
ગુજરાતમાં વારંવાર લોકો બેફામ કાર ચલાવતાં ઝડપાઈ રહ્યા છે. જેમાં કેટલાંય નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. અમદાવાદનો તથ્યકાંડ હોય કે વડોદરાનો રક્ષિતકાંડ. છેલ્લે નિર્દોષ લોકોનો જ જીવ ગયો છે. ત્યારે હવે રાજકોટમાંથી આવી જ એક ઘટના રવિવારે(16 માર્ચ) બની છે. જેમાં એક બેફામ આવતી કારે એક બાળકી સહિત ત્રણ લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. જ્યારે બાળકી અને અન્ય એકની ગંભીર હાલતમાં સારવાર થઈ રહી છે. આ ઘટના રાત્રે 10 થી 11 વાગ્યાની આસપાસ બની છે.
ગત મોડી રાત્રે રાજકોટના મવડી મેઇન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક ઋત્વિચ પટોળીયા નામના કારચાલકે અકસ્માત સર્જયો હતો. આ નબીરાએ પેટ્રોલ પૂરવા જતાં ડેરી માલિક 69 વર્ષીય પ્રફુલ ઉનડકટની એક્ટિવા અને બાઇક પર સવાર આધેડ આયુષ ડોબરીયા અને તેમની સાથે 12 વર્ષની ભત્રીજીને અડફેટે લીધા હતાં. તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, જેમાં સારવાર દરમિયાન પ્રફુલ ઉનડકરનું મોત નિપજ્યું છે, જ્યારે બાઈક પર જતાં આયુષ ડાબેરિયા અને તેમની ભત્રીજી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, 12 વર્ષની બાળકીને અકસ્માતના કારણે માથામાં હેમરેજ થયું છે.
કારચાલક યુવકે નશો કર્યો હતો!
નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ, કારની સ્પીડ 100થી 120 હતી, અને કારચાલક યુવકે નશો કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે. હાલ માલવિયાનગર પોલીસે કારચાલકની અટકાયત કરી લીધી છે. પોલીસે આરોપી ડ્રાઇવર ઋત્વિચ રમેશભાઇ પટોળીયા અને તેની સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટકને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death
આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ







