
વડોદરાના દરજીપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ( SMC)ની ટીમ પર હુમલો કરાયો છે. ગઈ મોડી રાત્રે દારૂના ચાલતા કટિંગ પર રેડ પાડવા ગયેલી SMCની ટીમ પર બૂટલેગરોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં SMCના કેટલાક માણસોને ઇજાઓ થઈ હોવાની જાણકારી મળી રહી છે. આ ઘટનામાં SMCના PSIએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના હરણી પોલીસ સ્ટેશન હદમાં બની છે.
પથ્થરમારો કરતાં પોલીસે કર્યું ફાયરિંગ
પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દરજીપુરા ગામમાં દારૂના કટિંગ પર ત્રાટકી હતી. આ દરમિયાન બુટલેગરોએ SMC ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં એસએમસીના PSI આર.જી. ખાટે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાંની સાથે જ 6થી વધુ બૂટલેગરો ફરાર થઈ ગયા હતા. જ્યારે ત્રણ બૂટલેગરોને દબોચી લેવામાં આવ્યા છે.
સ્થાનિકો પોલીસ સામે સવાલો
ઘટના સ્થળેથી એક ફોર્ચ્યુનર કાર, કન્ટેનર, 22 લાખનો દારૂ મળી કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જો કે આ ઘટના બાદ હરણી પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. હરણ પોલીસ મથકના PI સામે કાર્યવાહી થઈ શકે છે. કારણ કે આટલા મોટા પાયે દારુનું કટિંગ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.