
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં ઓવરબ્રિજની બંને બાજુના સર્વિસ રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ રોડ પર મસમોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી આ ખાડાઓમાં ભરાઈ જતાં રોડ પરથી પસાર થતાં વાહનો ખાડાઓમાં પટકાઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે. આ ઉપરાંત, ખાડાઓને લીધે રેલવે ફાટકથી લઈને પશુ દવાખાના સુધીના રસ્તા પર રોજબરોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
તલોદમાં સર્વિસ રોડ ઉપર મસમોટા ભૂવા પડ્યા
આ મામલે સ્થાનિક લોકોનું કહેવું છે કે સર્વિસ રોડનું યોગ્ય રીતે સમારકામ ન થયું હોવાથી આ સમસ્યા વધુ ગંભીર બની છે. વરસાદની મોસમમાં ખાડાઓમાં પાણી ભરાવાને કારણે વાહનચાલકોને રસ્તો પાર કરવામાં મુશ્કેલી પડે છે, અને ઘણી વખત નાના-મોટા અકસ્માતો પણ સર્જાય છે. આ રસ્તા પરથી રોજિંદા હજારો વાહનો પસાર થાય છે, અને ખાડાઓની સમસ્યાને કારણે ટ્રાફિકની અવરજવરમાં વિક્ષેપ ઉભો થઈ રહ્યો છે.
તાત્કાલિક ડામર રોડનું યોગ્ય સમારકામ કરવાની માંગ
સ્થાનિક વાહનચાલકો અને રહેવાસીઓએ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી છે અને તાત્કાલિક ડામર રોડનું યોગ્ય સમારકામ કરવાની માંગ કરી છે. તેઓનું કહેવું છે કે જો સમયસર આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ શકે છે. આ અંગે સ્થાનિક તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં, હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. સ્થાનિક લોકો હવે આશા રાખે છે કે તેમની આ માંગ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવશે.
અહેવાલ: ઉમંગ રાવલ
આ પણ વાંચોઃ
Bangladesh Airforce Plane Crash: સેનાનું વિમાન ક્રેશ શાળામાં ઘુસી ગયું, અનેકના મોતની આશંકા
MP Devusinh Chauhan બારેજા મેલડી ભૂવાના વખાણ કરવામાં ભૂલ્યા ભાન, હિંદુ સનાતન વેદોની કરી ટીકા
ગોપાલ ઈટાલિયાને પડકાર આપનાર Kanti Amrutiya આફતમાં, ભાજપના જ નેતાએ ધારાસભ્ય સામે ખોલ્યો મોરચો








