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી તેમને સાબરમતી જેલ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબત બોલાચાલી કરીને એક વ્યક્તિને ધમકી આપવામાં આવી હતી જેની ઓડિયો ક્લિપ વાયરલ પણ થઈ હતી. આ મામલે રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.
પીટી જાડેજાને પાસામાં ધકેલાતા ક્ષત્રિય આગેવાનોમાં ભારે રોષ #Rajkot #ptjadeja #arrest #PASA #KshatriyaSamaj #rajkotcitypolice #Gujarat #thegujaratreport pic.twitter.com/oJwfKu2cGR
— The Gujarat Report (@TGujarat_Report) July 5, 2025
પી.ટી જાડેજાની ધરપકડ મુદ્દે ક્ષત્રિય આગેવાનોનો રોષ
ક્ષત્રિય સમાજના આંદોલન વેળાએ ચર્ચામાં રહેલા પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરતા ક્ષત્રિય સમાજના કાર્યકરો અને આગેવાનો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા અને આ કાર્યવાહી મામલે રોષ વ્યક્ત કર્યો હતો.
ક્ષત્રિય આગેવાનની સરકારને ચીમકી
આ મામલે ક્ષત્રિય આગેવાન જયેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું સરકારે ઉતાવળિયું અને ખોટું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે એવી પણ ચીમકી આપી છે કે, સરકાર સામે ક્ષત્રિયોને જે વાંધો હતો તે બધું હવે ઠંડુ થઈ ગયું છે તેમ છતા જો સરકાર આવા પગલાં લેશે તો ક્ષત્રિય અને રાજપૂત સમાજ સામે સરકારને કાયમી વાંધો થશે. તેમજ સરકારને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.








