
Sabarkantha: હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ જવા, રસ્તા ધોવાઈ જવા, ભુવા પડવા, વુક્ષો ધરાશાયી થવા,દિવાસ ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે તેવામાં સાબરકાંઠા જિલ્લામાં વરસાદને કારણે ઘરની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે જેમાં દિવાલ ધરાશાયી થતા 3 બાળકો દટાયા હતા જેમાંથી બે બાળકોના મોત થયા છે જ્યારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યું છે.
ઘરની દીવાલ ધરાશાયી થતા 3 બાળકો દટાયા
મળતી માહિતી મુજબ સાબરકાંઠા ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ નજીક રતનપુર-સુકાઆંબા ગામે ભારે વરસાદને કારણે એક દુઃખદ ઘટના બની છે. જેમાં
ચોમાસાના ભારે વરસાદને કારણે એક ઘરની માટીની દીવાલ નબળી પડી હતી. આ દીવાલ નજીક રમી રહેલા ત્રણ બાળકો પર અચાનક ધસી પડી હતી. જેમાં 7 વર્ષની બાળકી અને એક 4 વર્ષનો બાળક જે ભાઈ-બહેન હતા, તેઓનું દીવાલના કાટમાળ નીચે દટાઈ જવાને કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું, અને ત્રીજું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી તપાસ શરુ કરી
આ ઘટનાની જાણ થતાં ખેરોજ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બે બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે, અને ઘાયલ બાળકની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.
ગ્રામજનોમાં ભારે આક્રોશ
આ ઘટનાએ સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ પેદા કર્યો છે. તેઓએ મૃતક બાળકોના પરિવારને આર્થિક સહાય અને ઘાયલ બાળકની સારવાર માટે સરકારી મદદની માગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે ચોમાસામાં માટીનાં બાંધકામો નબળાં પડી જાય છે, અને આવા બાંધકામોની નિયમિત તપાસ અને જાળવણી માટે સરકારી સ્તરે પગલાં લેવાની જરૂર છે.
અહેવાલ: ઉમંગ રાવલ








