
પોલીસ લોકોની સેવા માટે નહીં પણ અરાજકતાં ફેલવા ફરજ બજાવતી હોય તેવા દ્રશ્યો આણંદ જીલ્લાની એક પોલીસ ચોકીમાં સર્જાયા છે. જ્યાં પોલીસકર્મીઓ દ્વારા જ ફરિયાદીને માર મરતો હોવાનો વિડિયો વાઈરલ થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આવા પોલીસકર્મીઓ વિરુધ્ધ કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે. હાલ આ મામલે DYSPએ તપાસ હાથ ધરાઈ છે.
ફરિયાદીના કાનમાંથી વહી ગયું લોહી
આણંદ જીલ્લાના ગામડી ગામે આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં પોલીસકર્મીઓએ અકસ્માતની ફરિયાદ નોંધાવવા ગયેલા ઈસમને માર માર્યો હોવાનો વિડિયો વાઈરલ થઈ રહ્યો છે. 3થી 4 પોલીસકર્મીઓએ ગોળો બોલી મારમાર્યો હોવાના આક્ષેપ થયા છે. પોલીસકર્મીઓએ લાફા મારતાં શખ્સના કાનમાંથી લોહી નીકળ્યું હતું. આ ઈજાગ્રસ્ત શખ્સ હાલ વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ આ અંગે DYSPએ વાઈરલ વીડિયો બાબતે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે.
ફરિયાદીને ખસેડવા પડ્યા સારવાર માટે
આણંદના ગામડીમાં આવેલા ત્રિકમનગર વિસ્તારમાં રહેતાં 40 વર્ષીય અશોકભાઈ ચૌહાણના ભાઈને ગઈકાલે અકસ્માત થયો હતો. જેથી આ અકસ્માત સર્જનાર ટેમ્પીચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા માટે અશોકભાઈ ગામડી પોલીસ ચોકીમાં ગયાં હતાં. દરમિયાન પોલીસમથકમાં હાજર ત્રણ-ચાર પોલીસકર્મીઓએ અપશબ્દો બોલી અશોકભાઈને મારમાર્યો હતો. પોલીસકર્મીઓએ ઉપરાઉપરી લાફા મારતાં અશોકભાઈના કાનમાંથી લોહી નીકળ્યું હતું. ઈજાગ્રસ્ત અશોકભાઈને તાત્કાલિક સારવાર અર્થે આણંદ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે ઘટના અંગે શું કહ્યું?
આ ઘટના અંગે DYSP જે.એન.પંચાલે કહ્યું: આક્ષેપો તેમજ વાઈરલ વીડિયો બાબતે હાલ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં સત્યતા જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓને મોટી ભેટ, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી