
Rajkot: રાજકોટની સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઈને કોઈ કારણસર વિવાદમાં રહેતી હોય છે અહીં સામાન્ય માણસ તો ઠીક પણ જાણીતી હસ્તીઓનો પણ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થતો હોય છે. ત્યારે આજે ફરી એક વાર રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. હકાભા ગઢવી બાદ હવે મીરાબેન આહીર નામના લોકસાહિત્યકારને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રનો કડવો અનુભવ થયો છે.
સિંગર મીરાબેન આહિરને સિવિલનો થયો કડવો અનુભવ
જાણીતા લોકસાહિત્યકાર અને ગાયિકા મીરાબેન આહીરે હોસ્પિટલના તંત્ર અને સ્ટાફની કામગીરી સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મીરાબેને તેમના ભાઈની સારવાર માટે હોસ્પિટલમાં થયેલા કડવા અનુભવને સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા જાહેર કર્યો છે, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા સમય અગાઉ અન્ય લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ પણ આ હોસ્પિટલના સ્ટાફના વર્તન અને સેવાઓની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે હોસ્પિટલની કામગીરી પર અગાઉ પણ પ્રશ્નો ઉભા થયા હતા.
45 મિનિટ રાહ જોવી પડી, કોઈએ કેસ ન લીધો : મીરાબેન આહીર
મીરાબેન આહીરે તેમના વાયરલ વીડિયોમાં જણાવ્યું કે, તેઓ તેમના ભાઈની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ગયા હતા. જોકે, 45 મિનિટ સુધી રાહ જોવા છતાં કોઈ ડોક્ટર કે સ્ટાફે તેમના ભાઈનો કેસ લીધો ન હતો. મીરાબેનનો આક્ષેપ છે કે, ઈમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટરો અને સ્ટાફે ન માત્ર ગેરવર્તન કર્યું, પરંતુ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો. વધુમાં, તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે હોસ્પિટલના સ્ટાફે તેમને કહ્યું, “નથી દાખલ કરવો, તારાથી જે થાય એ કરી લે.” આવા અભદ્ર વર્તન અને ઉદાસીન વલણથી આઘાત પામેલા મીરાબેને આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો અને હોસ્પિટલ તંત્ર પાસે આ મુદ્દે જવાબ માગ્યો છે.
રાજકોટનું નફ્ફટ સિવિલ હોસ્પિટલ નું તંત્ર: સિંગર મીરાબેન આહીરે સિવિલની કામગીરીનો વીડિયો વાયરલ કર્યો, તંત્ર સામે ગંભીર આક્ષેપ!
સરકાર યોગ્ય કાર્યવાહી કરશે?@irushikeshpatel @Bhupendrapbjp@CMOGuj @dave_janak @kathiyawadiii#rajkot #rajkotcivilhospital #mirabenahir #news pic.twitter.com/NX4fU5ebqx
— Sanskar Sojitra (@sanskar_sojitra) July 28, 2025
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
મીરાબેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ઘણા યૂઝર્સે હોસ્પિટલની કામગીરી અને સ્ટાફના વર્તનની ટીકા કરી છે. એક્સ પર ઘણા યૂઝર્સે આ ઘટના અંગે પોસ્ટ કરીને સરકાર અને સંબંધિત અધિકારીઓને ટેગ કર્યા છે, જેમાં તેઓએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. એક યૂઝરે લખ્યું, “રાજકોટનું નફ્ફટ સિવિલ હોસ્પિટલનું તંત્ર: સરકાર યોગ્ય કાર્યવાહી કરશે?” આ ઉપરાંત, અન્ય યૂઝરે હોસ્પિટલની ઉદાસીનતાને “શરમજનક” ગણાવી અને દર્દીઓના અધિકારોનું રક્ષણ કરવાની માગ કરી.
હકાભા ગઢવીએ પણ કર્યા હતા આક્ષેપ
થોડા સમય અગાઉ લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલની સેવાઓ અને સ્ટાફના વર્તન સામે આક્ષેપો લગાવ્યા હતા. હકાભા ગઢવીએ હોસ્પિટલની ખરાબ સ્થિતિ અને દર્દીઓ પ્રત્યેના અણઘટ વલણની ટીકા કરી હતી, જેના કારણે હોસ્પિટલની કામગીરી ચર્ચામાં આવી હતી. હવે મીરાબેનની ફરિયાદે આ વિવાદને વધુ હવા આપી છે, અને લોકોમાં હોસ્પિટલની સેવાઓ અને વ્યવસ્થાપન પર અસંતોષ વધ્યો છે.
હોસ્પિટલની સેવાઓ પર ઉઠ્યા સવાલો
રાજકોટ સિવિલ હોસ્પિટલ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંની એક છે, જે સૌરાષ્ટ્રના લાખો લોકો માટે આરોગ્ય સેવાઓનું કેન્દ્ર છે. જોકે, વારંવાર ઉઠતી ફરિયાદો દર્શાવે છે કે હોસ્પિટલનું વ્યવસ્થાપન અને સ્ટાફનું વર્તન દર્દીઓની અપેક્ષાઓ પર ખરું નથી ઉતરી રહ્યું. ઈમરજન્સી વિભાગ, જે ગંભીર દર્દીઓ માટે જીવન-મરણનો પ્રશ્ન બની શકે છે, ત્યાં આ પ્રકારનું વર્તન અને ઉદાસીનતા ગંભીર ચિંતાનો વિષય છે. મીરાબેનના આક્ષેપો અનુસાર, સ્ટાફની અભદ્ર ભાષા અને ઉદાસીન વલણ દર્દીઓના મનોબળને તોડી શકે છે અને હોસ્પિટલ પરનો વિશ્વાસ ઘટાડી શકે છે કારણ કે જો જાણીતી હસ્તીઓ સાથે પણ આવું વર્તન થતું હોય તો સામાન્ય માણસ સાથે કેવું વર્તન કરતા હશે ?
આ પણ વાંચો:
Barabanki Stampede: યુપીમાં મંદિર પરિસરમાં વીજકરંટ ફેલાતા ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ
Sehore Ganesh Mandir: મંદિરની અંદર ખુલ્લેઆમ ગુંડાગીરી, હથિયાર સાથે ઘૂસેલા શખ્સે પૂજારીને આપી ધમકી