
- ટૂંક સમયમાં આવી શકે છે BCCI કડક નિયમ; સારું પ્રદર્શન ન કર્યું તો પગાર કપાશે
ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રમાયેલી 5 ટેસ્ટ મેચની સીરિઝમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને હવે ટીમ અને ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને BCCI એક મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય અનુસાર ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓના પગારમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
BCCIએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનની સમીક્ષા કરી હતી. સમીક્ષા માટે એક બેઠક યોજાઈ હતી જેમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા હાજર રહ્યો હતો.
એક અહેવાલ અનુસાર, આ બેઠકમાં ખેલાડીઓના પગાર પર કાપ મૂકવાના મુદ્દા પર વિચારણા કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ભારતીય ખેલાડીઓ સાથે એક સેલ્સમેનની જેમ જ્યાં સુધી તેઓ લક્ષ્યને પૂર્ણ ન કરે અથવા તો કોઈ ખેલાડી સારું પ્રદર્શન ન કરે તો તેના પગારમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, જો ખેલાડીઓ પ્રદર્શન અપેક્ષાઓ મુજબનું ન હોય તો તેમના પગારમાં કાપ મુકવો જોઈએ તેવા સૂચનની બેઠકમાં ચર્ચા થઇ હતી. જો કે, આ અંગે સત્તાવાર માહિતી હજુ આવવાની બાકી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ખરેખર આવું થાય છે કે નહીં.
ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે BCCI દ્વારા ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન યોજના શરુ કરી હતી. ત્યારે હવે BCCIની આ નવી પહેલ ખેલાડીઓના પ્રદર્શનમાં શું બદલાવ લાવી શકે છે તે જોવું જ રહ્યું.
આ પણ વાંચો-મિશમ મૌસમનો શુભારંભ કરતી વખતે PM મોદીએ કહ્યું- આજે તો આખું ગુજરાત ધાબે હશે