
Vadodara: આમ તો ગુજરાતમાં દારુબંધી છે પરંતુ આ દારુબંધી માત્ર કાગળ પર જ રહી છે. રાજ્યમાંથી અવાર નવાર મોટી માત્રામાં દારુ ઝડપાતો હોય છે. ત્યારે તમને સવાલ થતો હશે કે, આટલો બધો પકડાયેલો દારુ ક્યા જાય છે પોલીસ તેનું શું કરે છે? આ સવાલના જવાબ વડોદરા પોલીસે આપ્યો છે. વડોદરામાં દારૂ ભરેલું કન્ટેનર પકડીને પોલીસે બારોબાર બુટલેગરોને ભરી આપ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સામે આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસે પકડેલો દારુ બુટલેગરોને આપી દીધો
મળતી માહતી મુજબ જરોદ પોલીસે હાલોલ ટોલ નાકા ઉપરથી 39 લાખના દારૂ ભરેલા કન્ટેનરને પકડ્યું હતું. જેમાંથી 5 લાખ ઉપરાંતનો દારૂ બારોબાર બુટલેગરને આપી દીધો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, પોલીસે ઝડપાયેલા દારૂના કન્ટેનરમાંથી દારૂના ખોખા કાઢી જાહેર માર્ગ ઉપર સફેદ મારૂતિ બ્રિજા, મહિન્દ્રા XUV 500 અને સ્વિફ્ટમાં ગોઠવ્યા હતા. આ દરમિયાન એક જાગૃત નાગરિકે તેનો વીડિયો ઉતારી લેતા પોલીસની આ કરતૂત સામે આવી છે. આ વીડિયો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
હાલોલથી દારૂ પકડી ગુનો આસોજમાં નોંધ્યો
જે બાદ પોલીસે આ કન્ટેનરને જરોદ પોલીસ મથકે લઈ જઈ પ્લાસ્ટિકની 180 મિલીની દારૂ ભરેલી 751 પેટી કિંમત 39.65 લાખનો જથ્થો ઝડપાયો હોવાનો ગુનો નોંધ્યો છે એટલું જ નહીં દારુ ભરેલું કન્ટેનર હાલોલ ટોલ નાકા ઉપરથી ઝડપાયું હોવા છતા જરોદ પોલીસે આસોજ ગામ પાસેથી કન્ટેનર ઝડપ્યું હોવાનું ફરિયાદમાં નોંધ્યું છે. તેમજ ચાલક શંકરલાલ હકમલાલ રબારી, રહે રાજસ્થાન અને ક્લીનર રાજેન્દ્ર નિર્ભયસિંગ કિતાવત રહે. રાજસ્થાન સામે દારૂ અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસ હાથ ધરી
ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ જરોદ પોલીસ દ્વારા દારૂ બારોબાર સગેવગે કરવાનો મામલો પહોંચતા આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે. જેમાં ફોન લોકેશનથી માંડી સીડીઆર અને કન્ટેનર ક્યાંથી ઝડપાયુ તેમજ કન્ટેનર કોણ લઈ આવ્યું આ તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે જેમની કારમાં દારુ ભર્યો તે બુટલેગરો કોણ?
પોલીસે જે બુટલેગરોની કારમાં દારુ ભર્યો તેમાં મંજુસરનો બુટલેગર રિંકુની XUV 500, વાઘોડિયાના બુટલેગર ભૈયાની બ્રિજા અને કાનાની સ્વિફ્ટ હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય લિસ્ટેડ બુટલેગર છે. આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો પોલીસનું મોટુ કૌભાંડ ખૂલી શકે છે અને તેમાં મોટા અધિકારીઓનું નામ પણ બહાર આવી શકે છે.
આ પણ વાંચો:
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court