
- રેપિડ ટેસ્ટમાં ખુલાસો: વડોદરામાં અકસ્માત સર્જનારાઓએ કર્યો હતો ડ્રગ્સનો નશો
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે, કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશું ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હતો. આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જણાવી દઈએ કે, નશો કર્યો છે કે નહીં તેની માહિતી પોલીસે રેપિડ ટેસ્ટ પરથી આપી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા રેપિડ ટેસ્ટમાં સામે આવ્યું છે કે, યુવકોએ ડ્રગ્સનો નશો કરેલો છે. તે ઉપરાંત પોલીસે બંને યુવકોના લોહીના નમૂના લીધા છે, તેથી મેડિકલ ટેસ્ટનો રિપોર્ટ પણ ટૂંક જ સમયમાં સામે આવશે.
મળતી માહિતી મુજબ મૃતકમાં હેમાલીબેનનું નામ સામે આવ્યું છે જે ધૂળેટી માટે ખરીદી કરવા નીકળ્યા હતા. તેમના સિવાય જૈની, નિશાબેન અને એક અજાણી બાળકી તથા 40 વર્ષીય વ્યક્તિ પણ અકસ્માતનો ભોગ બની હતી. જેમની હાલત ગંભીર હોવાથી તે સારવાર હેઠળ છે. મૃતકાંક વધવાની પણ શક્યતા છે.