
Gujarat news: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદે નદી-નાળાઓને છલકાવી દીધા છે, જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડૂબવાની દુઃખદ ઘટનાઓ સામે આવી રહી છે. ભુજ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદે જનજીવનને અસર કરી છે, જેમાં કેટલાક લોકોના જીવ ગયા છે.
ભુજમાં ખાડામાં ડૂબી બે યુવતીઓ
ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડામાં ડૂબી જવાથી બે યુવતીઓના મોત થયા છે. મૃતકોમાં 16 વર્ષની કિશોરી અને 18 વર્ષની યુવતીનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠામાં સેલ્ફી લેતા યુવકનું મોત
સાબરકાંઠાના ઈડર તાલુકામાં સપ્તેશ્વર નજીક સાબરમતી નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં નિલેશ દેવજીભાઈ પરમાર નામના યુવકનો પગ લપસતાં તે પાણીના પ્રવાહમાં ગરકાવ થયો હતો. આ યુવક મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાનો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકો, ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા બે કલાકથી યુવકની શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ સુધી તેનો પતો લાગ્યો નથી.
અરવલ્લીમાં ધોધ પર સેલ્ફી લેવાની ઘટના
અરવલ્લી જિલ્લાના વિજયનગર તાલુકામાં કણાદર ગામ નજીક ધરતી માતાના વિનિતા મંદિર ખાતે દર્શન માટે ગયેલા 18 વર્ષના મેણાત અલ્પેશભાઈ નામના યુવકનું ધોધ પર સેલ્ફી લેવાના પ્રયાસમાં કરૂણ મોત નીપજ્યું. મંદિરની પાછળના ભાગે આવેલા ધોધ પર ચડતી વખતે પથ્થર પર લીલ હોવાને કારણે તેનો પગ લપસ્યો, અને તે વહેતા પાણીમાં પડી ગયો. ઘટના બાદ સ્થાનિકો ઘટનાસ્થળે એકઠા થયા, અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું.
ભારે વરસાદથી નદીઓ બે કાંઠે
સાબરકાંઠા અને અરવલ્લીમાં શનિવારે સરેરાશ 6 ઈંચ વરસાદ નોંધાયો, જ્યારે છેલ્લા ચાર દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો. આનાથી નદીઓ અને ઝરણાં ઉફની ગયા છે. ખાસ કરીને ભિલોડામાં શનિવારે રાત્રે સાડા છ ઈંચ વરસાદ પડ્યો, જેમાં મધ્યરાત્રિએ બે કલાકમાં 95 મિ.મી. વરસાદ નોંધાયો. આના પગલે વિસ્તારોમાં પાણી ભરાયા, અને માઝુમ ડેમના બે દરવાજા ખોલી 3,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું.
આવી ઘટનાઓ રોકવા સાવચેતીની જરુર
ચોમાસાની મોસમમાં ધોધ અને નદીઓની મુલાકાત લેતી વખતે નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. સેલ્ફી લેવાના ચક્કરમાં અથવા નાહવા માટે ઊંડા પાણીમાં જવું જોખમી બની શકે છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા આવી ઘટનાઓને રોકવા માટે જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે, જેથી આવી દુઃખદ ઘટનાઓ ટાળી શકાય.