
Pakistan-CDF:પાકિસ્તાનમાં ફીલ્ડ માર્શલ આસિમ મુનીર આખરે પોતાનો મનસૂબો પાર પાડવામાં સફળ થઈ ગયા છે તેઓ હવે પાકિસ્તાનના પાવરફૂલ વ્યક્તિ બની ગયા છે.
પ્રમુખ આસિફ અલી ઝરદારીએ ગુરૂવારે ફીલ્ડ માર્શલ આસિમ મુનીરને દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ ફોર્સેઝ (CDF) નિયુક્ત કરવાની સત્તાવાર મંજૂરી આપી દેતા હવે તેઓને આ પદ પાંચ વર્ષના કાર્યકાળ માટે આપવામાં આવ્યું છે. આ વર્ષે અસીમ મુનીરને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી.તેઓ હવે સીડીએફ તરીકેની ફરજો ઉપરાંત આર્મી ચીફનું પદ પણ સંભાળશે જેઓ હવે આજીવન યુનિફોર્મમાં રહેશે અને ધરપકડથી સંપૂર્ણ મુક્તિ મેળવશે જોકે આ સત્તા સામે વિપક્ષ અને તેમાંય ખાસ કરીને જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના પક્ષ તરફથી આકરી ટીકા થઇ છે તેઓનું કહેવું છે કે આટલી વ્યાપક સત્તાઓ અને રક્ષણ આપવાથી લોકશાહી માળખાને નુકસાન થઈ શકે છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન શાહબાઝ શરીફ દ્વારા મુનીરને ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) અને ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ (CDF) બંને તરીકે નિયુક્ત કરવાની ભલામણને મંજૂરી આપવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને પાકિસ્તાનની સંસદમાં 27મો બંધારણીય સુધારો પસાર કરવામાં આવ્યો હતો,જેમાં CDF પદની રચના કરવમાં આવી હતી.
આ પદનો મુખ્ય હેતુ દેશના સંરક્ષણ માળખામાં કમાન્ડની એકતા સુનિશ્ચિત કરવા સહિત ગંભીર પરિસ્થિતિઓમાં ઝડપી નિર્ણય લેવાની સત્તા આપવાનો છે.દરમિયાન,હવે CDFનું પદ જોઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ કમિટી (CJCSC)ના અધ્યક્ષ પદનું સ્થાન લેશે,જે હવે નાબૂદ કરવામાં આવ્યું છે.ઝરદારીએ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુને શુભેચ્છા પાઠવી હતી.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુના સેવામાં બે વર્ષના વિસ્તરણને પણ મંજૂરી આપી, જે 19 માર્ચ, 2026 થી અમલમાં આવશે.આમ,આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાન સશસ્ત્ર દળોના બંને અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







