
ગુજરાતમાં દર વર્ષે ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બિનઅનામત વર્ગને સ્વરોજગાર લોન આપવામાં આવે છે. જો કે આ વર્ષ 2024નો અંત આવી ગયો છતાં લોનનો લાભ આપ્યો નથી. ગુજરાતના હજારો યુવાનો આ લોનથી વંચિત રહ્યા છે. વર્ષ 2024નો અંત છતાં ‘સ્વરોજગાર લોન યોજના’ ની જાહેરાત કરવામાં આવી નથી. તો શું સરકારએ આ યોજના બંધ કરી દીધી છે? તે અંગે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ચોખવટ કરે તેવી માગ કરાઈ છે.
આજે 31 ડિસેમ્બરે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ હતું કે ગુજરાત રાજ્યની ભાજપ સરકાર રોજગારના દાવા કરે છે, આત્મનિર્ભરની ગુલબાંગો પોકારે છે, ત્યારે જમીની હકીકત તેનાથી વિપરીત છે. ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અપાતી બિનઅનામત વર્ગને ‘સ્વરોજગાર લોન યોજના’ હેઠળ 40 વ્યવસાય માટેની લોનની જાહેરાત અપાય નથી તો અરજીઓ ક્યાંથી સ્વીકારાય હોય?
2500 લોકોને પણ સરકાર લોન ન આપી શકી
ગુજરાતના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વર્ષ 2023માં જાહેરાત બહાર પડાઈ હતી. તેમાં 4447 જેટલા અરજદારોએ અરજી કરી હતી. સરકાર દ્વારા પોતે 2500 જેટલા અરજદારોને લોન આપી શકાય તેવો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. તેનો માત્ર 38.8% લક્ષ્યાંક જ પૂરો કરી શકી છે. તે સરકારી યોજનાના અમલીકરણની અસફળતાનું પ્રતિબિંબ છે. વર્ષ 2023માં 4447 અરજદારો પૈકી માત્ર 971 અરજદારોને લોન ફાળવવા આવી હતી. ભાજપ સરકાર પોતાના 2500 યુવાનોના લક્ષ્યાંકને પૂરો નથી કરી શકી. તે સરકારી યોજના લાગુ કરવા અને અમલીકરણની સ્પષ્ટ નિષ્ફળતા છે. વર્ષ 2023ના માર્ચમાં અરજી કરનાર બનાસકાંઠા, પાટણ, મેહસાણા અને મહીસાગર ના અરજદારોને છેક દોઢ વર્ષ બાદ 2024માં લોન ફાળવવામાં આવી છે.
ઢંગધડા વગરના વહીવટથી યુવાનોમાં આક્રોશ
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઢંગધડા વગરના વહીવટથી ગુજરાત ના બેરોજગાર યુવાનોમાં આક્રોશ અને નારાજગી છે. ભાજપ સરકાર અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ વર્ષ 2024″ સ્વરોજગાર લોન યોજના” હેઠળની જાહેરાત કેમ બહાર પાડવામાં આવી નથી અને અરજીઓ કેમ સ્વીકારવા માં આવી નથી? શું સરકારએ યોજના બંધ કરી દીધી છે? તો સરકારી કચેરી દ્વારા વર્ષ 2024માં યોજના સંબંધી માહિતી કેમ માંગવામાં આવી હતી? શું સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ પાસે પૂરતું ભંડોળ નથી? આ યોજના હેઠળ 1.50 રૂપિયા થી લઈ ને 10 લાખ રૂપિયા સુધી ની લોન અપાય છે. ગત વર્ષના 3476 લોન વંચિત અને ગુજરાતના હજારો નવા અરજદાર યુવાનો આત્મનિર્ભર બનવામાં જાહેરાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સરકાર તેમના સપનાઓ ઉપર પાણી ફેરવી રહી છે.
2023ના અરજદારોની 2024માં લોન મંજૂર
ગુજરાત અનેક વિસ્તારના યુવાનોની માંગ છે કે નિયત કરેલ ડોક્યુમેન્ટ્સ સિવાય વધારા ના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવી રહ્યા છે. વર્ષ 2023 ના અરજદારો જેમને છેક વર્ષ 2024માં લોન મંજૂર કરવા માં આવી છે તેમની જોડે તલાટીના પ્રમાણપત્ર ઉપરાંત ટાઇટલ ક્લિયર જેવા ડોક્યુમેન્ટ્સ માંગી કનડકત ઉભી કરવામાં આવી રહી છે તેવી ફરિયાદો ઉઠી રહી છે તેની સરકાર દ્વારા તપાસ કરવા માં આવે. ગુજરાત સરકાર ગ્રામીણ યુવાનો ને સરકારી યોજનાઓ માં લાભ મળે તે માટે સરકારી પ્રક્રિય સરળ બનવી જોઈએ જેથી અરજદારો ને સરળતા થાય. ગુજરાત સરકાર દ્વારા ‘ સ્વરોજગાર લોન યોજના ‘ ની નવી જાહેરાત અને અરજીઓ નહિ સ્વીકારવામાં આવે તો અરજદારો ને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
જુઓ વિડિયો