
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલા દર્દીના સારવાર દરમિયાનના વીડિયો યુ-ટ્યુબ પર અપલોડ કરતાં રાજ્યભરમાં હડકંપ મચી ગયો છે. મહિલાઓના ચેકઅપના વીડિયો જાહેર કરી દેવામાં આવ્યા હોવાના કારણે અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. ડોક્ટર પાસે સારવાર કરાવવા જતી મહિલાઓના ચેકઅપ દરમિયાનના સીસીટીવી ફુટેજને કોઈ યુ-ટ્યુબ પર મુકીને મહિલાઓની પ્રાઈવસીને તાક ઉપર મૂકી દીધી છે. આ શરમજકન કૃત્ય બહાર આવ્યા પછી રાજકોટ સહિત રાજ્યભરમાં એક અલગ જ પડઘો પડ્યો છે.
યુટ્યુબમાં હોસ્પિટલના વીડિયો અપલોડ કરવા મામલે ફરિયાદ નોંધાઈ છે. જો કે તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે આ વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલના તંત્રના ડોક્ટર અમિતે જણાવ્યા હતું કે તેમના સીસીટીવી કેમેરા હેક થયા છે.
ઘટના અંગે રાજકોટના ધારાસભ્યએ શું કહ્યું?
રાજકોટનાં મહિલા ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું હતું કે દરેક ડોકટર પેશન્ટ દર્દીઓની બાબત ગુપ્ત રહે એનું ધ્યાન રાખતા હોય છે. આ કોઈ લેભાગુ તત્ત્વો દ્વારા પૈસાની લાલચે આ કૃત્યુ કર્યું છે, તેઓને છોડવામાં નહીં આવે.
પ્રાઇવેટ પાર્ટ્સનું ચેકઅપ થાય ત્યાં CCTV ન રાખી શકાયઃ આરોગ્ય અધિકારી
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી આર.આર.ફૂલમાળીએ જણાવ્યું હતું કે, કોઇપણ હોસ્પિટલમાં CCTV મૂકવા હોય તો માત્ર એન્ટ્રી-એક્ઝિટ અને વેઇટિંગ લોન્જમાં રાખી શકાય. બાકી દર્દીઓના પ્રાઇવેટ પાર્ટનું એક્ઝામિન થતું હોય ત્યાં ક્યારેય સીસીટીવી મૂકી ન શકાય. આ ખૂબ જ ગંભીર બાબત છે. હોસ્પિટલના રૂલ્સમાં દર્દીઓની પ્રાઇવસી જળવાય તે ખૂબ જ જરૂરી છે. આ એક પ્રકારનો સાઈબર અપરાધ છે અને તેમાં જવાબદારો સામે આકરી કાર્યવાહી થવી જોઇએ.
જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરાશે
હવે પાપડી ભેગી ઈયળ બફાઈ તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે પાયલ સહિત જીલ્લાની તમામ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજય દ્વિવેદીએ આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક જિલ્લા આરોગ્ય અધિકારીને આ બાબતે તમામ હોસ્પિટલ જોગ એક પરિપત્ર જારી કરી ચેકિંગના આદેશ કર્યા છે. પ્રિન્સિપલ સેક્રેટરી દ્વિવેદીએ હોસ્પિટલોમાં દર્દીઓના આરોગ્યની તપાસણી થતી હોય ત્યાં CCTV ન રાખી શકાય તેવો પરિપત્ર કરવા સૂચના આપી છે. તેમજ આ પરિપત્ર કર્યા બાદ બીજા દિવસથી રાજકોટ શહેર- જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરાશે.
હોસ્પિટલના ડિરેક્ટરનો લૂલો બચાવ
હોસ્પિટના ડિરેક્ટર ડો. સંજય દેસાઈએ કહ્યું કે સીસીટીવી માત્ર કિમતી ઈન્જેક્શનોની સુરક્ષા માટે મૂક્યા હતા.
વીડિયો થકી બિઝનેસ
મળતી માહિતી અનુસાર વિડિયોનું વેચાણ કરવામાં આવતું હતુ. યુટ્યુબ પર મૂકેલા વિડિયોના હોસ્પિટલના વિભાગ પ્રમાણે ફોલ્ડર તૈયાર કર્યા હતા. બાળકના જન્મથી લઈને મહિલાઓના સીટી સ્કેન, બ્રેસ્ટ એકઝામ ચેકઅપના વીડિઓનો બિઝનેસ કરાતો હતો. યુટ્યુબમાં વીડિઓ અપલોડ કરીને ટેલિગ્રામમાં જોઈન થવાની જાહેરાત કરવામાં આવતી હતી. અને ત્યારબાદ ટેલિગ્રામ ચેનલમાં પૈસા લઈને વીડિયો અપ્લોડ કરવામાં આવતાં હતા.
આ પણ વાંચોઃ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ, 16મીએ થયું હતુ મતદાન







