
■ રાજકોટના જંગલેશ્વર-નાડોદા નગરમાં લોકોને તેમના મકાનો ખાલી કરી દેવા જણાવતા ગરીબ પરિવારોમાં વ્યથા
Mega Demolition: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવ્યા બાદ ગઈ તા.18 ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેર કરાયું કે, આગામી તા.23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1492 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે.
આ મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાય તે પહેલાં અહીં વસવાટ કરતા પરિવારોને તેમના મકાનો ખાલી કરવા જણાવી દેવામાં આવ્યું છે અને આજે અહીં તંત્રના માણસો દ્વારા પોલીસની હાજરીમાં લોકોને આખો દિવસ સમજાવવાનું શરૂ થયું છે.
ડીમોલેશન માટે તમામ વિભાગો સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વિસ્તારના લોકોને પણ બે દિવસમાં જાતે જ મકાનો ખાલી કરી દેવા માટે અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે, અન્યથા કોઈ જાનમાલ નુકશાન થાય તો તંત્રની જવાબદારી રહેશે નહીં તેવુ પણ જણાવી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ઘર છોડવાની વ્યથા જોવા મળી રહી છે અને કેટલાક ઘર ખાલી નહિ કરીએ તેમ જણાવતા ઘર્ષણ ટાળવા મોટો પોલીસ કાફલો સાથે રાખી ડીમોલેશન કામગીરી હાથ ધરાનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે.વિગતો મુજબ રાજકોટના જંગલેશ્વરની 78 સોસાયટીઓ સહિત આસપાસના લગભગ 1400થી વધુ ગેરકાયદેસર બાંધકામો હઠાવવા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સાબધું બન્યું છે.
આ કામગીરીના ભાગરૂપે આજે ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં કોર્પોરેશન અને પોલીસ ખાતાના લગભગ 2000થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ભેગા થયા છે. જેમાં કોર્પોરેશનના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા, વિજિલન્સ સમિતિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ આજે 21 ફેબ્રુઆરીને શનિવારે 7 રૂટમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને ઘર ખાલી કરવા સમજાવવામાં આવશે. આજે સવારથી શરૂ થયેલી આ કામગારી સાંજના 6 વાગ્યા સુધી ચાલનાર છે.આ સૌથી મોટા ડીમોલેશનને લઈ અહીં વસતા સેંકડો પરિવારોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડીમોલેશન માટે તંત્રનું કહેવું છે કે પ્લાન્ડ રોડ નેટવર્કને ખુલ્લું કરવાના ઉદ્દેશ્ય સિવાય ચોમાસા દરમિયાન નદીના પટમાં પાણી ભરાવાથી રેસ્ક્યુ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ થતી હતી, તેથી ભવિષ્યમાં પૂર સહિતની કોઈ હોનારત સમયે જાન-માલનું નુકસાન અટકાવી શકાય તે માટે પ્રિવેન્ટિવ પગલના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.
ડીમોલેશન અગાઉ PGVCL સહિતના અન્ય સરકારી વિભાગો સાથે પણ સંકલન થઈ ગયું છે,જેથી લાઈટના થાંભલા સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર હટાવી શકાય.ડીમોલેશન અગાઉ તમામ દબાણકર્તાઓને નોટિસ આપી દેવામાં આવી છે જોકે,અહીંના બેઘર લોકોનું શુ થશે? તે સવાલ વચ્ચે તંત્ર એવા લોકોને મકાન આપશે જેઓ સરકારી સ્કીમ હેઠળ પાત્રતા ધરાવતા હોય. આવા નાગરિકોને અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે જોકે,બાકીના ક્યાં જશે તે જાણી શકાયું નથી પણ 23મીએ અમદાવાદ બાદ રાજકોટનું આ સૌથી મોટું ડીમોલેશન થવા જઈ રહ્યું છે ત્યારે સ્થાનિકો ફફડી ઉઠ્યા છે.








