
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખાનગી સોલાર કંપનીના વીજ પ્લાન્ટ સામે આસપાસના ખેડૂતો અને રહીશો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. આ વિરોધ પાછળ ખેડૂતોએ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે.
મોડાસાના ડોક્ટરકંપામાં મહેન્દ્રા સસ્ટેન કંપની દ્વારા 400 વીઘામાં સોલાર પ્લાન્ટ બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ સોલાર પ્લાન્ટને લઈને આસપાસના ગામડાઓના ખેડૂતો અને રહીશોની મુશ્કેલીઓ વધી ગઈ હોવાના કારણે 100 જેટલા ગ્રામજનોએ ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટ આગળ વિરોધ કર્યો હતો.
ખેડૂતોએ ગંભીર આરોપ લગાવ્યો છે કે એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન ઉપર પણ કબ્જો કરી લેવામાં આવ્યો છે. આ સોલાર પ્લાન્ટના કારણે કરારમાં સામેલ નહોય તેવા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, કંપનીએ 70 વીઘાથી વધારે જમીનનો અને સ્મશાનમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે.
ડોક્ટરકંપાના ખેડૂત પારસિયાએ જણાવ્યું હતુ કે, અમારા ત્યાં મહેન્દ્ર સોલાર કંપની આવેલી છે, તે એનએ ઓર્ડર વગર અને રિસર્વે કર્યાં વગર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. ખેડૂતે વધુમાં જણાવ્યું કે, આ બાબતે અમે ક્લેક્ટર અને મામલતદારને પણ આવેદનપત્ર આપી ચૂક્યા છીએ પરંતુ સરકારી અધિકારીઓ તરફથી અરજીનો કોઈ જ રિપ્લાય આપવામાં આવ્યો નહતો. ખેડૂતોએ ક્લેક્ટર અને મામલતદારને ખેડૂતો તરફથી કહેવામાં આવ્યું છે કે, તમે સ્થળ નિરીક્ષણ કરીને અમારી સમસ્યાનો નિકાલ લાવી આપો પરંતુ અધિકારીઓ નિરીક્ષણ કરવા માટે પણ આવી રહ્યાં નથી.
તો ભારતીય કિશાન સંઘ અરવલ્લી જિલ્લા મંત્રી પ્રેમજી ભાઈએ જણાવ્યું હતુ કે, નહેરૂકંપા અને મૂલોજકંપાની અંદર મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર કંપનીનો સોલાર પ્લાન્ટ આવેલો છે, તેના કારણે ખેડૂતોના રસ્તાઓ બંધ થઇ ગયા છે તો તેમના ઘરો પર ધ્વસ્થ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેથી સંગઠન દ્વારા હું સરકારને વિનંતી કરૂં છું કે ખેડૂતો સાથે અન્યાય ન થાય અને ન્યાય મળે.

પ્રેમજી ભાઈએ વધુમાં જણાવ્યું હતુ કે, સરકાર વિકાસ કરી રહી છે, તેમાં અમે રાજી છીએ પરંતુ ખેડૂતોના ભોગે, ખેડૂતોને અન્યાય થાય તો અમે ખેડૂતોને સપોર્ટ કરીશું. વધુમાં તેમણે સરકારને વિનંતી કરતાં જણાવ્યું હતુ કે, સરકાર અધિકારીઓને સ્થળ નિરીક્ષણ કરવા મોકલીને ખેડૂતોને ન્યાય અપાવવો જોઈએ.
ડોક્ટરકંપના રહેવાસી ભાવના બેને જણાવ્યું હતુ કે, અમારા ઘર અને સ્થળ ઉપર કબ્જો કરી લીધો છે, ખેતરોમાં જવાના રસ્તા માટે, ઘાસચારા લેવા જવા માટે પણ અમને તકલીફ પડી રહી છે. આમ અમારે ત્યાં અત્યારે ખુબ જ સમસ્યા છે, તો અમારી સરકારશ્રીને માંગણી છે કે અમારી મદદ કરે, અમને ન્યાય અપાવે. પોસ્ટર દ્વારા ખેડૂતોએ કહ્યું છે કે, સરકારી તંત્રની રિસર્વેની ભૂલના ભોગ બનેલા ખેડૂતોને ન્યાય આપો.
ખેડૂતોનું કહેવું છે કે, કંપની દ્વારા રિસર્વેમાં ભૂલ મુજબ કરેલા એગ્રીમેન્ટોથી જમીનનો કબ્જો કરી ખેડૂતોને ઘર-જમીન વિહોણા કર્યા છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે, તેમના પોતાના ખેતરોમાં તેઓ જઈ શકી રહ્યાં નથી. કંપની દ્વારા ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડશોથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ તમામ મુશ્કેલીઓનું નિવારણ લાવવા માટે ડોક્ટરકંપની સહિતના આસપાસના 100થી વધારે ખેડૂતોએ કંપની સામે પોસ્ટર અને બેનરો લઈને ગાંધી માર્ગે શાંતિપૂર્વક પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, સરકારી તંત્ર દ્વારા કરેલા ભૂલભરેલા રિસર્વેના કારણે અનેક ખેડૂતોની જમીન અને ઘરબાર ઉપર સોલાર કંપની દ્વારા કબ્જો કરી લેવામાં આવ્યો છે. તો સરકારી તંત્ર ભૂલને આગળ ધરીને સોલારની કંપની દાદાગીરીપૂર્વક પોતાનું કામ ધમધોકાર આગળ ચલાવી રહી છે, તો બીજી તરફ ખેડૂતો લાચારીપૂર્વક પોતાની જમીન અને ઘર જતા જોઈ રહ્યાં છે.