
Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઉમેટા બ્રિજની જર્જરિત હાલત ચિંતાજનક છે ત્યારે હવે તંત્રએ ખાડા પૂરવાનું શરૂ કર્યું છે.
ઉમેટા બ્રિજની જર્જરિત હાલત પર તંત્રના થીગડા
ગઈ કાલે વડોદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજના ધરાશાયી અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા હોવાની માહિતી છે, આ દુર્ઘન બાદ વાહન વ્યવહારને ઉમેટા બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ હવે ઉમેટા બ્રિજની જર્જરિત હાલત પણ ચિંતાનો વિષય બની છે, જે ભારે વાહનોનો ભાર સહન કરવા સક્ષમ નથી. ત્યારે તંત્રને કુટેવ પડી ગઈ છે કે, આગ લાગે ત્યારે જ ખોદવો એટલા માટે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 15 લોકોના મોત બાદ તંત્ર જાગ્યું છે અને તેને ઉમેટા બ્રિજના ખાડા દેખાતા તેના પર થીગડા મારવાના શરુ કર્યા છે. પરંતુ શું થીગડા મારવાથી આ બ્રિજની ગુણવત્તા સુધરશે?
અસ્થાયી ઉકેલથી સ્થાનિકોમાં નારાજગી
મળતી માહિતી મુજબ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગંભીરા બ્રિજ પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. વૈકલ્પિક માર્ગ તરીકે ઉમેટા બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેની પણ ખસ્તા હાલતને કારણે ભારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હળવા વાહનોને ઉમેટા માર્ગે, જ્યારે ભારે વાહનોને વાસદ માર્ગે ડાયવર્ટ કરાયા છે. ત્યારે ઉમેટા બ્રિજનું માળખું પણ નબળું હોવાનું સામે આવ્યું છે, જે ભારે વાહનોનો ભાર સહન કરવા લાયક નથી. તંત્રએ ખાડા પૂરવા અને થીગડાં મારવાનું શરૂ કર્યું છે, પરંતુ આ અસ્થાયી ઉકેલથી સ્થાનિકોમાં નારાજગી છે. સ્થાનિકો અને વિપક્ષી નેતાઓએ નવા બ્રિજની માંગ તીવ્ર કરી છે, અને 2022માં આપેલી ચેતવણીઓની અવગણના અને પ્રશાસનની બેદરકારી પર સવાલો ઉઠાવ્યા છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના
9 જુલાઈ, 2025ના રોજ ગંભીરા બ્રિજનો 10-15 મીટર લાંબો સ્લેબ તૂટી પડ્યો, જેના કારણે બે ટ્રક, બે વાન, એક ઓટોરિક્ષા અને એક બાઇક મહીસાગર નદીમાં ખાબક્યા. આ ઘટનામાં 14 લોકોના મોત થયા, જેમાં એક પરિવારના છ સભ્યો અને એક બાળકનો સમાવેશ થાય છે. આજે વહેલી સવારે શોધખોળ દરમિયાન એક વધુ મૃતદેહ મળ્યો, જેનાથી મૃત્યુઆંક 15 થયો. નવ લોકોને સુરક્ષિત બચાવાયા, જેમાંથી પાંચને હોસ્પિટલમાં દાખલ કરાયા. NDRF અને SDRFની ટીમો હાલ બચાવ કામગીરીમાં સક્રિય છે, અને વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયા ઘટનાસ્થળે નિરીક્ષણ કરી રહ્યા છે.
ગંભીરા બ્રિજની વિગતો
1981માં બાંધકામ શરૂ થયેલો અને 1985માં ખુલ્લો મૂકાયેલો ગંભીરા બ્રિજ 900 મીટર લાંબો છે અને તેના 23 થાંભલા છે. આ પુલ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડે છે. દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે, કારણ કે નદીમાં હજુ કેટલાક વાહનો ફસાયેલા હોઈ શકે છે.
સ્થાનિકોની નવા બ્રિજની માંગ
આ ઘટનાએ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ અને જાળવણીના અભાવ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકો નવા બ્રિજની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષે સરકારની બેદરકારી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ દુર્ઘટનાએ રાજ્યના પુલોની સુરક્ષા અને જાળવણીની જરૂરિયાતને ઉજાગર કરી છે.