
Vadodara: ગયા વર્ષે ચોમાસામાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પુર આવ્યું હતું. આ પુરને કારણે વડોદરાવાસીઓને ભારે હાલાકીનો સામેનો કરવો પડ્યો હતો. તે વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા દોડી ગયા હતા ત્યારે તેમને લોકોની નારાજગીનો પણ સામનો કર્યો હતો ત્યારે વડોદરામાં ફરી આવી પરિસ્થિતિ ન સર્જાય તેના માટે સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રૂ. 1200 કરોડની જાહેરાત કરી હતી અને ફરી ચોમાસું આવતા સુધીમાં આ પ્રોજેક્ટ પુર્ણ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે હવે ચોમાસું બેસી ગયું છે ત્યારે વડોદરાના મેયરને આ પ્રોજેક્ટ અંગે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે મેયર પિન્કીબેન સોની ભેદી મૌન સેવ્યું હતું જેના કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે અને આ અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
વિશ્વામિત્રી નદી પ્રોજેકટ અંગે મેયરનું મૌન
મળતી માહિતી મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરે વિશ્વામિત્રી નદી પ્રોજેકટ અને પૂરની તૈયારીઓ અંગે સવાલો ઉઠાવ્યા. આ સવાલોના જવાબમાં મેયર પિન્કીબેન સોની અને સત્તાધારી ભાજપના કોર્પોરેટરો લાલઘૂમ થયા, અને શિસ્તભંગના નામે સભા મુલતવી રાખવામાં આવી હતી. આ ઘટનાએ શહેરના નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે, જેમણે મેયરની જવાબદારી અને કાર્યશૈલી પર સવાલો ઉભા કર્યા છે.
વડોદરાના મેયર પિન્કી સોનીમાં બોલવાનુંય “પાણી” નથી#Vadodara #Mayor #PinkySoni #heavyrain #WaterLogging #viralvideo #thegujaratreport pic.twitter.com/Lwb8XU0539
— The Gujarat Report (@TGujarat_Report) June 24, 2025
સભા અધવચ્ચે બરખાસ્ત
કોંગ્રેસના કોર્પોરેટરે વિશ્વામિત્રી નદીના પૂર અને તેની સફાઈ-વિકાસ માટે ખર્ચાયેલા રૂ. 1200 કરોડના ખર્ચ અંગે સવાલ ઉઠાવ્યા. તેમણે દાવો કર્યો કે નદીના પટમાંથી 70,000 વૃક્ષો અને 1 લાખ જેટલી વનસ્પતિના છોડ, જે માટીનું ધોવાણ અટકાવતા હતા, તેનું નિકંદન નીકળ્યું, છતાં આ ચોમાસામાં પૂરની સ્થિતિ અંગે મેયર કે અન્ય કોઈ નેતા નિશ્ચિત જવાબ આપી શક્યા નથી. આ સવાલોના જવાબમાં મેયરે મૌન સાધ્યું, જેના કારણે કોર્પોરેટરોએ હોબાળો કર્યો અને સભા અધવચ્ચે બરખાસ્ત કરવામાં આવી.
નાગરિકોમાં ભારે નારાજગી
સભામાં મેયરની માત્ર 24 મિનિટની હાજરીએ નાગરિકોમાં ભારે નારાજગી ફેલાવી છે. લોકોએ આક્ષેપ કર્યો કે મેયર એટલા વ્યસ્ત છે કે શહેરના મૂળભૂત પ્રશ્નો જેમ કે ચોમાસામાં પાણી ભરાવું, ડ્રેનેજની સમસ્યા, અને રસ્તાઓની ખરાબ હાલત જેવી સમસ્યાઓને નજરઅંદાજ કરી રહ્યા છે. નાગરિકોએ ખુલ્લેઆમ કહ્યું, “મેયર આખા શહેરના હોવા જોઈએ, કોઈ એક પાર્ટીના નહીં.” તેઓ પૂરની તૈયારીઓ અંગે પત્રકારોના સવાલોનો પણ “હા” કે “ના”માં જવાબ આપી શકતા નથી જેથી કેટલાકે તો મેયર પિન્કીબેન સોનીની સરખામણી “ગુંગી ગુડિયા” સાથે કરી છે.
1200 કરોડનો ખર્ચ, છતાં પૂરનો ભય
વિશ્વામિત્રી નદીના રી-ડેવલપમેન્ટ પ્લાન માટે રૂ. 1200 કરોડનો ખર્ચ થયો હોવા છતાં, નદીની સફાઈ, ઊંડાણ અને પહોળાઈના કામો અંગે પારદર્શિતાનો અભાવ રહ્યો છે. ગયા વર્ષે ભારે વરસાદ બાદ શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના માટે નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામોને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા. આ વખતે પણ ચોમાસાની શરૂઆત સાથે શહેરમાં 1.5 ઇંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા હતા, જેનાથી નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. શું આ વખતે પણ વડોદરાવાસીઓને પૂરનો સામેનો કરવો પડશે ?
મેયરની જવાબદારી પર સવાલ
નાગરિકોએ અફસોસ વ્યક્ત કર્યો કે મેયર પાસે સંવેદનશીલતા અને જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ મેયર આ અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી. એક નાગરિકે જણાવ્યું, “જો મેયરશ્રી આ પદની વ્યાખ્યા સમજવા તૈયાર નથી, તો યોગ્ય નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે.” શહેરના લોકોએ એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપના મેયર પોતાની પાર્ટીના હિતોને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેના કારણે શહેરના પ્રશ્નો અધૂરા રહે છે.નાગરિકોનો આક્ષેપ છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટની તૈયારીઓ માત્ર કાગળ પર જ દેખાય છે. ગયા વર્ષના અનુભવોને ધ્યાનમાં રાખીને, લોકો ભગવાન ભરોસે રહેવા મજબૂર છે, કારણ કે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ અંગે કોઈ નિશ્ચિત જવાબ મળતો નથી.વડોદરા શહેરના નાગરિકો હવે મેયર અને પાલિકા તંત્રની કામગીરી પર ખુલ્લેઆમ સવાલો ઉઠાવી રહ્યા છે. જો પાલિકા તંત્ર આ મુદ્દાઓનું નિરાકરણ નહીં લાવે, તો નાગરિકોનો અસંતોષ વધુ ઊંડો થઈ શકે છે.
આ પણ વાંચો:
Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત
Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?
જો ભારત સિંધુ સંધિનો અમલ નહીં કરે તો બીજીવાર યુદ્ધ માટે તૈયાર: પાકિસ્તાન | Bilawal Bhutto
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી
Vadodara માં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બની ધમકી: રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલમાં તપાસ શરૂ








