
દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે તેવા અંબાજીમાં વાહનો પર પથ્થરમારાની ઘટનાઓમાં વધારો થયો છે. ગત રાત્રે યાત્રિકો ભરેલી 3 બસો પર પથ્થરમારો થયો છે. આ મામલે પોલીસે અસમાજિક તત્વોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
શક્તિપીઠ અંબાજીમાં માતાજીનાં દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો દરરોજ આવે છે. ગત રાત્રે (22 ડિસેમ્બર) અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી 3 બસ પર પથ્થરમારાની ઘટના બની હતી.
મહેસાણા જતી ત્રણ ખાનગી બસ પર પથ્થરમારો
પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજીથી મહેસાણા જતી હતી ખાનગી બસો પર પથ્થરમારો કરાયો હતો. અંબાજીથી દર્શન કરીને પરત જતી ત્રણ ખાનગી બસ પર પાનસા નજીક પથ્થરમારો થતાં બસના કાચ તૂટી ગયા હતા. જો કે, સમગ્ર ઘટનામાં સદનશીબે કોઈ જાનહાનિ થઈ નથી.
અંબાજી આવતા તમામ માર્ગો પહાડી વિસ્તારથી ઘેરાયેલા છે. જેથી કેટલાંક અસામાજિક તત્ત્વો પથ્થરમારો કરી નાસી છૂટે છે. હાલ પથ્થરમારો કરનાર લોકોને ઝડપી પાડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે આ ઘટનાથી યાત્રિકોની સુરક્ષાને લઈ સવલો ઉભા થયા છે. આ રીતે હુમલાઓ થશે કોઈ યાત્રિકનું મોત પણ થઈ જાય તો જવાબદાર કોણ? પોલીસ પેટ્રોલિંગને લઈ સવાલો ઉપજ્યા છે.